બેંગ્લોર : મહામારીમાં પણ સમાજ માટે પોતાનાથી થાય તેટલી મદદ કરવા માટે તત્પર રહેતા અનેક સેવાભાવી લોકોમાં ચેન્નાઈનું આ નિઃસ્વાર્થ દંપતી પણ સામેલ છે. ચંદીરા અને તેના પતિ કરુણાકરણ આપણા જેવું જ એક સામાન્ય દંપતી છે, પરંતુ સમાજ માટે નીચોવાઈ જવાનો તેમનો જોશ અસામાન્ય છે. ચેન્નાઈની એક એક્સપોર્ટ કંપનીમાં સીવણકામ કરતી ચંદીરા નવરાશના સમયમાં માત્ર 10 મિનિટ ભોજનને આપે છે, અને બાકીના સમયમાં સતત કોટન માસ્ક સીવે છે. જ્યારે તેના પતિ કરુણાકરણ એક ઓટોરીક્ષા ડ્રાઈવર છે. તેઓ ચંદીરાએ સીવેલા માસ્ક તેમના સંપર્કમાં આવતા લોકોને વિનામૂલ્યે આપે છે.
કામ કરતી વખતે સંચાની આસપાસ કાપડના ટુકડા ફેલાયેલા જોયા અને વિચાર આવ્યો...
ચંદીરાની કહાણી કોરોનાની મહામારીની શરૂઆતથી જ શરૂ થાય છે. તે સમયે જ્યારે ન્યૂઝ ચેનલોમાં અને ડોક્ટર્સના મોઢે સાંભળવા મળતું હતું કે જ્યારે તમે N-95 માસ્ક કે કોઈ પણ સર્જિકલ માસ્ક ન મેળવી શકો ત્યારે માત્ર અને માત્ર કપડાંના – કોટન માસ્ક જ તમને કોરોનાની સામે સંતોષકારક રક્ષણ આપી શકે છે. ચંદીરા તેની કહાણી ‘ઇન્ડિયા ટૂડે’ને જણાવતાં કહે છે, “તે દિવસે હું કામ કરી રહી ત્યારે મેં મારા સંચાની આજુબાજુ કાપડના ટુકડાઓ ફેલાયેલા જોયા. આ બધા જ ટુકડાઓ બિનઉપયોગી હોવાથી કચરામાં જાય. ત્યારે મને વિચાર આવ્યો અને મેં એ ટુકડાઓને સારા કામ માટે વાપરવાનું નક્કી કર્યું. મેં નીચે પડેલા નકામા ટુકડાઓ ઉઠાવ્યા અને તેમાંથી માસ્ક બનાવવાનું નક્કી કર્યું.” આ પ્રકારના ટુકડાઓ ખરાબ ગુણવત્તાના કે બીજા કોઈ કારણસર નકામા નથી બનતા પરંતુ કપડું સીવ્યા બાદ વધેલા ટુકડાