ઝાંપાબજારમાં દસ વર્ષ બાદ સામી ચૂંટણીએ ફરીથી ‘વીંછીનો દાબડો’ ખૂલ્યો? ચાર ગલી વ્હોરા ટ્રસ્ટને ફાળ

ઝાંપાબજારમાં દસ વર્ષ બાદ સામી ચૂંટણીએ ફરીથી ‘વીંછીનો દાબડો’ ખૂલ્યો? ચાર ગલી વ્હોરા ટ્રસ્ટને ફાળવવા સામે લોકરોષ! કોર્ટના ચુકાદાનું શું?

09/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઝાંપાબજારમાં દસ વર્ષ બાદ સામી ચૂંટણીએ ફરીથી ‘વીંછીનો દાબડો’ ખૂલ્યો? ચાર ગલી વ્હોરા ટ્રસ્ટને ફાળ

સુરત: મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ થોડાક જ મહિના ઢૂંકડી દેખાય છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રવાહકો ‘આગ સાથે ખેલ’ કરી રહ્યા હોવાનું લાગે છે. સામાન્ય રીતે સામી ચૂંટણીએ પ્રજા વીફરે એવો કોઈ મુદ્દો રાજકારણીઓ ઉંચકતા નથી. પણ આ વખતે એક સામટી ચાર ગલીઓ વ્હોરા ટ્રસ્ટને ફાળવી દેવાનો નિર્ણય લેવા તૈયાર થયેલ શાસકો હાથે કરીને વીંછીનો દાબડો ખોલી રહ્યા હોય એવી છાપ ઉપસી છે. સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ મુજબ તો આજની (શુક્રવાર, ૨૬ સપ્ટેમ્બર) સ્થાયી સમિતિની બેઠકના એજન્ડામાં આ મુદ્દો (નંબર ૨૭) જાણીજોઈને અડધો-અધૂરો લખવામાં આવ્યો છે.


‘હિન્દુત્વ’ અને હાઈકોર્ટનો આદેશ, બંને ઉંચા મૂકાશે? શું છે મામલો?

‘હિન્દુત્વ’ અને હાઈકોર્ટનો આદેશ, બંને ઉંચા મૂકાશે? શું છે મામલો?

મામલાની જાણવા મળતી વિગતો મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાં આવેલ ઝાંપાબજાર વિસ્તારમાં વ્હોરા સમાજની અરેબિક યુનિવર્સીટીનું બિલ્ડીંગ આવેલું છે. દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ નામની સંસ્થાએ અલ-જામિયા-તસ-સુફિયા એકેડેમી વિસ્તારમાંથી પસાર થતી બે ગલીઓ સહિત કુલ ચાર ગલીઓ પોતાના ટ્રસ્ટને વેચાણથી ફાળવવામાં આવે, એવી દરખાસ્ત પાલિકા તંત્રને કરી હતી. દાવત ટ્રસ્ટે આ ગલીઓની અવેજીમાં નવસારી બજારથી પૂતળી કબીર મંદિર પાસે આવેલી પોતાની વોર્ડ નંબર ૨, નોં. ૪૭૦૪/ પૈકીવાળી જમીન પાલિકાને આપી દેવા માટે ‘મૌખિક સંમતિ’ આપી છે. આ જગ્યા પાસે ગોપીતળાવને લાગુ પડતો ૬૦ ફીટ પહોળાઈનો ડીપી રોડ પસાર થાય છે. અહીં ભવિષ્યમાં બ્રિજ બનાવવાનું આયોજન છે. ટૂંકમાં, દાવત ટ્રસ્ટ પોતાની માલિકીની આ જમીન કોર્પોરેશનને આપીને એની સામે ઝાંપાબજારની ચાર ગલીઓ પોતાને હસ્તક લેવા માંગે છે. અહીં પ્રશ્ન એ છે કે સરકારને જમીનની જરૂર પડે તો સંપાદન કરવાની કાયદેસરની જોગવાઈ છે જ. તો પછી કોઈ ટ્રસ્ટ સાથે આ રીતે જમીનની લેવડદેવડ કરીને જાહેર રસ્તા તરીકે વપરાતી ગલીઓ શા માટે જતી કરવી જોઈએ?

