એશિયા કપ વચ્ચે ICCએ આ દેશના ક્રિકેટ બોર્ડને જ સસ્પેન્ડ કરી દીધું, જાણો શું છે મામલો
ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા એશિયા કપ 2025ના સુપર-4માં રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. આ આવૃત્તિમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિવાદોને કારણે સમાચારમાં જોવા મળી છે. તેણે ભારત સામે ગ્રુપ સ્ટેજ મેચ બાદ મેચ રેફરી અને અમ્પાયર વિરુદ્ધ ICCમાં ફરિયાદ નોંધાવી હતી. પછી UAE ક્રિકેટ ટીમ સામે મેચ માટે એક કલાક મોડી પહોંચી હતી. તેણે ભારત સામે સુપર-4 મેચમાં અભદ્ર વર્તન કર્યું હતું, ત્યારબાદ અમ્પાયર વિરુદ્ધ ફરિયાદ કરવી. આ દરમિયાન ICCએ એક ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે, પરંતુ તે પાકિસ્તાન નથી.
ICCએ તાત્કાલિક અસરથી USA ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું છે. બોર્ડે 23 સપ્ટેમ્બર મંગળવારના રોજ વર્ચ્યુઅલ બોર્ડ મીટિંગ દરમિયાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જો કે, USA ક્રિકેટ ટીમ હજુ પણ આગામી વર્ષના T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે. USA ક્રિકેટ ટીમે 2024 T20 વર્લ્ડ કપમાં સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. USA ટીમ પાકિસ્તાન કરતા ખૂબ નાની હતી, છતા તેણે મેચ જીતીને બધાને પ્રભાવિત કર્યા હતા.
અહેવાલો અનુસાર, ICC સભ્ય તરીકે તેની જવાબદારીઓના વારંવાર ઉલ્લંઘન બાદ ICCએ આ કાર્યવાહી કરી છે. જોકે, બોર્ડે USA ક્રિકેટ ટીમને તેની ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. અહેવાલો અનુસાર, ICCને કેટલાક સમયથી બોર્ડ વિરુદ્ધ ફરિયાદો મળી રહી છે. ICCએ ગયા વર્ષે શ્રીલંકામાં થયેલી તેના વાર્ષિક કોન્ફરન્સમાં USA ક્રિકેટ બોર્ડને નોટિસ ફટકારી હતી ત્યારે આ સૌપ્રથમ આ મામલો સામે આવ્યો હતો. આ વર્ષે સિંગાપોરમાં યોજાયેલી બેઠકમાં ICCએ બોર્ડને માળખું સ્થાપિત કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો. આનાથી 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટ પર કોઈ અસર નહીં થાય.
ESPN ક્રિકઇન્ફોએ USA ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકેના સંદર્ભે પોતાના અહેવાલમાં જણાવ્યું કે આઇસીસીએ અત્યાર સુધી સસ્પેન્શન અંગે તેમનો સંપર્ક કર્યો નથી. એવું માનવામાં આવે છે કે USA ક્રિકેટ ટીમ 2028 ઓલિમ્પિક રમતોમાં યજમાન તરીકે ભાગ લેશે.
USA ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ વેણુ પિસિકેએ UCC અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ બંનેના નિર્દેશોનો વિરોધ કર્યો હતો, જેમણે નેતૃત્વમાં ફેરફારની માગ કરી હતી. ત્યારબાદ, ગયા વર્ષે જુલાઈમાં બોર્ડને નોટિસ ફટકારવામાં આવી હતી. ICCએ બોર્ડને સુધારા કરવા માટે એક વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ સમયમર્યાદા સમાપ્ત થયા છતા કંઈ થયું નહીં. આ કાર્યવાહી અગાઉ ICCએ 19 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં વધારાના 3 મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ USA બોર્ડ પોતાની મનમાની કરતું રહ્યું. હવે, ICCએ નોંધપાત્ર કાર્યવાહી કરી છે અને USA ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp