દિગ્ગજ ક્રિકેટરે અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લઇ લીધી નિવૃત્તિ
ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય ખેલાડી છેલ્લે ભારત સામે ઓવલ ટેસ્ટમાં જોવા મળ્યો હતો. એશેઝ શ્રેણી માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર થયા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે, કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
ક્રિસ વોક્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘સમય આવી ગયો છે. મેં નિર્ણય કરી લીધો છે કે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવાનો યોગ્ય સમય છે. ઇંગ્લેન્ડ માટે રમવું મારું બાળપણનું સ્વપ્ન હતું, અને હું ભાગ્યશાળી છું કે મેં તે સપનું પૂર્ણ કર્યું. ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવું, ત્રણ સિંહવાળી જર્સી પહેરવી અને 15 વર્ષ સુધી સાથીઓ સાથે રમવું, જેમાંથી કેટલાક મારા ખૂબ સારા મિત્રો છે.’
ક્રિસ વોક્સે ઓવલ ખાતે ભારત સામે તેની છેલ્લી મેચ રમી હતી. તે મેચમાં વોક્સ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બોલિંગ કરી શક્યો નહોતો. તેમ છતા તે તૂટેલા ખભા સાથે બેટિંગ કરવા આવ્યો હતો. ભારતે તે મેચ 6 રનથી રોમાંચક જીત મેળવી હતી. વોક્સે તે શ્રેણીમાં કુલ 11 વિકેટ લીધી હતી.
ક્રિસ વોક્સે 2011 માં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીમાં 61 ટેસ્ટ મેચમાં 192 વિકેટ લીધી છે અને 2034 રન પણ બનાવ્યા છે. 122 વન-ડેમાં તેણે 173 વિકેટ લીધી છે અને 1524 રન બનાવ્યા છે. તેણે પોતાની કારકિર્દીમાં 33 T20 મેચ રમી છે, જેમાં 31 વિકેટ લીધી છે.
ક્રિસ વોક્સ 2025માં નિવૃત્તિ લેનારો પ્રથમ ક્રિકેટર છે. જોકે, આ વર્ષે અન્ય ટીમોના ઘણા ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે 2025 નિવૃત્તિનું વર્ષ રહ્યું છે અને હવે આ યાદીમાં વોક્સનું નામ જોડાઈ ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp