દિલ્હીમાં પ્રદુષણ સામેના વિરોધમાં નક્સલી માડવી હિડમાના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસ પર હુમલો, જાણો હકીકત
રાજધાની દિલ્હી છેલ્લા કેટલાય દિવસથી ગંભીર વાયુ પ્રદુષણનો સામનો કરી રહી છે. ત્યારે રવિવાર સાંજે ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણની ભયાનક સ્થિતિને લઈને કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને વિખેરવાનો પ્રયાસ કરતાં પોલીસકર્મીઓ પર પેપર સ્પ્રેથી હુમલો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઉપરાંત, દેખાવકારોએ તાજેતરમાં જ માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે આ વિરોધ પ્રદર્શનનો હેતુ વધુ શંકાસ્પદ બન્યો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પ્રદર્શનકારીઓને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું કે, જંતર-મંતર વિરોધ માટે નિયુક્ત સ્થળ છે. અધિકારીઓએ પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે એમ્બ્યુલન્સ અને તબીબી કર્મચારીઓ ફસાયેલા છે અને તેમને તાત્કાલિક સહાયની જરૂર છે, પરંતુ તેઓ ઉશ્કેરાઈ ગયા. પરિસ્થિતિ વધુ વણસશે તે ડરથી, પોલીસે જૂથને વિખેરાઈ જવા કહ્યું. તેના બદલે, તેઓ બેરિકેડ તોડીને વિરોધ કરવા માટે રસ્તા પર બેસી ગયા.
તેમને વિખેરવાના પ્રયાસ દરમિયાન, કેટલાક વિરોધીઓએ પોલીસ અધિકારીઓ પર મરીના સ્પ્રેનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. ત્રણથી ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનરએ આ ઘટનાને 'ખૂબ જ અસામાન્ય' ગણાવી હતી. તેમણે કહ્યું, 'આ પહેલી વાર છે જ્યારે વિરોધીઓએ ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા અધિકારીઓ પર આ રીતે હુમલો કર્યો છે.'
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં નોંધાઈ હતી, જેમાં એકંદર AQI 391 પર પહોંચ્યો હતો. માહિતી મુજબ, ૧૯ મોનિટરિંગ સ્ટેશનોએ 'ગંભીર' પ્રદૂષણ સ્તર નોંધાવ્યું હતું, જ્યારે અન્ય ૧૯ સ્ટેશનોએ ૩૦૦ થી ઉપર 'ખૂબ જ ખરાબ' સ્તર નોંધાવ્યું હતું. એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમે આગાહી કરી છે કે સોમવારથી બુધવાર સુધી શહેર 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં રહેશે. સીપીસીબી માર્ગદર્શિકા અનુસાર, એક્યુઆઈ 0-50 'સારું', 51-100 'સંતોષકારક', 101-200 'મધ્યમ', 201-300 'ખરાબ', 301-400 'ખૂબ જ ખરાબ' અને 401-500 'ગંભીર' છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp