ભૂતપૂર્વ મેચ રેફરીએ BCCI પર લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, સૌરવ ગાંગુલી પર કર્યો આ ખુલાસો
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I શ્રેણી રમવા માટે ઉત્સુક છે. આ શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અગાઉ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભૂતપૂર્વ મેચ રેફરીએ ભારતીય ટીમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.
ભૂતપૂર્વ ICC મેચ રેફરી ક્રિસ બ્રોડે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે મેચ રેફરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમને એક ફોન આવ્યો હતો જેમાં તેમને નરમી દાખવવા અને ભારત સામે ધીમા ઓવર રેટ માટે પેનલ્ટી ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેમણે એ જાહેર કર્યું નથી કે તેમને કોણે ફોન કર્યો હતો. ક્રિસ બ્રોડને યાદ નથી કે તે કઈ મેચ હતી અથવા તે મેચમાં કઈ ટીમ ભારત સામે રમી રહી હતી.
ધ ટેલિગ્રાફને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ક્રિસ બ્રોડે જણાવ્યુ કે, ‘ભારત મેચના અંતે 3-4 ઓવર પાછળ હતું, એટલે પેનલ્ટી જરૂરી હતી. મને એક ફોન આવ્યો કે, ‘નરમી રાખો, થોડો સમય લો કારણ કે આ ભારત છે.’ એટલે અમારે થોડો સમય કાઢવો પડ્યો અને ઓવર-રેટને મર્યાદા સુધી લાવવો પડ્યો.’ ભૂતપૂર્વ મેચ રેફરીએ વધુમાં જણાવ્યું કે, ‘આગલી મેચમાં પણ આવું જ થયું. તત્કાલીન ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ મારી વાત ન સાંભળી તો મેં ફોન કરીને પૂછ્યું, ‘તમે હવે શું કરવા માગો છો? અને મને કહેવામાં આવ્યું, ‘બસ તેમની સાથે જ કરો.’
ક્રિસ બ્રોડે આગળ કહ્યું કે, ‘મને લાગે છે કે વિન્સ વાન ડેર બિજલ (ICC અમ્પાયર મેનેજર) જ્યારે આ પદ પર હતા, ત્યાં સુધી અમને તેમનું સમર્થન મળ્યું, કારણ કે તેઓ ક્રિકેટ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા. પરંતુ તેમના ગયા બાદ મેનેજમેન્ટ ખૂબ જ નબળું પડી ગયું. ભારતને બધા પૈસા મળી ગયા અને હવે ઘણી રીતે ICC પર કબજો કરી લીધો છે.’
તેમણે કહ્યું કે, ‘મને ખુશી છે કે હું હવે આ પદ પર નથી, કારણ કે તે પહેલા કરતા ઘણી વધુ રાજકીય પદ છે. ક્રિસ બ્રોડે મેચ રેફરી તરીકે 123 ટેસ્ટ, 361 ODI અને 138 T20Iમાં અમ્પાયરિંગ કર્યું છે. તેઓ ફેબ્રુઆરી 2024માં આ પદ પરથી નિવૃત્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp