શિમલા : કોરોનાકાળમાં ડોક્ટર્સ ઈશ્વરનું બીજું રૂપ બની ગયા છે. દર્દીને મોતના મુખમાંથી ઉગારી લેવા માટે ડોક્ટર્સ બધું જ કરી છૂટતા હોય છે. પોતાનો જીવ જોખમમાં હોવા છતાં તેઓ દર્દીઓની સેવામાં દિવસરાત મચેલા રહે છે. હાલના સમયમાં તો ડોક્ટર્સનું કેટલું મોટું ઋણ લોકો પર આવી પડ્યું છે. ખતરનાક વાયરસ સામે યોદ્ધા બનીને દર્દીઓનું રક્ષણ કરતા અનેક તબીબોએ માનવતાના શ્રેષ્ઠ ઉદાહરણો આપ્યા છે.
હિમાચલ પ્રદેશના એક તબીબ દંપતિએ પણ આ રીતે લોકોનાં દિલ જીત્યાં છે. ચંબા જિલ્લાના બનીખેતમાં ડ્યુટી નિભાવી રહેલા ડોક્ટર રાહુલ નરુલા અને તેમનાં પત્ની ડોક્ટર શ્વેતા સેઠીને બે વખત કોરોનાનો માર પડ્યો. તેમ છતાં બંને વખત તેમણે વાયરસરૂપી દૈત્યને હાંકી કાઢ્યો અને સ્વસ્થ થઈને ફરીથી દર્દીઓની સેવામાં લાગી પડ્યા. આજે કોરોના વાયરસના નામથી બેચેન બની જતા અને નકારાત્મક વલણ ધરાવતા લોકોમાં આ દંપતિએ હકારાત્મકતાનો સંદેશો ફેલાવ્યો છે.
આ પણ વાંચો : ‘તમારી મદદની જરૂર છે!’ : સાંસદનો પત્ર આવ્યો અને ડૉ. જ્યોર્જ લાખોની નોકરી છોડી વતન દોડ્યા
ડોક્ટર રાહુલ છેલ્લા એક વર્ષથી મેલમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે તેમનાં પત્ની શ્વેતા સેઠી ચંબા મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલિજી વિભાગમાં તહેનાત છે. બંને કોવિડ યોદ્ધાઓએ બબ્બે વખત કોરોનાને મહાત આપી છે. પંજાબના ફિરોઝપુરના રહેવાસી ડોક્ટર રાહુલ કહે છે, ‘ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું પહેલી વખત કોરોનાની ઝપટમાં આવ્યો હતો. મને લક્ષણ દેખાયા એટલે હું તરત જ હોમ આઈસોલેટ થઈ ગયો હતો. થોડા દિવસો બાદ હું સ્વસ્થ થઈ ગયો અને મેં ફરી ડ્યુટી જોઈન કરી લીધી. ત્યાર બાદ જાન્યુઆરીમાં ફરીથી સંક્રમિત થયો.’
ડોક્ટર રાહુલની સાથે સાથે તેમની પત્નીને પણ આ દરમિયાન બીજી વખત કોરોના થઈ ગયો હતો. બીજી વખત થયેલા કોરોનાની અસર ગંભીર થતાં ડોક્ટર રાહુલનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું. એટલે તેમને ડેલહાઉસી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યારે શ્વેતા હોમ ક્વોરંટાઇન થઈ ગયાં હતાં.
દંપતિ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. બંને ફરીથી કોરોના દર્દીઓની સેવામાં પહેલાં જેટલા જ જોશ અને ઉત્સાહથી લાગી પડ્યા છે. બંનેએ લોકોને ખાસ અપીલ કરી છે કે, લોકો આ મહામારીને હળવાશથી ન લે, કેમ કે તેની અસર જીવલેણ બની શકે છે. તેમણે કહ્યું કે, આ મહામારી સામે માસ્ક પહેરીને, યોગ્ય અંતર જાળવીને, વારંવાર સેનેટાઇઝરથી હાથ સ્વચ્છ કરીને અને વગર કારણે ઘરની બહાર ન નીકળીને લડી શકાય છે. દંપતિએ કોરોનાને બે વખત હરાવીને સંદેશ આપ્યો છે કે, કોરોના સામે લડી શકાય છે અને જીતી શકાય છે !
(સૌજન્ય : Amar Ujala)