શ્રીનગર : જમ્મુ કાશ્મીરની મનમોહક ઘાટીઓ પણ કોરોનાના કોપથી વંચિત નથી રહી. સરહદપારથી અવારનવાર આવતા આતંકી હુમલાઓ વચ્ચે જીવતા લોકોનો ભય હવે કોરોનાને કારણે બેવડો થયો છે. અલગતાવાદી વાતાવરણ વચ્ચે પણ અહીં કેટલાક એવા ફરિશ્તાઓ છે જેમણે દિલમાં નાત-જાત, ભેદભાવને નહીં પરંતુ માનવતાને સ્થાન આપ્યું છે. શ્રીનગરના 48 વર્ષીય મંઝૂર અહેમદ આવા જ એક પાક બંદા છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પોતે જ ઓક્સિજન ઉપર જીવી રહ્યા છે, છતાં આજે કોરોનાના દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર્સ પહોંચાડી રહ્યા છે.
પોતાના અસ્થમા કરતાં બીજા લોકોનો કોરોના વધુ મહત્વનો
મંઝૂર અહેમદને પાછલા પાંચેક વર્ષથી અસ્થમાની બીમારી છે. તેમને અવારનવાર ઓક્સિજનની જરૂર પડે છે. તેઓ એક ટેમ્પો ચાલક છે અને નાનો ટ્રક (છોટા હાથી) ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોરોનાની મહામારીમાં તેમણે પોતાના ટેમ્પોને કોરોના પોઝિટીવ દર્દીઓની મદદ કરવામાં જોતરી દીધો છે. મંઝૂરને પોતાની સાથે ઓક્સિજનનું સિલિન્ડર રાખીને ફરવું પડે છે. તેમ છતાં તેઓ કોરોનાના જે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય ત્યાં ટેમ્પો મારી મૂકે છે અને તેમને સિલિન્ડર પહોંચાડે છે.
જેમની પાસે ઓક્સિજન નથી હોતો તેને કેવી મુશ્કેલી થતી હોય છે તે હું જાણું છું
મંઝૂર કહે છે, ‘મહામારીના આ સમયમાં જેમને ઓક્સિજનની જરૂર હોય છે અને છતાંય ઓક્સિજન મળી શકતો નથી ત્યારે તેમની મુશ્કેલી કેવી હોય છે તેની મને ખબર છે. તેમણે કેવી પરેશાનીમાંથી પસાર થવું પડે છે એ હું જાણું છું. હું પોતે એક અસ્થમા દર્દી છું એટલે મને ખબર છે કે ઓક્સિજનની લોકોને ખૂબ જરૂર પડે છે.’ એક એક શ્વાસની કિંમત સમજતા મંઝૂર એટલે જ કોવિડ દર્દીઓની મદદ કરવા આગળ આવ્યા છે. તેમણે ટેમ્પોમાં માલસામાનની હેરફેર કરવાને બદલે હવે ઓક્સિજનના સિલિન્ડરની હેરફેર કરવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો : કોવિડ POSITIVE : ઘરેઘરે કોરોનાની દવાઓ પહોંચાડી દેહરાદૂનના પોલીસ મેન બન્યા ‘મેડિસિન મેન
માનવતા માટે કોઈને ઓક્સિજન આપવા સક્ષમ છું તો મને બહુ સારું લાગે છે
મંઝૂર કહે છે, ‘માનવતાને ખાતર જો હું કોઈને ઓક્સિજન આપવામાં સક્ષમ છું અને મારા પોતાના જીવનને બચાવી શકું છું કે પછી કોઈને ઓક્સિજનથી રાહત મળે છે તો તેનાથી મને બહુ સારું લાગે છે. મને ખબર છે કે લોકોને ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે. ઓક્સિજનથી લોકોના જીવ પણ બચે છે અને મારું ગુજરાન પણ ચાલે છે. પરિવાર માટે બધું કરવું પડે છે. આ માનવતા છે. હું ભીખ ન માગી શકું. ખુદાએ મને હાથ આપ્યા છે એટલે કામ કરું છું.’
પોતાને કોરોના થવાનું પૂરેપૂરું જોખમ છતાં દર્દીઓને પ્રાણવાયુ પહોંચાડી રહ્યા છે
મંઝૂર પોતે ચોવીસે કલાક એક ઓક્સિજન સિલિન્ડર પોતાની પાસે જ રાખે છે. તેમના ફેફસાં પહેલેથી જ નબળાં હોવાથી તેમને કોરોનાનું સંક્રમણ થવાનું પૂરેપૂરું જોખમ છે. તેમ છતાં તેઓ પ્રાણવાયુનો ધંધો કરીને પોતાના પરિવારને અને કોરોનાના દર્દીઓને મદદ કરી રહ્યા છે. મંઝૂર કહે છે, ‘હું ઘરે બેઠો ન રહી શકું. હું કામ કરું છું અને મારા પરિવાર માટે કમાઉં છું. મારો પરિવાર મારી ઉપર જ નિર્ભર છે. હું ચાહું છું કે લોકો આ સમયે આશા ન છોડે. તેમણે મજબુત રહેવું જોઈએ.’