અનમોલ બિશ્નોઈને ભારત લવાયો! NIAને મળી અણમોલ બિશ્નોઈની આટલા દિવસની રિમાન્ડ
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને 11 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ NIAએ દિલ્હીમાં અનમોલ બિશ્નોઈની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યો. જોકે એજન્સીએ 15 દિવસની કસ્ટડી માગી હતી. અનમોલ બિશ્નોઈને પૂછપરછ માટે NIA હેડક્વાર્ટરમાં રાખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ કોર્ટને જણાવ્યું છે કે બિશ્નોઈની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે કારણ કે 15થી વધુ હત્યાઓ અને 20 અપહરણ, ધમકીઓ અને હિંસાની ઘટનાઓ સાથે અનમોલના સીધા સંબંધ હોવાના પુરાવા અને સંકેતો છે. તેના પર બે નકલી ભારતીય પાસપોર્ટ રાખવાનો પણ આરોપ છે. કસ્ટડીમાં પૂછપરછથી જ આ ઘટનાઓમાં સંડોવાયેલા તેના સાથીઓ, ગુંડાઓ અને માસ્ટરનો ખુલાસો થશે.
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, એપ્રિલ 2024માં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરે ગોળીબાર અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત અન્ય ગુનાઓ માટે વોન્ટેડ અનમોલને મંગળવારે અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં તેની અટકાયત કરવામાં આવી હતી. 2022થી ફરાર અનમોલ અમેરિકામાં રહેતો હતો અને તેના જેલમાં બંધ ભાઈ લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળના આતંકવાદી સિન્ડિકેટમાં સંડોવણી બદલ ધરપકડ થનારો 19મો આરોપી છે. NIAએ જણાવ્યું હતું કે લુઇસિયાનાથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ અનમોલની અટકાયત કરાઇ હતી.
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 18 નવેમ્બરના રોજ બાબા સિદ્દીકી હત્યા કેસના ફરિયાદી ઝીશાન સિદ્દીકીને ઇમેઇલ મોકલીને ડિપોર્ટેશનની પુષ્ટિ કરી હતી. નવેમ્બર 2024માં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં ગેરકાયદેસર પ્રવેશના આરોપમાં અનમોલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં FBIએ DNA અને અવાજના નમૂનાઓ દ્વારા તેની ઓળખ કરી હતી. ત્યારબાદ ડિપોર્ટેશનની લાંબી પ્રક્રિયા.
પંજાબના ફાઝિલકા જિલ્લાનો રહેવાસી અનમોલ એપ્રિલ 2022માં નકલી પાસપોર્ટ પર નેપાળ, દુબઈ અને કેન્યા થઈને અમેરિકા ભાગી ગયો હતો. અનમોલનું નામ અનેક હાઈ-પ્રોફાઇલ કેસ સાથે જોડાયેલું છે. તે ઓક્ટોબર 2024માં મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનો મુખ્ય કાવતરાખોર હતો. ઝીશાન સિદ્દીકીના જણાવ્યા અનુસાર, અનમોલે સિદ્દીકીના ફોટા અને લોકેશન શૂટર્સને મોકલ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp