પુત્ર પર એવો શું આરોપ લાગ્યો કે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતાને કરી લીધા અલગ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર છેલ્લી વખત એક મહિલા IPS અધિકારીને તપાસ રોકવાની ધમકી આપીને મુશ્કેલીમાં મુકાયા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પવારે ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી રોકવા માટે તેમના પર દબાણ કર્યું હતું. હવે 2 મહિના બાદ અજિત પવાર ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે આ મામલો તેમના પુત્ર પાર્થનો છે, જેના પર કૌભાંડ આચરવા માટે તેમના પિતાના પ્રભાવનો ઉપયોગ કરવાનો આરોપ છે. અમેકાડિયા નામની કંપની સવાલોના ઘેરામાં છે, જેના ડિરેક્ટરો અને સહયોગીઓએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવ્યા વિના પુણેમાં માત્ર 300 કરોડમાં 1,800 કરોડની જમીન ખરીદી હતી.
સૌથી મોટી વાત એ છે કે, 40 એકરના આ જમીન સોદા પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે માત્ર 500 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જમીન સોદામાં દલાલી કરનાર અમેકાડિયા કંપની પાર્થ અજિત પવાર અને તેમના પિતરાઈ ભાઈ દિગ્વિજય અમરસિંહ પાટીલની માલિકીની હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે, કંપનીની રજિસ્ટર્ડ મૂડી માત્ર 1 લાખ રૂપિયા છે. તેમ છતાં તેમણે 300 કરોડની જમીન ખરીદી લીધી. અમેકાડિયા કંપનીએ સરકારની IT પાર્ક નીતિનો પણ લાભ લીધો અને સ્ટેમ્પ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી.
આ કૌભાંડમાં અજિત પવારના પુત્રનું નામ સામે આવ્યા બાદ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે દલિતો માટે અનામત રાખેલી 1,800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દીધી. રાહુલે તેને જમીન ચોરી ગણાવી.
મામલો વધતાં જોઇને અજિત પવારને સ્પષ્ટતા આપવી પડી. તેમનું કહેવું છે કે તેમનો આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી. મીડિયા સાથે વાત કરતા અજિત પવારે કહ્યું કે, ‘આ મામલા સાથે કોઈ મારે કોઈ લેવાદેવા નથી. મેં પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે હું કોઈપણ પ્રકારનું ખોટું કામ સહન નહીં કરું. હું આ મામલાની વિગતોનું વ્યક્તિગત રીતે વિશ્લેષણ કરીશ. મેં ક્યારેય મારા કોઈ સંબંધી કે પાર્ટી કાર્યકર્તાને ફાયદો પહોંચાડવા માટે કોઈ અધિકારીને ફોન કર્યો નથી. જો કોઈ ખોટું કરી રહ્યું છે અથવા સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, તો હું ક્યારેય તેમનું સમર્થન નહીં કરું.
એ નોંધનીય છે કે, અજિત પવારના પુત્ર પર જે 40 એકર જમીનનો આરોપ છે તે પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. આ શહેરના સૌથી પોશ રહેણાંક વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. આ મામલો પ્રકાશમાં આવતાની સાથે જ લોકો વિરોધ કરવા માટે ત્યાં ભેગા થયા હતા.
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, આ જમીન હડપવાનું કાવતરું 19 વર્ષ અગાઉ ઘડવામાં આવ્યું હતું. 2006માં પેરામાઉન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીએ 171 જમીનમાલિકો પાસેથી પાવર ઓફ એટર્ની સહીઓ મેળવી હતી. બાદમાં, આ જમીન અજિત પવારના પુત્ર, પાર્થ પવારની કંપની અમેકાડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવી હતી અને 1800 કરોડમાં વેચી દેવામાં આવી હતી.
નાગરિક ચૂંટણીઓ અગાઉ નાયબ મુખ્યમંત્રીના પુત્ર સામે ગંભીર આરોપો બાદ મુખ્યમંત્રી ફડણવીસે આ મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, ‘મેં મહેસૂલ વિભાગ અને જમીન રેકોર્ડ વિભાગ પાસેથી સંપૂર્ણ માહિતી માગી છે. પ્રારંભિક તારણો ખૂબ જ ગંભીર લાગે છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અમે અમારી સત્તાવાર સ્થિતિ જણાવીશું. જો કોઈપણ સ્તરે કોઈ ગેરરીતિઓ જોવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જમીન દલિતોની હોવાથી ફડણવીસ તેને મોટો રાજકીય વિવાદ ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. અજિત પવારની ફડણવીસના ઘરની મુલાકાત પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ બાબતે વચગાળાનો અહેવાલ રાજ્યના ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવી રહ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે, જો કોઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચનો અભાવ હોય, તો શું 1 લાખ રૂપિયાની મૂડી ધરાવતી કંપની 300 કરોડ રૂપિયાની જમીન ખરીદી શકે છે? શું ફક્ત 48 કલાકમાં IT પાર્ક મંજૂર થઈ શકે છે? શું 309 કરોડ રૂપિયાની જમીન પર સ્ટેમ્પ ડ્યુટી 500 રૂપિયા થઈ શકે છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp