પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં 3 ક્રિકેટર્સ સહિત 8 લોકોના મોત
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા. આ હુમલો શુક્રવારે રાત્રે થયો હતો. ખેલાડીઓ એક મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લીધા બાદ સ્થાનિક સભામાં હાજરી આપી રહ્યા હતા. આ હુમલામાં કુલ 8 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ હુમલામાં માર્યા ગયેલા અફઘાન ક્રિકેટરોની ઓળખની વિગતો આપતી એક પોસ્ટ શેર કરી. ACB અનુસાર, આ ત્રણ ક્રિકેટરોની ઓળખ કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન તરીકે કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબીર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લાનો એક યુવા ક્રિકેટર હતો. તેના જીવન કે કારકિર્દી વિશે વધુ જાણકારી નથી, પરંતુ તેને અફઘાનિસ્તાનના સ્થાનિક ક્રિકેટમાં એક પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવતો હતો.
સિબઘાતુલ્લાહ બાબતે પણ ખૂબ ઓછી જાણકારી છે. જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ યુવા ખેલાડી અફઘાનિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય હતા.
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર, હારૂન ખાનનો જન્મ 15 માર્ચ, 2006ના રોજ થયો હતો. તે કાબુલનો એક યુવા જમણા હાથનો બેટ્સમેન હતો. તેણે ઘરેલુ અને વય-જૂથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કરી દીધું હતું. હારૂન લિસ્ટ A, T20 અને ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યો હતો અને તેને અફઘાનિસ્તાન ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સ્ટાર માનવામાં આવતો હતો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ પક્તિકા માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બોર્ડે પીડિતોના પરિવારો સાથે એકતા વ્યક્ત કરી અને મૃતકોના આત્માઓ માટે પ્રાર્થના કરી. આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને ACBએ નવેમ્બરના અંતમાં યોજાનારી ત્રિકોણીય T20I શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. અફઘાન ક્રિકેટરો રાશિદ ખાન, ગુલદીન નાયબ, મોહમ્મદ નબી, ફઝલહક ફારૂકીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp