તમિલનાડુ: કોરોનાની બીજી લહેર અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) લઈને આવી હતી. લોકડાઉન દરમિયાન અનેક લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હતા પરંતુ તમિલનાડુની એક વાઈન શોપમાં (Wine Shop) બંધ ઉંદરોને (Rats) આ લોકડાઉનમાં એવી તે મજા પડી ગઈ કે તેઓ એક નહીં પરંતુ દારૂની પૂરી ૧૨ બોટલો ગટગટાવી ગયા હતા!
તમિલનાડુમાંથી આવો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વાઈન શોપમાં ઉંદરોએ આતંક મચાવીને દારૂની ૧૨ જેટલી બોટલો ખાલી કરી નાંખી હતી. ઉંદરોના આ કારનામાની ચર્ચા તમિલનાડુ સહિત દેશભરમાં થઇ રહી છે.
લોકડાઉનમાં વાઈન શોપ બંધ રહી હતી
આ ઘટના તમિલનાડુ રાજ્યના નીલગિરી જીલ્લાના ગુડલુર નગરની છે. જ્યાં એક સરકારી વાઈન શોપ આવેલી છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવાના કારણે સરકારે અહીં લોકડાઉન લાગુ કરી દીધું હતું. આ દરમિયાન વાઈન શોપ ખોલવાની પરવાનગી અપાઈ ન હતી. જેથી દુકાનમાં બંધ ઉંદરોએ તેનો ફાયદો ઉઠાવીને આતંક મચાવ્યો હતો અને દારૂની બોટલો ખાલી કરી નાંખી હતી!
કર્મચારીઓએ દુકાન ખોલતા બોટલો ખાલી પડેલી જોવા મળી
ઉંદરોના આ કરતૂતની જાણ ત્યારે થઇ જ્યારે નિયમો હળવા થતા વાઈન શોપના કર્મચારીઓએ એક સવારે જઈને શટર ખોલીને જોયું તો દુકાનમાં કેટલીક વાઈનની બોટલોના ઢાંકણ ખુલ્લા જોવા મળ્યા હતા. તેમજ આ તમામ બોટલો ખાલી થઇ ચૂકી હતી. આ બોટલો ઉપર ઉંદરોના દાંતના નિશાન પણ જોવા મળ્યા હતા.
ત્યારબાદ આ મામલે સુપરવાઈઝર અને TASMAC ના વરિષ્ઠ અધિકારીઓએ તપાસ કરી, જેમાં ખુલાસો થયો કે દુકાનમાં ઉંદરો બંધ હતા અને તેમણે જ આ બોટલો ખાલી કરી નાંખી હતી. આ બોટલોની કુલ કિંમત ૧૫૦૦ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે.
કર્મચારીએ જણાવ્યું કે, જે બોટલો ઉંદરોએ ખાલી કરી નાંખી તેમાં વાઈન ભરવામાં આવેલ હતું. ઉચ્ચ અધિકારીઓ અને સુપરવાઈઝરને જાણ કર્યા બાદ તેમણે તપાસ કરતા જાણવા મળ્યું કે દુકાનમાં ઉંદરોની ભરમાર હતી અને તેમણે જ આ કારસ્તાન કર્યું હતું.
બિહારમાં પણ બિયર કેન ઉંદરો પી ગયા હતા
જોકે, ઉંદરો દારૂની બોટલો ખાલી કરી ગયા હોવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા થોડા સમય અગાઉ બિહારના એક જિલ્લામાં આવેલ ગોડાઉનમાં લગભગ ૨૦૦ બિયર કેન ગાયબ થઇ ગયા હતા. આ મામલે તપાસ કરતા બહાર આવ્યું હતું કે ઉંદરો આ બિયર પી ગયા હતા અને ૭ જેટલા કાર્ટૂન સાફ કરી ગયા હતા.