ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, બોલ્યા- ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે તેઓ...’

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, બોલ્યા- ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે તેઓ...’

10/16/2025 World

SidhiKhabar

SidhiKhabar

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, બોલ્યા- ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે તેઓ...’

બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈને વધુ એક મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. ટ્રમ્પે આને એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે તે યુક્રેન યુદ્ધ પર રશિયાને અલગ પાડવાના તેમના પ્રયાસોનો એક ભાગ છે. જોકે, ટ્રમ્પના દાવા અંગે ભારત દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ રશિયાના ક્રૂડ ઓઇલની ભારત દ્વારા સતત આયાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેની વોશિંગ્ટનનું માનવું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. એટલે જ હું આ વાતથી ખુશ નહોતો કે ભારત તેલ ખરીદી રહ્યું છે’ તેમણે વધુમાં દાવો કર્યો કે, ‘અને તેમણે (વડાપ્રધાન મોદીએ) આજે મને ખાતરી આપી હતી કે તેઓ રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. તે એક મોટું પગલું છે. હવે આપણે ચીનને પણ આવું જ કરવા કહેવું પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઊર્જા નીતિ પર મતભેદો હોવા છતા વડાપ્રધાન મોદી અમારા નજીકના સાથી છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચીન સાથેના તણાવ વચ્ચે ભારતને વિશ્વસનીય ભાગીદાર માને છે, ત્યારે તેમણે કહ્યું કે, ‘તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે.


ટ્રમ્પે રશિયાથી તેલની આયાતને યુક્રેન યુદ્ધ સાથે જોડી

ટ્રમ્પે રશિયાથી તેલની આયાતને યુક્રેન યુદ્ધ સાથે જોડી

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતની તેલ ખરીદીએ રશિયાના યુક્રેન પર સતત આક્રમણમાં પરોક્ષ રીતે ફાળો આપ્યો છે. સતત વેપાર રશિયાને આ હાસ્યાસ્પદ યુદ્ધ ચાલુ રાખવાની તક આપે છે જેમાં તેણે 150,000 લોકો ગુમાવ્યા છે. આ એક એવું યુદ્ધ છે જે ક્યારેય શરૂ થવું જોઈતું નહોતું, પરંતુ તે એક એવું યુદ્ધ છે જે રશિયાએ પહેલા અઠવાડિયામાં જ જીતી લેવું જોઈતું હતું, અને તેઓ તેના ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. હું તેને બંધ થતું જોવા માગુ છું.’

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે મોદી પાસેથી ખાતરી માગવી એ મોસ્કોના ઉર્જા આવકને કાપવાના તેમના રાજદ્વારી પ્રયાસનો એક ભાગ હતો. હવે આપણે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરવું પડશે. ગયા અઠવાડિયે મધ્ય પૂર્વમાં જે કર્યું તેના કરતા ચીન પર દબાણ કરવું વધુ સરળ હશે.’ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા પશ્ચિમી પ્રતિબંધો અસરકારક રહે અને રશિયાની સેનાને ભંડોળ ન મળે તે સુનિશ્ચિત કરવા માટે દબાણ વધારી રહ્યું છે.


યુદ્ધ સમાપ્ત થયા બાદ ભારત રશિયા પાસેથી ફરી તેલ ખરીદે: ટ્રમ્પ

યુદ્ધ સમાપ્ત થયા બાદ ભારત રશિયા પાસેથી ફરી તેલ ખરીદે: ટ્રમ્પ

અમેરિકાના નિયુક્ત રાજદૂત સર્જિયો ગોર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકાના નિયુક્ત રાજદૂત સર્જિયો ગોર અને વડાપ્રધાન મોદી વચ્ચેની મુલાકાત ખૂબ જ સારી રહી. મોદી એક મહાન વ્યક્તિ છે. સર્જિયોએ મને કહ્યું કે વડાપ્રધાન મોદી ટ્રમ્પને પસંદ કરે છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી ભારતને જુએ છે, અને દર વર્ષે નવા નેતાઓ આવતા હતા, પરંતુ મોદી લાંબા સમયથી વડાપ્રધાન છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે. આ તાત્કાલિક કરવું સરળ નથી, પરંતુ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ બંધ કરે, યુક્રેનિયનોને મારવાનું બંધ કરે, અને રશિયનોને મારવાનું બંધ કરે કારણ કે તેઓ ઘણા રશિયનોને મારી રહ્યા છે. બંને નેતાઓ (વોલોદિમીર ઝેલેન્સકી અને વ્લાદિમીર પુતિન) વચ્ચેની નફરત ખૂબ જ વધુ છે, અને તે એક અવરોધ છે. પરંતુ મને લાગે છે કે આપણે ઉકેલ શોધીશું. જો ભારત તેલ નહીં ખરીદે, તો વસ્તુઓ સરળ થઈ જશે. યુદ્ધ પૂરું થયા બાદ ભારત ફરીથી રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે.’


ભારતે તેલ આયાતને આર્થિક આવશ્યકતા ગણાવતા કર્યો બચાવ

ભારતે તેલ આયાતને આર્થિક આવશ્યકતા ગણાવતા કર્યો બચાવ

નોંધનીય છે કે ભારત વારંવાર રશિયા પાસેથી તેની તેલ આયાતનો બચાવ કરે છે, તેને તેની ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે આવશ્યક ગણાવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અગાઉ કહ્યું હતું કે, ‘ભારતની ઉર્જા ખરીદી રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત થાય છે. અમે કોઈપણ દેશ પાસેથી રાજકીય વિચારણાઓના આધારે આયાત કરતા નથી. અમારા નિર્ણયો બજારની વાસ્તવિકતાઓથી પ્રેરિત હોય છે.

પશ્ચિમી દેશોએ 2022માં રશિયા પાસેથી ઉર્જા આયાતને તબક્કાવાર બંધ કરવાનું શરૂ કર્યું ત્યારથી, ભારત મોસ્કોના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. વેપાર ડેટા અનુસાર, રશિયન ક્રૂડ ઓઇલ હવે ભારતના કુલ તેલ આયાતના લગભગ એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. ભારતનું એમ પણ કહેવું છે કે તેની આયાત રશિયન તેલ પર G7 દ્વારા નિર્ધારિત કિંમત મર્યાદા સાથે સુસંગત છે અને તે તમામ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતાં સ્થાનિક ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top