આ ધનતેરસ પર સોના-ચાંદી નહિ તો નજીવા ખર્ચે આ વસ્તુઓ લઇ આવો, લક્ષ્મીજી કરશે વિશેષ કૃપા, જાણો
10/18/2025
Religion & Spirituality
ધનવંતરી તેરસ કે જેને આપણે ધનતેરસ તરીકે પણ ઓળખીએ છીએ. આ દિવસથી દિવાળીના પર્વની શરૂઆત ગણાય છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેરજી અને ભગવાન ધનવંતરીની વિશેષ પૂજા કરવાનું મહત્ત્વ છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.
ઉપરાંત આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ માટે ઘરની બહાર દીવો પ્રગટાવવાનું પણ ખૂબ મહત્વ છે, જેને યમદીપમ કહેવામાં આવે છે. આ સાથે માન્યતા છે કે, ધનતેરસ પર શુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે.
તારીખ 18 ઑક્ટોબર, 2025 (શનિવાર),ના રોજ બપોરે 12:18 વાગ્યે ત્રયોદશી તિથિ આરંભ થાય છે, જે 19 ઑક્ટોબર, બપોરે 1:51 વાગ્યે પૂર્ણ થાય છે. આ દરમિયાન પૂજા વિધી માટેનો શુભ સમય સાંજ 7:15 થી રાત્રિ 9:40 વાગ્યા સુધી છે. આ દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી, દેવકુબેર અને યમરાજની પૂજા કરીને ખાસ આરોગ્ય, સંપત્તિ અને શુભકામનાઓ માટે ઇચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે. ઉપરાંત, ધનતેરસને સામાન્ય રીતે સોનાં-ચાંદીની ખરીદી સાથે જોડવામાં આવે છે. પરંતુ તેનું અસલ મહત્વ છે નવી શરૂઆત અને પવિત્રતા. આ દિવસે આ 7 વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
વાસણો (ધાતુના વાસણ)
માન્યતા પ્રમાણે, આ શુભ દિવસે સ્ટીલ, પિત્તળ અથવા તાંબાના નવા વાસણો ખરીદવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, અને તે સંસ્કારિક દ્રષ્ટિએ પણ શુભ ગણાય છે. તાંબાને ભગવાન ધનવંતરી સાથે જોડવામાં આવે છે. આ દિવસે તાંબાની લોટી, ગ્લાસ કે અન્ય વાસણ ખરીદવાથી ઘરમાં આરોગ્ય અને સુખ સમૃદ્ધિ આવે છે.
સાવરણી (જાડુ)
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા દૂર કરે છે. એવું કહેવાય છે કે, આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં પવિત્રતા, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે, દેવી લક્ષ્મી સ્વચ્છતામાં રહે છે. એક નવી સાવરણી ખરીદવી અને તેનો ઉપયોગ ઘરની સાફસફાઈ માટે કરવો એ સ્વચ્છતાનું પ્રતિક છે. તેથી દેવી પ્રસન્ન થાય છે.
ગણેશ-લક્ષ્મી મૂર્તિઓ
દેવી લક્ષ્મી સમૃદ્ધિના દેવી અને ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે. ધનતેરસના દિવસે તેમની નવીન મૂર્તિઓ ખરીદવી અને દિવાળી દરમિયાન તેમની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધાબળા અથવા કપડાં
આ શુભ દિવસે ઘર માટે નવા કપડાં કે ધાબળાં ખરીદવા કે જરૂરિયાતમંદોને તેનું દાન કરવું પુણ્યકાર્ય માનવામાં આવે છે. નવું કપડું ઘરમાં ખુશહાલી અને દૈવીના આશીર્વાદ લાવે એવી માન્યતા છે.
ધાણાના બીજ
ધાણાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા શુભ ગણાય છે. જો તમે ઇચ્છો તો માત્ર 5 રૂપિયાના ધાણા પણ ખરીદી શકો છો. એવું માનવામાં આવે છે કે તેને પૂજા રૂમમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે. દિવાળી પૂજાના દિવસે દેવી લક્ષ્મીને આ બીજ અર્પણ કરવાથી ધન વૃદ્ધિની શક્યતા રહે છે. માન્યતા પ્રમાણે ધનતેરસે ધાણા ખરીદવાથી ઘરમાં ક્યારેય અનાજની કમી થતી નથી.
મીઠું
મીઠું વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. માન્યતા પ્રમાણે, ધનતેરસ પર મીઠું ખરીદવાથી ઘરમાં શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે.
ધનતેરસનું મહાત્મય
આ તહેવાર ફક્ત ખરીદીનો જ દિવસ નથી, પણ જીવનમાં નવી શરૂઆત, ઘરની શુદ્ધિ, અને દેવી-દેવતાઓના આશીર્વાદ મેળવવાનો અવસર છે. ધનતેરસના રોજ કરવામાં આવેલી પૂજા અને ખરીદી આખા વર્ષ માટે સમૃદ્ધિ, આરોગ્ય અને શુભકામનાઓ લાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp