ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતી લીધો. રવિવારે નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 299 રનનો લક્ષ્યાંક આપ્યો, જે પૂરતો સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની ટીમ 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય મહિલા ટીમે પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો. જોકે, આ વખતે દક્ષિણ આફ્રિકાનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.
ફાઇનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નિર્ણયે ઐતિહાસિક જીતનો પાયો નાખ્યો. મેચના એક મહત્ત્વપૂર્ણ તબક્કે હરમને પાર્ટ-ટાઇમ સ્પિનર શેફાલી વર્માને બોલ સોંપ્યો. રન ચેઝમાં, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 62 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી, ત્યારે કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને સુને લુસે ત્રીજી વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી.
આ ભાગીદારીએ ભારતીય ટીમ માટે ટેન્શન વધારી દીધું હતું. આ ભાગીદારી તોડવા માટે 20મી ઓવર બાદ શેફાલીને બોલિંગ મોરચે લાવવામાં આવી. તેણે બીજા બોલે સુને લુસને કોટ એન્ડ બોલ્ડ આઉટ કરી દીધી. તેણે પોતાની આગામી ઓવરના પહેલા બોલે એને.કે. બોશને પણ આઉટ કરીને પેવેલિયન મોકલી આપી. આ બે વિકેટોએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની મોમેન્ટ તોડી નાખી.
ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મેચ બાદ જણાવ્યું કે તેણે શેફાલી વર્માને બોલ આપવાનો નિર્ણય અંતઃકરણની લાગણીના આધારે લીધો હતો. હરમનપ્રીતે કહ્યું કે તેનું હૃદય તેને કહેતું હતું કે આજે શેફાલીનો દિવસ છે. હરમનએ કહ્યું, "મારું દિલ મને શેફાલીને ઓવર આપવાનું કહી રહ્યું હતું. જ્યારે મેં શેફાલીને પૂછ્યું કે શું તે તૈયાર છે, ત્યારે તેણે તરત જ હા પાડી. તે હંમેશાં બોલ સાથે ટીમમાં યોગદાન આપવા માગતી હતી અને તે એક ઓવરે મેચનો માર્ગ બદલી નાખ્યો.’
હરમનપ્રીત કૌરે એ પણ ખુલાસો કર્યો કે, જ્યારે શેફાલી વર્મા ટીમમાં જોડાઈ, ત્યારે તેને કહેવામાં આવ્યું કે, કદાચ તેણે 2-3 ઓવર ફેંકવી પડે. શેફાલીએ જવાબ આપ્યો, જો તમે મને બોલ આપશો, તો હું ટીમ માટે 10 ઓવર પણ ફેંકીશ.’ હરમને કહ્યું કે, શેફાલીની નિર્ભયતા અને ટીમ માટે કંઈક કરી બતાવવાનું ઝૂનૂન જ હતું, જેણે આ તક આપવા માટે પ્રેરિત કરી અને આ દાવ પૂરી રીતે સફળ રહ્યો. ભારતની જીતમાં શેફાલીની ઓવર અને હરમનનો નિર્ણય બંને ભારતની જીત માટે યાદ રાખવામાં આવશે, કારણ કે તેમણે જ વર્લ્ડ કપ ફાઇનલનું પાસું પલટી નાખ્યું.
શેફાલી વર્માએ ફાઇનલ મેચમાં 7 ઓવર ફેંકી, 36 રન આપીને 2 વિકેટ લીધી. ઓપનિંગ બેટ્સમેન શેફાલીએ પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું, 78 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શેફાલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. શેફાલી વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતી પરંતુ પ્રતિકા રાવલ ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ નોકઆઉટ મેચો માટે ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.