આઈપીએલ-2026ના ઓક્શનમાં માત્ર ૫ ખેલાડીઓ પર ખર્ચાઇ ૪૦% રકમ, જાણો કોણે કેટલા મળ્યા?
મંગળવારે અબુ ધાબીના એતિહાદ એરીનામાં આઈપીએલ-2026નું મિની ઓક્શન યોજાયું હતું. આ ઓક્શમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી માત્ર 77 ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓએ ખરીદ્યા છે. આ સોલ્ડ પ્લેયર્સમાં 48 ભારતીય અને 29 વિદેશી સ્ટાર્સ સામેલ હતા. આ ઓક્શનમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ મહત્વનું એ છે કે, આ કુલ ખર્ચ કરવામાં આવેલી રકમનો લગભગ 40% હિસ્સો માત્ર પાંચ ખેલાડીઓ પર જ ખર્ચાયો છે.
ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન આ હરાજીનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે, તેને ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સએ 25.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ત્યારે હવે ગ્રીન IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. પણ તેના પર ખૂબ બોલી લાગી. આ પહેલા પણ ગ્રીન 2023માં 17.50 કરોડમાં વેચાયો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સએ જ આ સિઝનની બીજી સૌથી મોંઘી બોલી લગાવી હતી. તેણે શ્રીલંકાના બોલર મથીશા પથિરાનાને 18 કરોડમાં ખરીદ્યો હતો. એ જોતા કોલકાતા નાઈટ રાઈડર્સએ માત્ર 2 જ ખેલાડીઓ માટે 43.20 કરોડ ખર્ચી નાખ્યા છે.
જ્યારે આ સીઝનનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી કાર્તિક શર્મા રહ્યો છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. CSKએ જ પ્રશાંત વીરને પણ આટલી જ રકમમાં ખરીદ્યો છે. એટલે કે, બે ખેલાડીઓને CSKએએ 28.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
આ હરાજીના પ્રથમ રાઉન્ડમાં લિયામ લિવિંગસ્ટોન પર કોઈએ બોલી નહોતી લગાવી. પરંતુ બીજા રાઉન્ડમાં તેનું નસીબ ખુલી ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો. અહીં સિઝનના ટોપ-5 ખેલાડીઓ પર IPL ટીમોએ લગભગ 86 કરોડ ખર્ચી નાખ્યા છે. અહીં કુલ 215 કરોડની બોલી લગાવવામાં આવી હતી.
ઉપરાંત હરાજીના પ્રથમ રાઉન્ડમાં સરફરાઝ ખાન અનસોલ્ડ રહ્યો હતો. ત્યારબાદ જ્યારે એક્સિલરેટર રાઉન્ડમાં તેનું નામ આવ્યું ત્યારે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન 3 વર્ષ પછી IPLમાં વાપસી કરી રહ્યો છે. તે છેલ્લે 2023માં લીગમાં રમ્યો હતો. ત્યારે તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.
પૃથ્વી શોની સફર સૌથી નાટકીય રહી. 75 લાખની બેઝ પ્રાઈસ પર બે વાર નામ આવ્યા બાદ જ્યારે કોઈ ખરીદનાર ન મળ્યું ત્યારે નિરાશા સ્પષ્ટ દેખાઈ આવી. હરાજી વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર તૂટેલા દિલનું ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે, 'It’s OK.' જાણે તેણે સ્વીકારી લીધું કે આ વખતે દરવાજો બંધ થઈ ગયો. પરંતુ થોડી જ મિનિટોમાં સ્ટોરી પલટાઈ ગઈ. એક્સિલરેટર રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ, જે ટીમ માટે શૉ 2018 થી 2024 સુધી રમ્યો હતો તેણે તેને 75 લાખ રૂપિયામાં પાછો બોલાવી લીધો. શૉએ તરત જ તેની જૂની પોસ્ટ ડિલીટ કરી અને DCના વેલકમ ગ્રાફિક્સ સાથે લખ્યું- 'Back to my family.' આ માત્ર એ ખરીદી નહોતી, પરંતુ ઘર વાપસી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp