એક છોકરો વિમાનમાં છુપાઈ પહોંચી ગયો અફઘાનિસ્તાનથી દિલ્હી! જાણો કેવી રીતે બહાર આવી આ ચોંકાવનારી ઘટના?
રવિવારે દિલ્હી એરપોર્ટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક ૧૩ વર્ષનો અફઘાન છોકરો કાબુલથી ઉપડેલ ફ્લાઈટના લેન્ડિંગ ગિયર કંપાર્ટમેન્ટમાં છુપાઈને દિલ્હી પહોંચી ગયો હતો. છોકરાની આ હરકતને તપાસ કરનાર અધિકારીઓએ 'જીજ્ઞાસા' ગણાવી હતી. જો કે આ ઘટના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પણ છતી કરે છે.
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે ૧૧ વાગ્યે અફઘાનિસ્તાનના કાબુલથી આવેલી KAM એરલાઇન્સની ફ્લાઇટ નંબર RQ-૪૪૦૧માં ૨ કલાકની મુસાફરી પછી આ છોકરો દિલ્હી પહોંચ્યો હતો. એરલાઇનના કર્મચારીઓએ લેન્ડિંગ પછી કિશોરને વિમાનની નજીક ફરતો જોયો ત્યારે એરપોર્ટ સુરક્ષાને એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ કુન્દુઝ શહેરના વતની એવા આ છોકરાને એરલાઇનના કર્મચારીઓએ પકડી લીધો હતો. અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓ પૂછપરછ માટે તેને એરપોર્ટના ટર્મિનલ 3 પર લાવ્યા હતા.
પૂછપરછ દરમિયાન છોકરાએ જણાવ્યું હતું કે, તે જોખમોને સમજ્યા વિના જિજ્ઞાસાવશ વિમાનમાં પ્રવેશ્યો હતો. પૂછપરછ કર્યા પછી, અફઘાન છોકરાને તે જ ફ્લાઇટ દ્વારા પાછો મોકલવામાં આવ્યો જે બપોરે 12:30 વાગ્યે ઉડાન ભરી હતી. ત્યારબાદ KAM એરલાઇનના સુરક્ષા અધિકારીઓએ લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટની સુરક્ષા તપાસ હાથ ધરી હતી. જ્યાં તેમણે એક નાનું, લાલ રંગનું સ્પીકર મળ્યું, જે દેખીતી રીતે આ છોકરોનું હોવાનું મનાઈ રહ્યું છે. અને તોડફોડ વિરોધી પગલાં સહિત વ્યાપક તપાસ બાદ, વિમાનને સલામત જાહેર કરવામાં આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp