પાકિસ્તાન, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમો હાલમાં T20 ત્રિકોણીય શ્રેણીમાં વ્યસ્ત છે. શ્રેણી શરૂ થાય તે પહેલાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી જ્યાં તેને એશિયાની ‘બીજી શ્રેષ્ઠ ટીમ’ અંગેની બહેસ પર સવાલ પૂછવામાં આવ્યો હતો. આ એક મુદ્દાએ તાજેતરમાં ખેલાડીઓ અને ચાહકોમાં વિવાદ ઉભો કર્યો છે. રઝાએ તેનો એવો જવાબ આપ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
2025 એશિયા કપ દરમિયાન, અફઘાનિસ્તાને પોતાને એશિયાની બીજી શ્રેષ્ઠ ટીમ ગણાવી હતી, જેના કારણે પાકિસ્તાની ચાહકોનો ભારે વિરોધ થયો. આ ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલુ છે. આ મુદ્દા અંગે, રઝાને પૂછવામાં આવ્યું હતું કે, ‘એશિયામાં કઈ ટીમ શ્રેષ્ઠ છે અને કઈ બીજી શ્રેષ્ઠ છે? શું આ ત્રિકોણીય શ્રેણી એશિયાની બીજી શ્રેષ્ઠ ટીમ સામે છે?’
રઝાએ આ સવાલનો એવો જવાબ આપ્યો કે પાકિસ્તાની મીડિયાને મરચું લાગ્યું. તેણે કહ્યું કે, ‘હું હાલમાં મારી રાષ્ટ્રીય જર્સીમાં છું, એટલે હું ફક્ત એટલું જ કહીશ કે ઝિમ્બાબ્વે આફ્રિકાની બીજી શ્રેષ્ઠ ટીમ છે. મને કોઈ ફરક નથી પડતો કે એશિયાની નંબર 1, 2 કે 3 ટીમ કોણ છે. આ ઝિમ્બાબ્વેની પ્રેસ કોન્ફરન્સ છે, અને હું મારી ટીમની વાત કરીશ.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે આફ્રિકાની સૌથી મજબૂત ટીમને પડકારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મને એશિયન ટીમોના રેન્કિંગમાં કોઈ રસ નથી.’ રઝાનો જવાબ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, ચાહકોએ તેને સૌથી સ્માર્ટ જવાબ ગણાવ્યો. ભારતને એશિયાની શ્રેષ્ઠ ટીમ માનવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે બીજા સ્થાને રહેવાની બહેસ સતત ચાલી રહી છે.
ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં, પાકિસ્તાને ઝિમ્બાબ્વેને 148 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 5 વિકેટથી હરાવ્યું. જોકે, ટીમના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ માત્ર 3 બોલમાં શૂન્ય રને આઉટ થઈ ગયા, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.