આ પ્રકારની દરખાસ્ત કંઈ પહેલીવારની નથી. દસ વર્ષ પહેલા, ૨૦૧૪માં પણ આ જ દરખાસ્ત આવેલી પણ ત્યારની સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ જ રાખેલી. કારણકે આ આખી બાબત કાયદાકીય ગૂંચ ઉભી કરે એવી છે. ભૂતકાળમાં વ્હોરા સમાજના જ સમાજસેવિકા ઝેહરાબેન સાયકલવાળા તો આ મામલે કોર્ટ સુધી ગયા છે. એટલું જ નહિ પણ કોર્ટે એમની ફેવરમાં ચુકાદો સુધ્ધાં આપ્યો હતો. તો શું હાલના શાસકો કોર્ટના ચુકાદાની વિરુદ્ધ કશુંક કરશે?

બીજો મામલો ‘હિન્દુત્વ’ના વલણ અંગેનો પણ છે. શહેરનો પૂર્વ વિસ્તાર દાયકાઓથી ભાજપનો ગઢ મનાય છે. પણ છેલ્લા થોડા વર્ષોથી અહીંયા વસતીની પેટર્ન બદલાઈ રહી છે. અહીં હિંદુ વસતી ઓછી થતી જાય છે અને વહોરાઓ તેમજ મુસ્લિમોની વસતી – ‘અશાંતધારો લાગુ હોવા છતાં – વિસ્તરતી જાય છે! જયારે તળિયેથી ટોચ સુધી હિન્દુત્વને વરેલી મનાતી પાર્ટીનું શાસન હોય, ત્યારે આ ચમત્કાર કઈ રીતે થયો હશે, એ વળી જુદી વિચારણા માગી લેતો મુદ્દો છે. સ્થાનિક લોકોમાં આ મુદ્દે ઘણા સમયથી છૂપો આક્રોશ છે જ.


લોકઆક્રોશ: “ગોલવાડને વ્હોરવાડ બનતું અટકાવો”! સ્થાનિક નેતાઓનું વલણ શું?

લોકઆક્રોશ: “ગોલવાડને વ્હોરવાડ બનતું અટકાવો”! સ્થાનિક નેતાઓનું વલણ શું?

મૂળ મુદ્દો એ છે કે જો આ ચાર ગલીઓ ટ્રસ્ટને ફાળવી દેવાશે તો જાહેર જનતાને અવરજવર માટે લાંબુ ચક્કર કાપવું પડશે. આ ગલીઓમાંથી અવરજવર કરનારા લોકોમાં મુસ્લિમો અને રાણા સમાજ તેમજ ખત્રી સમાજના લોકોની બહુમતી છે. જો આ ગલીઓ કોર્પોરેશન ટ્રસ્ટને ફાળવી આપશે તો ભવિષ્યમાં આસપાસ વસતી હિંદુ પ્રજા અવરજવરની અસુવિધા સહિતના કારણોને લઈને હિજરત શરુ કરશે. ભૂતકાળમાં પૂર્વના અન્ય વિસ્તારોમાં થયું છે એમ અહીં પણ હિંદુ પ્રજાની વસતી ઘટી જશે! લોકો આ મુદ્દે સોશિયલ મીડિયા પર જબરદસ્ત આક્રોશ ઠાલવી રહ્યા છે.

સ્થાનિક નેતાઓનું વલણ શું?

આવા મુદાઓ ઊંચકાય ત્યારે પ્રજા સ્થાનિક કોર્પોરેટર્સ અને ધારાસભ્યો પાસે આશા રાખીને બેઠી હોય છે. પૂર્વ બેઠકના ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા ખુદ આ વિસ્તારમાંથી સ્થાનિક પ્રજાની હિજરત અંગે થોડા મહિનાઓ પહેલા મેયરશ્રીને પત્રો લખી ચૂક્યા છે. શિસ્તબદ્ધ ગણાવાતા ભાજપ પક્ષ માટે માટે ધારાસભ્ય રાણાસાહેબના પત્રો ‘લેટર બોમ્બ’ જેવા હતા. પરંતુ હાલમાં ચાર-ચાર ગલી ફાળવી દેવાને મુદ્દે સ્થાનિક કોર્પોરેટર્સ અને ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા ખુદ અત્યાર સુધી ચૂપ છે. હવે પછી તેઓ કેવું સ્ટેન્ડ લે છે, એ જોવાનું રહેશે.

આજે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શું નિર્ણય લેવાય છે, એની પર હવે સહુની નજર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top