‘તમારી મદદની જરૂર છે!’ : સાંસદનો પત્ર આવ્યો અને ડૉ. જ્યોર્જ લાખોની નોકરી છોડી વતન દોડ્યા

કોવિડ POSITIVE ! : ‘તમારી મદદની જરૂર છે!’ : સાંસદનો પત્ર આવ્યો અને ડૉ. જ્યોર્જ લાખોની નોકરી છોડી વતન દોડ્યા

05/03/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

‘તમારી મદદની જરૂર છે!’ : સાંસદનો પત્ર આવ્યો અને ડૉ. જ્યોર્જ લાખોની નોકરી છોડી વતન દોડ્યા

હોશંગાબાદ : છેલ્લા એક વર્ષથી ડોક્ટરો અને સર્સિંગ સ્ટાફ કોરોના વાયરસ સામે ખડેપગે લડી રહ્યા છે. ઘાતક વાયરસ સામેનો આ જંગ તેઓ કોઈ પણ ભોગે જીતવા માગે છે, અને તેના માટે તેમણે ફના થઈ જવું પડે તો તેનોય વિચાર આ યોદ્ધાઓ કરતા નથી. અત્યાર સુધીમાં એવા અનેક કોવિડયોદ્ધાઓએ આપણને માનવતાની મિસાલ આપી છે. આવી જ વધુ એક મિસાલ મધ્યપ્રદેશના હોશંગાબાદ (હવે નર્મદાપુરમ)ના ડોક્ટર ઋષિ જ્યોર્જે પૂરી પાડી છે.

ડોક્ટર જ્યોર્જ કેરળના કોચીનની નમામિ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. વીસમી માર્ચે તેમના નામે હોશંગાબાદથી લોકસભાના સભ્ય ઉદયપ્રતાપ સિંહના લેટરપેડમાં હિન્દીમાં ટાઈપ થયેલો એક પત્ર આવી પહોંચ્યો. પત્રમાં લખ્યું હતું :

તમારી માતૃભૂમિ નર્મદાપુરમને તમારી સેવાની જરૂર છે. વર્તમાન સંજોગોમાં માનવતાની સેવા માટે તમારા યોગદાનની આવશ્યકતા છે. અહીં તમને જિલ્લા પ્રશાસન અને અમારા સૌ દ્વારા બહેતર સુવિધાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ વિશ્વાસ સાથે તમે તમારો અમૂલ્ય સહકાર આપશો તેવી અપેક્ષા છે.

સાંસદ ઉદયપ્રતાપ સિંહનો પત્ર મળતાં જ ડોક્ટર જ્યોર્જને તેમનું વતન સાંભરી આવ્યું. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મહિને લાખ રૂપિયા કમાવી આપતી નમામિ હોસ્પિટલની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની માતૃભૂમિની સેવા કરવા માટે નીકળી પડ્યા. ડોક્ટર જ્યોર્જના વતન હોશંગાબાદની જિલ્લા હોસ્પિટલમાં એક પણ એમડી કક્ષાનો ડોક્ટર ઉપલબ્ધ નહોતો. એટલે ઉદયપ્રતાપ સિંહને ડોક્ટર જ્યોર્જ યાદ આવ્યા હતા, અને તેમણે તેમને મદદનો પોકાર કર્યો હતો.

વતનના એક જ સાદે બધું પડતું મૂકીને આવી પહોંચેલા ડોક્ટર જ્યોર્જે હોશંગાબાદની જિલ્લા હોસ્પિટલ પહોંચીને કોરોના વોર્ડના દર્દીઓની સારવાર આરંભી દીધી. તેમણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડની પણ જવાબદારી સંભાળી લીધી છે. આટલો વતનપ્રેમ ઓછો હોય તેમ તેમણે સરકાર તરફથી અપાતું વેતન લેવાનો પણ અસ્વીકાર કર્યો છે.

ડોક્ટર ઋષિ જ્યોર્જ કહે છે, “હોશંગાબાદ મારી માતૃભૂમિ છે. મારું બાળપણ અહીં જ વીત્યું છે. મારા પિતા અહીં સ્કૂલ ચલાવે છે. આજે મારી માતૃભૂમિને મારી જરૂર છે એટલે હું અહીં પાછો આવ્યો છું. દરરોજ જિલ્લા હોસ્પિટલમાં જઈને કોરોના દર્દીઓનો ઈલાજ કરી રહ્યો છું. આ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ છે પણ એમડી ડોક્ટર ન હોવાને કારણે તેનું સંચાલન યોગ્ય રીતે નહોતું થતું. એટલે મેં આઈસીયુનો કારભાર સંભાળી લીધો છે. દર્દીઓને દરેક શક્ય સારવાર આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. અહીંની સ્થિતિ સુધરી જશે પછી હું કેરળ પાછો ચાલ્યો જઈશ.”

વતનપરસ્તીમાં ગળાડૂબ ડોક્ટર ઋષિ જ્યોર્જે તેમના મિત્ર ડોક્ટર ઉમેશ સેઠાને પણ હોશંગાબાદ આવી જઈને મદદ કરવાનું આમંત્રણ આપ્યું છે. કેરળની લાખો રૂપિયાની નોકરી તજીને પોતાના લોકોનાં જીવન બચાવવા દોડી આવેલા ડોક્ટર જ્યોર્જે સાબિત કરી આપ્યું છે કે મહામારીમાં પૈસા કરતાં સેવા વધારે જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top