જોગણી માતા અને અંબા માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, આખેઆખી દાનપેટી જ ઉપાડી લઈ ગયા
ચોરીની ઘટનાઓ તો ખૂબ સામે આવી રહી છે. થોડા-થોડા દિવસોમાં ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ હવે ચોર મંદિરોને પણ છોડી રહ્યા નથી. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરો મંદિરમાંથી આખી દાનપેટી જ ઉઠાવી લઈ ગયા હતા.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા જોગણી માતા અને અંબા માતા મંદિરમાં ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં મંદિરના સ્ટીલના દરવાજા સાથે અંદરના ભાગમાં વેલ્ડિંગથી જોઈન્ટ કરવામાં આવેલી બે ફુટની સ્ટીલની દાનપેટી ઉઠાવીને ચોર ફરાર થઈ ગયા હતા.
આ મામલે ઘટના અંગે પૂજારીએ કહ્યું કે, ‘છેલ્લા 3 વર્ષથી દાનપેટી ખોલવામાં આવી નથી, જેમાં લગભગ 50,000 હજાર જેટલી રકમ હશે.' મંદિરમાં ચોરીને ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
તો બીજી તરફ પોલીસને મંદિરમાં થયેલી ચોરીની જાણ કર્યા છતા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના પૂજારી અને સ્થાનિકો દ્વારા તસ્કરોને ઝડપી પાડવા પોલીસને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે ઘટનાના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ ડુમસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને મહાકાળી મંદિરમાંથી ચોરી થઈ હતી. રૂંઢનાથ મહાદેવ મંદિરમાં સોમવાર મોડી રાત્રે અર્ધનગ્ન હાલતમાં ઘુસેલા બે ચોરોએ દાનપેટી કાપીને 60 હજારની ચોરી કરી હતી. રૂંઢનાથ મંદિરનો દરવાજાનો નકુચો કાપીને ચોરી કરી હતી. તો મહાકાળી મંદિરની 3 ફુટની દિવાલ કુદીને અંદર ગયા હતા. ઉમરા પોલીસે 150 CCTV ચેક કરીને બે ચોરોને ગણતરીના કલાકમાં પકડી પાડ્યા હતા. દારૂ પીવાના પૈસા માટે મહાકાળી મંદિરમાં ચોરીમાં સફળ રહેતા બીજા દિવસે રૂંઢનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું.
આ ઉપરાંત મહેસાણા તાલુકાના સાલડીમાં આવેલ પીપળેશ્વર મહાદેવના પટાંગણમાં આવેલા ચલિત શિવાલયની બહાર આવેલી દાનપેટી ચડ્ડી-બનીયાર ધારી ગેંગ ઉઠાવી જવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. તો બીજી તરફ આ વિસ્તારમાં કેટલાક સમયથી તસ્કરો પણ જાણે બેફામ બનીને ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp