પરમાણુ પરીક્ષણની પ્લાનિંગ કરી રહ્યું છે અમેરિકા? ટ્રમ્પની ટીમના સભ્યએ જણાવ્યું સત્ય
અમેરિકન રાષ્ટ્રપતિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા પરમાણુ હથિયારોના પરીક્ષણ માટેના તાજેતરના આદેશે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે અમેરિકન ઊર્જા સચિવ ક્રિસ રાઈટે સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષણોમાં કોઈ પરમાણુ વિસ્ફોટ શામેલ નહીં હોય, પરંતુ માત્ર સિસ્ટમ-લેવલ ટેસ્ટિંગ થશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ બાદ ટ્રમ્પ વહીવટીતંત્રમાં મૂંઝવણ વચ્ચે આવ્યું છે.
ક્રિસ રાઈટે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે જે પરીક્ષણો વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ પરીક્ષણ છે, પરમાણુ વિસ્ફોટો નહીં. આને ‘નોન-ક્રિટિકલ વિસ્ફોટો’ કહેવામાં આવે છે, જેમાં પરમાણુ ઊર્જાનો વિસ્ફોટ શામેલ હોતો નથી. પરીક્ષણોનો હેતુ પરમાણુ હથિયારોના અન્ય ઘટકોની તપાસ કરવાનો છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેઓ પરમાણુ પ્રતિક્રિયાની સ્થિતિમાં જરૂરી યોગ્ય ભૂમિતિ અને સેટઅપ પ્રદાન કરે છે. ઊર્જા સચિવે જણાવ્યું હતું કે આ પરીક્ષણો નવી સિસ્ટમો પર હાથ ધરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે ભવિષ્યમાં રિપ્લેસમેન્ટ પરમાણુ શસ્ત્રો અગાઉ કરતા વધુ સારા અને સુરક્ષિત છે.’
આ સમગ્ર ઘટના ગયા ગુરુવારે શરૂ થઈ હતી, જ્યારે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી કે તેમણે ‘યુદ્ધ વિભાગને સમાન સ્તર પર પરમાણુ હથિયારોનું પરીક્ષણ ફરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.’ આ નિવેદનથી એવી અટકળો શરૂ થઈ હતી કે અમેરિકા 33 વર્ષ બાદ પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે.
આ પગલાને ચીન અને રશિયા જેવી હરીફ પરમાણુ શક્તિઓ માટે ચેતવણી તરીકે જોવામાં આવ્યું હતું. જો કે, ટ્રમ્પે શુક્રવારે તેમના નિવેદનનું પુનરાવર્તન કર્યું, પરંતુ સ્પષ્ટતા કરી નહોતી કે તેમાં શીત યુદ્ધ દરમિયાન થયેલા ભૂગર્ભ પરમાણુ પરીક્ષણોનો સમાવેશ થશે કે કેમ.
રાઈટએ જણાવ્યું કે, અમેરિકાએ 1960, 1970 અને 1980ના દાયકામાં ઘણી વખત પરમાણુ વિસ્ફોટ પરીક્ષણો કર્યા હતા, જેમાંથી વિગતવાર ડેટા અને આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. હવે, અમેરિકા પાસે એટલી અદ્યતન કમ્પ્યુટેશનલ ક્ષમતાઓ છે કે તે કોઈપણ પરમાણુ વિસ્ફોટ પરિસ્થિતિનું સચોટ અનુકરણ કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp