સ્મૃતિ મંધાનાના પિતા બાદ પલાશ મુચ્છલની પણ તબિયત લથડી, લઈ જવું પડ્યું હોસ્પિટલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના માટે જે દિવસ ખૂબ જ ખાસ બનવાનો હતો, તે તેને મોટો ઝટકો આપી ગયો. સ્મૃતિ 23 નવેમ્બર રવિવારના રોજ સંગીત નિર્દેશક પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવાની હતી, પરંતુ લગ્ન અચાનક મુલતવી રાખવા પડ્યા કારણ કે તેમના પિતાને લગ્નના દિવસે હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે, લગ્ન અગાઉ ન માત્ર તેના પિતાને, પરંતુ સ્મૃતિના મંગેતર પલાશની પણ અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હત અને ડૉક્ટર પાસે તપાસ કરવવામાં આવી.
સ્મૃતિ અને પલાશના લગ્ન રવિવારે સાંજે લગભગ 4:30 વાગ્યે થવાના હતા. પરંતુ એ અગાઉ જ સ્મૃતિના પિતાની તબિયત બગડી ગઈ, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. તેના પિતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્મૃતિએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો. થોડા સમય બાદ પલાશ મુચ્છલની પણ તબિયત લથડી ગઈ.
અહેવાલ મુજબ, પલાશને વાયરલ ઇન્ફેક્શન અને એસિડિટીની ફરિયાદ હતી અને સાવચેતી તરીકે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ હતી કે પલાશની હાલત ગંભીર નહોતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી. ડૉક્ટરની તપાસ બાદ પલાશને થોડીવારમાં રજા આપી દેવામાં આવી અને તે હોટલમાં પાછો ફર્યો. હાલમાં તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્મૃતિ મંધાના તેના પિતા અને ભાવિ પતિના સ્વાસ્થ્યના એક જ દિવસે બગડવાથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હશે.
આ દરમિયાન સાંગલીની સર્વહિત હોસ્પિટલના ડૉ. નમન શાહે મીડિયા સાથે વાત કરતા સ્મૃતિના પિતાની સ્થિતિ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે શ્રીનિવાસ મંધાનાને છાતીના ડાબા ભાગમાં દુઃખાવો થયા બાદ બપોરે 1:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની તપાસ કરવામાં આવી અને તેમને હાર્ટ એટેકના લક્ષણ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે ત્યારથી કાર્ડિયોલોજિસ્ટ અને અન્ય ડૉક્ટરોની ટીમ તેમનું સતત નિરીક્ષણ કરી રહી છે અને તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે લગ્નનું વ્યસ્ત વાતાવરણ, થાક અને માનસિક તણાવને કારણે તેમને આ હુમલો થયો હોઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp