લગ્ન અગાઉ પ્રી-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ બની ગયો છે, જેમાં ઘણાં લોકો પોતાના લગ્ન અગાઉના સમયને વધુ સારો માટે આ પ્રકારના ફોટોશૂટ કરાવે છે. એવી જ રીતે એક કપલ ગીર સોમનાથના વેરાવળ દરિયાકાંઠે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવા પહોંચ્યું હતું, પરંતુ તેમને ખ્યાલ પણ નહીં હોય કે તેમની સાથે આવી ગોઝારી ઘટના બની જશે.
જે લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા ગયા હતા તેમની ઓળખ કેવલ લખમણ મકવાણા (વરરાજો, રહે. માળીયા હાટીના), નિશા હરસુખભાઈ રાઠોડ, (વધૂ, રહે. છાત્રોડા ગામ), ખુશી અનિલ પરમાર, સેજલ કાનજી ચાંડપા, જ્યોતિ હરેશ પરમાર (લાપતા યુવતી), જાવીદ ઇબ્રાહિમ ભટ્ટી – ફોટોગ્રાફર, ફોટોગ્રાફરનો હેલ્પર યુવક તરીકે થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ જે યુવતી પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ગઈ હતી તેની સાથે તેના એક સખી પણ હતી, જે આદ્રી ગામે દરિયા પાસે સેલ્ફી લઈ રહી હતી, દરિયાનું મોજું આવતા જે 4 લોકો હતા તેમણે એકબીજાના હાથ પકડીને સુરક્ષિત કર્યા હતા, પરંતુ જે અન્ય યુવતી હતી તે એક જ ક્ષણમાં દરિયામાં ખેંચાઈ ગઈ હતી. દરિયામાં ખેંચાઈ ગયેલી યુવતી વેરાવળના રામપરા ગામની હોવાની વિગતો મળી રહી છે.
મરિન પોલીસને જાણ થતા સ્થાનિક માછીમારોની મદદ લઈને દરિયામાં તણાયેલી યુવતીની શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી તેની ભાળ મળી નથી. ફોટોશૂટની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ તે અંગેની તપાસ બાદ વધુ માહિતી સામે આવશે. હાલ તો યુવતીના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.