ભોપાલ : મધ્યપ્રદેશના પ્રસિદ્ધ શહેર ભોપાલમાં જાવેદ ખાન રહે છે. તે ઓટો રીક્ષા ડ્રાઈવર છે અને રોજ કમાઈને રોજ પેટ ભરનારો આમ આદમી છે. પરંતુ છેલ્લા 26 દિવસથી તે પોતાની રીક્ષાનો ઉપયોગ એવા નેક કામ માટે કરી રહ્યો છે, જેને જોઈને કોઈ પણ માણસને તેના પ્રત્યે આદર જન્મ્યા વગર રહે નહીં. જાવેદે પોતાની રીક્ષાને એક ઓક્સિજન સિલિન્ડર, સેનેટાઈઝર, પીપીઈ સૂટ અને દવાઓથી સજ્જ કરીને કામચલાઉ એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી દીધી છે. ઓક્સિજનની અને એમ્બ્યુલન્સની અછત વચ્ચે જાવેદે કોરોનાના અનેક દર્દીઓને કોઈ પણ જાતનું રીક્ષાભાડું લીધા વિના હોસ્પિટલોમાં પહોંચાડ્યા છે.
એમ્બ્યુલન્સની ઉણપને કારણે લોકોને હોસ્પિટલ સુધી રઝળપાટ કરતાં જોઈને વિચાર આવ્યો
જાવેદે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે તેને રીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવવાનો આ વિચાર કેવી રીતે આવ્યો હતો. જાવેદ કહે છે, ‘મેં સોશિયલ મીડિયા ઉપર અને ન્યૂઝ ચેનલો ઉપર જોયું કે લોકો એમ્બ્યુલન્સના અભાવે કેવી રીતે રઝળપાટ કરીને હોસ્પિટલ પહોંચી રહ્યા છે. તેમની મુશ્કેલી ઓછી કરવા માટે મને આ વિચાર આવ્યો.’
ઓટો-એમ્બ્યુલન્સ બનાવવા માટે જાવેદે પત્નીનાં ઘરેણાં વેચી દીધાં !
ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યા મુજબ, રીક્ષાને કામચલાઉ એમ્બ્યુલન્સમાં ફેરવવા માટે જાવેદને પૈસાની જરૂર હતી. તેણે લાંબો વિચાર કર્યા વગર તેની પત્નીના ઘરેણાં વેચી કાઢ્યાં અને તેમાંથી જે પૈસા મળ્યા તેનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સ તૈયાર કરી. તેણે ઘરેણાંના પૈસામાંથી ઓક્સિજન સિલિન્ડર, દવાઓ અને પીપીઈ કીટ ખરીદ્યાં. જાવેદ કહે છે, ‘હું દરરોજ ઓક્સિજન રીફીલ સેન્ટરની લાઈનમાં ઓક્સિજન પૂરાવવા માટે ઊભો રહું છું. મારો મોબાઇલ નંબર મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર છે. એમ્બ્યુલન્સ ન મળે તો લોકો મને કૉલ કરી શકે છે. મેં અત્યાર સુધીમાં 9 ગંભીર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા છે.’
કર્ફ્યૂમાં મદદ કરતા જાવેદ વિરુદ્ધ પોલીસે કેસ દર્જ કર્યો હતો, લોકોના રોષ બાદ પાછો ખેંચ્યો
મધ્યપ્રદેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. શનિવારે જાવેદ પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવીને કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ અને ઇમરજન્સી સર્વિસ પાસ ન હોવાથી કલમ 188નું ઉલ્લંઘન કરવા બદલ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જાવેદે પોલીસને કહ્યું હતું કે, તેણે તેની રીક્ષાને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી છે અને તે કોવિડ દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનું કામ કરે છે. તેમ છતાં પોલીસે તેની વાત માની નહોતી. જાવેદના સમાચાર જેવા ફેલાયા કે તરત જ સોશિયલ મીડિયા ઉપર લોકોએ રોષ વ્યક્ત કર્યો અને પરિણામે પોલીસે જાવેદ વિરુદ્ધનો કેસ પાછો ખેંચવો પડ્યો.