મંત્રીમંડળના વિસ્તરણ પહેલા દક્ષિણ ગુજરાતના બે નેતાઓએ 'કેસરિયો' છોડ્યો, જાણો કારણ સાથે વિગતે
ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ત્યારે બીજી તરફ ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ 'કેસરિયો' છોડવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતનો સમાવેશ થાય છે. બંનેએ ભાજપમાંથી રાજીનામું આપી ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
માહિતી મુજબ, આહવા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. દીપક પીંપળેના રાજીનામા પાછળનું કારણ ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો છે કે, "પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે." આ આક્ષેપો સાથે જ તેઓ ભાજપ મૂકીને કોંગ્રેસમાં જોડાયા હોવાની પુષ્ટિ થઈ છે.
બીજી બાજુ પાંચ વર્ષ પહેલાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતે ભાજપ સાથે છેડો ફાડી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે, ડાંગના ભાજપ નેતા મંગળ ગાવિત વર્ષ 2020માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. મંગળ ગાવિત કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને પેટા-ચૂંટણી માટે ટિકિટની માગણી કરી હતી. જો કે, ભાજપે ત્યારે મંગળ ગાવિતને ટિકિટ આપી નહોતી. હવે પાંચ વર્ષ બાદ તેમણે ભાજપમાંથી છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં જોડાણ કર્યું છે. રાજકીય વર્તુળોમાં ગાવિતના ભાજપમાંથી થયેલા ટૂંકાગાળાના મોહભંગની ચર્ચાએ જોર પકડ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp