ગુજરાતના રાજકારણમાં જે ઉથલપાથલની ચર્ચાઓ થઈ રહી છે, તેનો બસ ટૂંક જ સમયમાં અંત આવવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવી ટીમ મળી જશે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ, ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ લાંબા સમયથી વિલંબિત મંત્રીમંડળ ફેરબદલીને લીલી ઝંડી આપી દીધી છે. સોમવારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય હાઇકમાન્ડ સાથે બેઠક યોજી હતી. ધનતેરસ પર નવા મંત્રીઓ શપથ લે તેવી અપેક્ષા છે.
આ મંત્રીમંડળની ફેરબદલીમાં પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ ધારાસભ્યોને સ્થાન મળવાની શક્યતાઓ છે. માહિતી મુજબ નવા મંત્રી મંડળમાં સૌથી મોખરે સહકારી ક્ષેત્રે સારી નામના ધરાવતા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ હોલ સૌથી મોખરે છે. જ્યારે બીજા નંબરે વર્ષોથી કોંગ્રેસમાં રહેલ અને પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. અને સંજય કોરડિયાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની સંભાવના છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેબિનેટનો દરજ્જો મળવાની પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત રહી છે.
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને લેઉવા પાટીદાર ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ પાટીદાર, OBC, કોળી, SC-ST અને ઉત્તર–દક્ષિણ–મધ્ય ગુજરાતના સંતુલન પર પણ પાર્ટી ધ્યાન રાખશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે, જ્યારે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઓબીસી છે. પરિણામે, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ નવા પ્રકારના સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે.
જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ બનશે. મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર ઝોન વિશેષ ભાગ ભજવશે. સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ અને કોળી ફેકટરને ધ્યાનમા લેવાશે. મધ્ય ગુજરાતમાં સામાન્ય જ્ઞાતિના ઉમેદવારને સ્થાન મળશે. સૌરાષ્ટ્રમા અને મધ્ય ગુજરાતમાથી ક્ષત્રિય ચહેરાને તક અપાશે. તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજને મહત્વ અપાશે. દક્ષિણ ગુજરાતમાં મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉત્તર ગુજરાતમા OBC ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા વધુ છે.
માહિતી મુજબ નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મૂળુ બેરા અને ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓની એક્ઝિટ થઈ શકે છે. બીજી તરફ, જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, અને રીવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. જ્યારે હાલના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, પરશોત્તમ સોલંકી અને મુકેશ પટેલને ફરીથી લોટરી લાગી શકે છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ હરિયાણા અને મહારાષ્ટ્રના પ્રવાસે હતા. તેઓ હવે મહારાષ્ટ્રનો પ્રવાસ રદ કરી હરિયાણાથી વાયા દિલ્હી થઈને આવતીકાલ સવાર સુધીમાં ગાંધીનગર આવી જશે. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલની વર્તમાન કેબિનેટની અંતિમ બેઠક પણ યોજાવાની છે. ત્યારે કદાચ આવતીકાલ સાંજ સુધીમાં અથવા તો 17મીએ સવાર સુધીમાં ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ અંગે મોટી જાહેરાત થઇ શકે છે. આ વખતે 10 નવા ચહેરાઓની એન્ટ્રી થઈ શકે છે. જ્યારે હાલના 8 મંત્રીઓને ઘરે બેસવાનો વારો આવી શકે છે.