દાંતા તાલુકાના પાડલીયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આ ઘટના હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહી છે. પહેલા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ સ્થાનિક લોકો અને આગેવાનો સાથે બેઠક કરી હતી, ત્યારબાદ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના આપ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આદિવાસી સમાજના લોકોને તેમની સાથે રહીને કાયદાકીય લડાઈ લડવામાં સાથ આપવા માટે તૈયારી દર્શાવી છે. ચૈતર વસાવાએ આ મામલે શું-શું કહ્યું? તેની વિગત જાણતા પહેલા પાડલીયા ગામે શું ઘટના બની હતી તેના પર એક નજર કરીએ.
અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરવવા માટે ગયેલા ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પાડલીયા ગામે અધિકારીઓ જમીન ખાલી કરાવવા માટે ગયા હતા. ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પથ્થરમારાની ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, એટલે કે પોલીસકર્મીઓ પણ આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસકર્મીને તીર પણ વાગ્યું હોવાની વિગતો સામે આવી હતી.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પાડલીયા ગામે 13 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાની સત્યતા જાણવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે પહોંચેલા ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર અને તંત્ર ઉપર વરસ્યા હતા. તેમણે કહ્યું કે, એક તરફી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે માગ કરી કે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે. આગામી દિવસોમાં જો નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવશે તો જિલ્લા પોલીસવડાની કચેરી અને કલેક્ટર કચેરી ખાતે અમે મોટી સંખ્યામાં પહોંચીશું અને જરૂર પડે ગાંધીનગર પણ અમે પહોંચીશું. સરકાર અને તેમના અધિકારીઓ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ચૈતર વસાવાએ વન મંત્રી દ્વારા આદિવાસીઓને 'જંગલી' કહેવા બાબતે આકરો પ્રહાર કર્યો હતો
સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, પાડલીયામાં વન વિભાગના અધિકારીઓ પોલીસની સાથે ત્યાં પહોંચે છે અને તેઓ કૂવો પૂરી દે છે અને ઘર તોડવાના પ્રયાસો કરે છે. ગામ લોકોએ 3 કલાક સુધી આજીજી કરી હતી. ગામ લોકોએ કહ્યું કે ગ્રામસભાની કેમ પરમિશન લીધી નથી? કેમ અમને અગાઉથી જાણ કરી નથી? કેમ અમને નોટિસ આપી નથી? તે પ્રકારની વાત કરી છતા તેમની વાત સાંભળવામાં ન આવી અને પૂર્વ આયોજિત રૂપે બળજબરી એમને પકડીને જીપમાં બેસાડવાનો પ્રયાસ કરે છે. અમને એવી માહિતી મળી છે કે, અમુક લોકો તેમને છોડાવવા પ્રયાસ કરે છે તેવામાં પોલીસ દોડાવી-દોડાવીને લાઠીચાર્જ કરે છે. 27 જેટલા ટીયર ગેસ છોડે છે અને 50 રાઉન્ડ ફાયરિંગ કરે છે.
ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, બેડા અને પાડલીયા વિસ્તારની કિંમતી ખનીજ સંપત્તિ પર ઉદ્યોગપતિઓની નજર છે. નેતાઓ અને અધિકારીઓ પર દબાણ લાવીને આદિવાસીઓને તેમની જમીન પરથી ખસેડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ‘છેલ્લા 78 વર્ષથી આદિવાસીઓએ દેશના વિકાસ માટે પોતાની જમીનો આપી છે, પરંતુ હવે ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ પણ જમીન આપશે નહીં.’
તેમણે વધુમાં કહ્યું કે, SP જેવા અધિકારીઓ ગુજરાતી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા હોય, કાયદાકીય કાર્યવાહી પણ એક તરફી કરતા હોય ત્યારે અમને એવું લાગે છે કે આ સરકાર અને તેમના અધિકારીઓ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. ક્યારેક કોઈ મોટા ઉધોગપતિઓ અને મોટા નેતાઓના કહેવાથી આ વિસ્તારની જમીનો તેમને આપવા માંગે છે. આજે અમે પાડલીયા ગામના લોકો સાથે મળીને સમગ્ર હકીકત જાણી છે. હવે અમે વિકાસના નામે એક ઇંચ પણ જમીન સરકારને આપવા નથી માંગતા. વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ એ જમીનોની સનદો પણ મળી છે અને ઘણા દાવા પેન્ડિંગ છે. એ જમીન સરકાર આપી દે અને કાયદાકીય કાર્યવાહી એક તરફી ન કરે અને જો કાયદાકીય કાર્યવાહી કરવા જ માંગતા હોય તો અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરો.
આ વિસ્તાર સેન્ચ્યુરી વિસ્તારમાં આવે છે, સેન્ચ્યુરી કાયદા લાગે છે, વાઈલ્ડ લાઈફ એક્ટના કાયદા લાગે છે, વન અધિકાર અધિનિયમના કાયદા લાગે છે, તેની પરવાનગી લીધા વગર તમે પોલીસને મોકલી ડાયરેક્ટ ફાયરિંગ કરાવો, ટીયર ગેસના સેલ છોડાવો છો. સ્વબચાવ માટે પથ્થરમારો થયો છે એટલે હિંસાત્મક ઘટના કરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માગણી છે. જો પ્રશાસન નિર્દોષ લોકોને હેરાન અને પરેશાન કરશે તો આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડાની કચેરી કલેક્ટર કચેરી જઈશું અને તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી બજેટ સત્ર ગાંધીનગર મળવાનું છે ત્યાં જવાનું થશે તો ત્યાં પણ જઈશું.