અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો! કહ્યું - કોર્ટની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ,

અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો! કહ્યું - કોર્ટની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ, ચુકાદા પર હાલ પૂરતી રોક!

12/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો! કહ્યું - કોર્ટની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ,

અરવલ્લી પર્વતમાળાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય રજૂ કર્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. અને આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે. આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરાશે નહીં. ઉપરાંત સમગ્ર કેસમાં આગામી 21મી જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.


લોકોની મોટી જીત

લોકોની મોટી જીત

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા કે પરિભાષાને માન્યતા આપતાં કહ્યું હતું કે, 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. જે બાદથી જ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. કારણ કે કેટલાક સામાજિક કાર્યકરો અને વૈજ્ઞાનિકોનો એવો આરોપ હતો કે આ નિર્ણયથી નાજુક ઈકોસિસ્ટમના વિશાળ એવા વિસ્તારોમાં ખનનની મંજૂરી મળી શકે છે. સુપ્રીમ કોર્ટના આજના આ આદેશથી પર્યાવરણપ્રેમી તથા અરવલ્લી બચાવો આંદોલન કરી રહેલા લોકોની મોટી જીત થઈ છે. આ સાથે જ સર્વે અને રિસર્ચ માટે એક નવી કમિટી બનાવવાની પણ વાત કરવામાં આવી છે.


કોર્ટે આ સવાલો પૂછ્યા?

કોર્ટે આ સવાલો પૂછ્યા?

ચીફ જસ્ટિસે કહ્યું કે, અરવલ્લી પહાડો સંલગ્ન રિપોર્ટ કે કોર્ટના જૂના આદેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. જેથી કરીને કેટલાક મહત્વના સવાલોના જવાબ મળી શકે. એ માટે કોર્ટ દ્વારા આ સવાલો રજૂ કરાયા હતા.

- શું અરવલ્લીની વ્યાખ્યાને ફક્ત 500 મીટર સુધી મર્યાદિત કરવું ખોટું છે? એટલે કે તેના સંરક્ષણવાળો વિસ્તાર નાનો તો નથી થઈ રહ્યો?

- શું આ વ્યાખ્યાથી અરવલ્લીના બહારના વિસ્તારોમાં ખનન (માઈનિંગ)નો દાયરો વધી ગયો છે?

- વચ્ચે વચ્ચે જે ખાલી જગ્યા (ગેપ) છે ત્યાં ખનની મંજૂરી આપવામાં આવે કે નહીં? દાખલા તરીકે જો બે સંરક્ષિત વિસ્તાર છે અને તેમની વચ્ચે 700 મીટરનો ગેપ છે તો તે ગેપનું શું થશે?

- પર્યાવરણની નિરંતરતા કેવી રીતે બચાવવામાં આવે? એટલે કે જંગલ, પહાડ અને જીવ જંતુઓનું કુદરતી સંતુલન કેવી રીતે જળવાય?

- જો નિયમોમાં કોઈ મોટી ખામી મળી તો શું આખી અરવલ્લીની ગિરીમાળાને બચાવવા માટે ફરીથી ઊંડાણપૂર્વક રિસર્ચની જરૂર પડશે?


રાજ્યોને નોટિસ ફટકારી માંગ્યો જવાબ

રાજ્યોને નોટિસ ફટકારી માંગ્યો જવાબ

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભ્રમ દૂર કરવાની વાત કરી છે. તેમણે અરવલ્લી પહાડીઓ અને રેન્જની વ્યાખ્યા, 500 મીટરથી વધુ અંતરની સ્થિતિ, માઈનિંગ પર રોક કે મંજૂર અને તેના દાયરાને લઈને ગંભીર અસ્પષ્ટતાઓને ઉકેલવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત કોર્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોર્ટની કેટલીક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરાઈ રહી છે. જેના પર સ્પષ્ટતા જરૂરી છે. 20 નવેમ્બરના આદેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને ઠોસ રિપોર્ટ જરૂરી છે. ત્યાં સુધી યથાસ્થિતિ જળવાઈ રહેશે અને તમામ પહેલુઓ પર વિસ્તૃત રીતે વિચાર કરાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top