ભારતના આ રાજ્યોમાં એક નહિ બે-બે વાવાઝોડાનું સંકટ, વરસાદ મચાવશે વધું તબાહી, જાણો વિગતવાર
આગળ થયેલી આગાહી મુજબ વાવાઝોડાનું સંકટ એક પછી એક ઘેરાઈ રહ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યો એકસાથે બે વાવાઝોડાના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. હજુ 'સેન્યાર' વાવાઝોડાની તબાહી શાંત થઈ નથી ત્યાં બંગાળની ખાડીમાં ફરી એક ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને 'દિતવા' (Ditwah) વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. ત્યરે હવે નબળું પડી રહેલું 'સેન્યાર' (Senyar) વાવાઝોડું 'દિતવા' સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી શકે છે. હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, આ બંને વાવાઝોડાની સંયુક્ત અસરને કારણે દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુમાં 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. જ્યારે દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ અને 30 નવેમ્બરે અત્યંત ભારે વરસાદની આશંકા છે. કેરળમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. અને દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
'સેન્યાર' વાવાઝોડું નબળું પડીને મલક્કા સ્ટ્રેટ પાસે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેનું ભેજવાળું તંત્ર 'દિતવા'ને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેના કારણે વરસાદની તીવ્રતા વધવાની આશંકા છે.'દિતવા' વાવાઝોડું હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તર તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચશે.
આ જ લો-પ્રેશર સિસ્ટમને કારણે શ્રીલંકામાં ભારે તબાહી સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. હવામાન વિભાગ મુજબ, ચક્રવાત 'દિતવા' બે વખત લેન્ડફોલ કરી શકે છે, જેમાં પહેલું શ્રીલંકામાં અને બીજું તમિલનાડુમાં લેન્ડફોલ થવાની સંભાવના છે. સિસ્ટમ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને સમયાંતરે અપડેટ્સ જારી કરવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન અચાનક પૂર, ભૂસ્ખલન, વૃક્ષો પડી જવા, વીજળી ગુલ થવા અને રોડ, રેલ અને હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ પડવાની શક્યતા છે. આ વિક્ષેપો સામાન્ય જનજીવનને અસર કરશે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અને ધુમ્મસની ચેતવણી જારી કરી છે. દરમિયાન, દિલ્હી-NCRમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 1 ડિસેમ્બર સુધી દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંદીગઢ માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કર્યું છે. પૂર્વી રાજસ્થાન માટે પણ ધુમ્મસનું એલર્ટ લાગુ છે. હવામાન વિભાગે 28 અને 29 નવેમ્બરે પંજાબમાં અને 3 થી 4 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજસ્થાનમાં ઠંડીની લહેરની આગાહી કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp