નવી દિલ્હી: નહેરુ-ગાંધી પરિવાર (Nehru-Gandhi Family) અને બચ્ચન પરિવાર (Bachchan Family) વચ્ચે એક લાંબા અરસા સુધી ગાઢ સબંધો રહ્યા હતા. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi) વચ્ચે પણ ગાઢ મિત્રતા હતી. પરંતુ એક સમય બાદ બંને પરિવારોના સબંધોમાં ખટાશ આવી ગઈ. આ પાછળના કારણો અંગે અનેક દાવા કરવામાં આવતા રહ્યા છે, પરંતુ હાલમાં જ પ્રકાશિત વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ સંતોષ ભારતીયના (Santosh Bhartiya) પુસ્તકમાં આ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
સંતોષ ભારતીયએ તેમના નવા પુસ્તક ‘વીપી સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી ઔર મેં’ માં લખ્યું છે કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભણતર માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચન પાસે પૈસા માગ્યા હતા. પરંતુ અમિતાભે આપવામાં આનાકાની કરી હતી. ત્યારબાદ બંને વચ્ચેના સબંધો બગડ્યા હોવાનું કહેવાય છે.
પુસ્તક અનુસાર, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પુત્ર રાહુલના ભણતરને લઈને ચિંતિત હતા. રાહુલ ગાંધી ત્યારે લંડનમાં ભણી રહ્યા હતા અને સોનિયા ગાંધીએ રાહુલની ફી સબંધિત આ ચિંતા અમિતાભ સમક્ષ વ્યક્ત કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું કે, ‘પૈસા તો લલિત સૂરી અને સતીશ શર્માએ ગરબડ કરી નાંખ્યા, કશું છે જ નહીં પરંતુ હું કંઇક કરીશ.’ સૂરી અને શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા અને રાજીવ ગાંધીના નજીકના માણસો માનવામાં આવતા.
પુસ્તક અનુસાર, રાજીવ ગાંધી જયારે જીવિત હતા ત્યારે સૂરી, શર્મા અને બચ્ચને મળીને ચોખાનો વેપાર શરૂ કર્યો હતો. પુસ્તકમાં લખાયું છે કે, ભારત સરકારે આ વેપારની અનુમતિ આપી હતી, તો સ્વભાવિક હતું કે અન્ય લોકો પણ તેમાં ભાગીદાર હતા પરંતુ તેમના નામો ક્યારેય સામે નહીં આવ્યા.
અમિતાભે ચેક મોકલાવ્યો, પણ સોનિયા ગાંધીએ પરત કરી દીધો હતો
પુસ્તકમાં આગળ લખવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચને સોનિયા ગાંધીને એક હજાર ડોલરનો ચેક મોકલાવ્યો હતો. પરંતુ તેમણે પરત કરી દીધો હતો. પુસ્તક અનુસાર, સોનિયા ગાંધી આ ઘટનાને ક્યારેય ભૂલી ન શક્યા અને પોતાનું અપમાન માનીને અમિતાભ બચ્ચન સાથે સબંધો ઓછા કરી નાંખ્યા હતા.
રાજીવ વિદેશી મહેમાનો સમક્ષ અમિતાભ પાસે ‘મેરે અંગને’ પર નૃત્ય કરાવતા હતા
પુસ્તકમાં આગળ સ્ફોટક ખુલાસો કરતા લખવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી એકબીજાના અત્યંત નજીક હતા અને જ્યારે પણ કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ કે મહેમાન ભારત આવતા ત્યારે રાજીવ અમિતાભને જરૂર આમંત્રણ આપતા અને સાથે રાખતા હતા. રાજીવ તેમનો પરિચય સાંસદ તરીકે (અમિતાભ બચ્ચન ત્યારે સાંસદ હતા) નહીં પરંતુ અભિનેતા તરીકે વધુ કરાવતા હતા.
લેખકે દાવો કર્યો છે કે, જ્યારે પણ રશિયન રાષ્ટ્રપતિ જેવા કોઈ મહત્વપૂર્ણ અતિથી ભારત આવતા ત્યારે રાજીવ અમિતાભ પાસે ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’ ગીત પર નૃત્ય કરવા માટે પણ કહેતા હતા. ભારતીયએ લખ્યું છે કે, બચ્ચનને ત્યારે જે કંઈ પણ લાગતું હોય, પરંતુ તેમણે આમ કરવું પડતું હતું!