બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં આ સર્વિસ બંધ કરી દીધી
છેલ્લા કેટલાક સમયથી ભારત અને બાંગલાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત સરકારે બાંગ્લાદેશ સામે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) બંધ કરી દીધું છે. વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઢાકામાં જમુના ફ્યુચર પાર્ક ખાતે સ્થિત IVAC બધી ભારતીય વિઝા સેવાઓનું મુખ્ય કેન્દ્ર છે. એક નિવેદનમાં IVACએ જણાવ્યું હતું કે, ‘હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તમને જણાવવા માંગીએ છીએ કે IVAC JFP ઢાકા આજે બપોરે 2 વાગ્યે બંધ થઇ જશે.’ IVAC એ જણાવ્યું હતું કે બુધવારે નિર્ધારિત તમામ અરજદારોની મુલાકાતો પછીની તારીખ માટે રીશેડ્યૂલ કરવામાં આવશે.
આ અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂત રિયાઝ હમીદુલ્લાહને બોલાવ્યા હતા અને કેટલાક ઉગ્રવાદી તત્વો દ્વારા ઢાકામાં ભારતીય મિશનની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અમે અપેક્ષા રાખીએ છીએ કે વચગાળાની સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓ અનુસાર બાંગ્લાદેશમાં મિશન અને પોસ્ટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરશે. બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ભારતની ઊંડી ચિંતાઓ રાજદૂતને જણાવવામાં આવી હતી.
આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એક દિવસ અગાઉ બાંગ્લાદેશના એક નેતાએ ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો ‘સેવન સિસ્ટર્સ’ને અલગ પાડવાની ધમકી આપી હતી. આ નિવેદનથી ભારતની ચિંતાઓ હજી વધી ગઈ છે, ખાસ કરીને ત્યાં કામ કરતા પોતાના રાજદ્વારી મિશન અને અધિકારીઓની સુરક્ષા અંગે વધુ ચિંતાઓ વધી ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp