શ્રીલંકાએ એશિયા કપ 2025 લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તેની બધી મેચ જીતી. જોકે, સુપર-4માં પ્રવેશતાની જ તેમનું નસીબ બદલાઈ ગયું. સુપર-4માં પોતાની બંને મેચ હારી ગયા બાદ, શ્રીલંકન ટીમ બહાર થવાની કગાર પર છે. હવે, શ્રીલંકાને ફાઇનલમાં પહોંચવા માટે અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. શ્રીલંકા સામે શાનદાર વિજય છતા પાકિસ્તાન પણ અંતિમ રેસમાંથી બહાર થઈ શકે છે. તેના માટે સુપર-4માં ચોથી ટીમ બાંગ્લાદેશે મોટો અપસેટ કરવો પડશે.
એશિયા કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. સુપર-4માં માત્ર 3 મેચ બાકી છે. ફાઇનલ માટેની રેસ હજુ ખુલ્લી છે. ભારત અને બાંગ્લાદેશે પોતાના સુપર-4 અભિયાનની શરૂઆત જીત સાથે કરી. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચવાની તેની આશાઓને જીવંત રાખી.
આ પરિણામથી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મેચ રમવાની શક્યતા જીવંત રહી છે, જ્યારે શ્રીલંકન ટીમ જે સતત બે મેચ હારી ગઈ છે, તે લગભગ બહાર થવાની આરે છે.
શ્રીલંકા સામેની જીત સાથે પાકિસ્તાન સુપર-4 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યાં તેણે ભારત અને બાંગ્લાદેશ સાથે બે પોઈન્ટની બરાબરી કરી છે, પરંતુ નેટ રન રેટની દૃષ્ટિ બાંગ્લાદેશથી આગળ છે. ભારતીય ટીમ +0.689 સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, પાકિસ્તાન +0.226 સાથે બીજા સ્થાને છે અને બાંગ્લાદેશ +0.121 સાથે ત્રીજા સ્થાને સરકી ગયું છે. શ્રીલંકા જે તેની બંને મેચ હારી ગયું, તે બહાર થવાના આરે છે.
સુપર-4માં ચોથી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જો ભારતીય ટીમ આ મેચમાં બાંગ્લાદેશને હરાવે છે, તો શ્રીલંકા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને ભારત ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરશે. આ સ્થિતિમાં 25 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સેમિફાઇનલ જેવી થઈ જશે, જેમાં વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે.
બીજી બાજુ જો બાંગ્લાદેશ ભારતને હરાવે છે, તો સુપર ફોર સ્પર્ધા ખુલ્લી રહેશે, જેનાથી ચારેય ટીમો સ્પર્ધામાં રહેશે. આ દરમિયાન, ક્વોલિફાય થવા માટે પાકિસ્તાન અને ભારતને તેમની અંતિમ મેચ જીતવી પડશે, જ્યારે બાંગ્લાદેશ 4 પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહેશે. આ દરમિયાન શ્રીલંકાની આશાઓ પણ જીવંત રહેશે, કારણ કે શ્રીલંકા તેની અંતિમ મેચ ભારત સામે રમશે.