મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રવ્યાપી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની જાહેરાત કરી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીઓના SIRનો બીજો તબક્કો 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારો ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થશે.
ચૂંટણી કમિશન બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR હાથ ધરી રહ્યું છે. આ 12 રાજ્યોમાં, ગુજરાત, ગોવા, પુડુચેરી, છત્તીસગઢ, , કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
CEC જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ અભ્યાસ દરમિયાન, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દરેક મતદારના ઘરે ઓછામાં ઓછા 3 વખત મુલાકાત લઈને યાદીમાં નવા મતદારો ઉમેરવા અને કોઈપણ ભૂલો સુધારવા માટે જશે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ‘BLO ઘરે-ઘરે જઈને ફોર્મ-6 અને ઘોષણાપત્રો એકત્રિત કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને ERO (એલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર) અથવા AERO (સહાયક ERO)ને સોંપશે."
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે બીજા તબક્કાની તાલીમ મંગળવારથી શરૂ થશે. તેમણે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO)ને આગામી બે દિવસમાં રાજકીય પક્ષો સાથે મુલાકાત કરીને SIR પ્રક્રિયાની માહિતી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે કમિશને એવો પણ નિર્દેશ આપ્યો છે કે મતદારો - ખાસ કરીને વૃદ્ધો, બીમાર, દિવ્યાંગ (PwD), ગરીબો અને સંવેદનશીલ વર્ગોને - કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે લોકોને તૈનાત કરવામાં આવે. જ્ઞાનેશ કુમારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ મતદાન મથક પર 1,200 થી વધુ મતદારો રહેશે નહીં.
આસામમાં SIRના ન થવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આસામ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. જેમ તમે બધા જાણો છો, ભારતીય નાગરિકતા કાયદામાં આસામમાં નાગરિકતા માટે અલગ જોગવાઈઓ છે. બીજો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ત્યાં નાગરિકતાની ચકાસણી કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. આવી સ્થિતિમાં, 24 જૂન માટે જે SIRનો આદેશ હતો, તે સમગ્ર દેશ માટે હતો અને આસામ પર લાગૂ પડતો નથી. એટલે આસામ માટે એક અલગથી રિવિઝનના આદેશ જાહેર કરવામાં આવશે.’
દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘હું બિહારના મતદારોને શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેનારા અને તેને સફળ બનાવનારા 7.5 કરોડ મતદારોને નમન કરું છું. તેમણે વધુમાં જણાવ્યું કે પંચે તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પ્રક્રિયાની વિગતવાર ચર્ચા કરી.
અત્યાર સુધી દેશમાં 1951 થી 2004 દરમિયાન દેશમાં 8 વખત SIR હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીઓની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં આ તબક્કામાં SIR હાથ ધરવામાં આવશે ત્યાંની મતદાર યાદીઓ ફ્રીઝ કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ‘SIR જેવી પ્રક્રિયા જરૂરી હોવાના ઘણા કારણો છે. આમાં વારંવાર સ્થળાંતર, એક કરતા વધુ સ્થળોએ મતદારોની નોંધણી, મૃત મતદારોના નામ દૂર ન થવા અને કોઈ વિદેશીને ખોટી રીતે આ લિસ્ટમાં સામેલ છે.