ઇજાગ્રસ્ત થયા બાદ ડ્રેસિંગ રૂમમાં બેભાન થઈ ગયો હતો શ્રેયસ ઐયર, બરોળમાં થયેલી ઈજા જીવલેણ હતી; BCCIએ આપ્યું હેલ્થ અપડેટ
ભારતીય વન-ડે ટીમના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર છેલ્લા બે દિવસથી સિડની હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં એડમિટ હતો. આંતરિક રક્તસ્ત્રાવના અહેવાલો બાદ તેને દાખલ કરાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે દરમિયાન તેમને પાંસળીમાં ઈજા થઈ હતી. કેચ પકડવા માટે માટે બેકવર્ડ પોઈન્ટથી પાછળ દોડતી વખતે આ ઈજા થઈ હતી.
સૂત્રો અનુસાર, 31 વર્ષીય ઐયર ડ્રેસિંગ રૂમમાં બેહોશ પણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સ્કેન કરતા આંતરિક ઈજા હોવાનું બહાર આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે શ્રેયસ ઐયર વિશે ફિટનેસ અપડેટ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ડાબી પાંસળીમાં ઈજા થઈ છે. તેમને વધુ મૂલ્યાંકન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્કેનથી જાણવા મળ્યું કે, બરોળમાં ઈજા થઈ છે. તેની સ્થિતિ સ્થિર છે, પરંતુ ઈજા જીવલેણ સાબિત થઈ શકતી હતી. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે. બોર્ડની મેડિકલ ટીમ સિડની અને ભારતના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તેની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે.
ભારતીય ટીમના ડૉક્ટરો શ્રેયસની દૈનિક પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે સિડનીમાં તેની સાથે રહેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, ‘શ્રેયસની સ્થિતિના આધારે, તેને થોડા દિવસો માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી શકે છે, કારણ કે રક્તસ્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે આ જરૂરી છે." ઐયરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ, બોર્ડની તબીબી ટીમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. તબીબી ટીમની તત્પરતા ફળીભૂત થઈ. તેને તાત્કાલિક સારવાર મળી. તે ફિટ જાહેર થયા બાદ જ ભારત પરત ફરશે. તે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમનો ભાગ નથી.
શ્રેયસ ઐયરને ICUમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, શ્રેયસ ઐયરને ICUમાંથી બહાર લાવવામાં આવ્યો છે. જોકે તેની સ્થિતિ ગંભીર છે, તે સ્થિર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસના માતા-પિતા ટૂંક સમયમાં તેને જોવા માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. તેમણે તાત્કાલિક વિઝા માટે અરજી પણ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp