ગુજરાતમાં રાઈડ તૂટી પડવાનો વધુ એક બનાવ આવ્યો સામે, શું જવાબદારો સામે કાર્યવાહી થશે?
ગુજરાતમાં મેળાઓ દરમિયાન રાઈડ તૂટી પડવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, જેમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે અથવા તો રાઈડ તૂટી પડવાને કારણે લોકો ઇજાગ્રસ્ત થતાં હોય છે. ગુજરાતમાં રાઈડ તૂટી પડવાની વધુ એક ઘટના સામે આવી છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ આ ઘટના ક્યાં બની છે.
દિવાળીના તહેવાર નિમિત્તે જેતપુરમાં રોટરી ક્લબ દ્વારા આયોજિત ફનફેર મેળામાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. મેળામાં આવેલી 'બ્રેક ડાન્સ'ની રાઈડ અચાનક તૂટી પડતા ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને પહેલા સારવાર માટે જેતપુર સિવિલ ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. હાલ જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટના પાછળ રાઈડ્સ સંચાલકોની ગંભીર બેદરકારી મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે. સવાલ એ છે કે, શું આ જોખમી રાઈડ્સ માટે સ્થાનિક તંત્ર પાસેથી પૂરતી અને માન્ય મંજૂરી લેવામાં આવી હતી? નિયમો મુજબ, આવી જાહેર રાઈડ્સને ઓપરેટ કરતા પહેલા તેની ટેક્નિકલ ફિટનેસ અને સલામતીના માપદંડોનું સખતપણે પાલન કરવું આવશ્યક છે. જોકે, આ ઘટના સ્પષ્ટ સૂચવે છે કે સલામતીના નિયમોની ઘોર અવગણના કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત દંપતીના પરિજનોએ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
દુર્ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક પગલાં લઈને સમગ્ર ફનફેર મેળાને બંધ કરાવી દીધો છે, જેથી આવી અન્ય કોઈ દુર્ઘટના ન બને. પોલીસે તૂટેલી રાઈડની સ્થિતિનું પંચનામું કર્યું છે અને રાઈડ્સ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે રાઈડ્સની જાળવણી નિયમિત રીતે થતી હતી કે કેમ અને શું તેમની પાસે સુરક્ષા પ્રમાણપત્રો હતા. પોલીસની આ તપાસમાં બેદરકારી દાખવનારા જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટના જેતપુરમાં બનેલી રાઈડ તૂટવાની ઘટનાએ નવસારીના બિલિમોરાની ઘટનાની યાદ અપાવી છે. 17 ઑગસ્ટે બિલિમોરામાં આયોજિત મેળામાં રાઈડ તૂટતા બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ હતી. બિલિમોરામાં સોમનાથ મહાદેવના મેળાનું આયોજન થયું હતું. જેમાં 50 ફૂટ ઉંચા ટાવર સમાન લોખંડના પીલર પર ઉપર નીચે થતી એડવેન્ચર રાઈડ જે ટાવર રાઈડ તરીકે પણ ઓળખાય છે, જે ઉપર ગયા બાદ નીચે ઉતરતા રાઈડમાં ખામી સર્જાય અને અચાનક તેનો કેબલ તૂટી જતા સ્પીડમાં નીચે પટકાતા અફરાતફરી મચી ગઈ હતી. આવી જ ઘટના જેતપુરમાં બ્રેક ડાન્સ રાઈડ તૂટી જતા બની છે અને સાથે રાઈડ કેટલી સલામત છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp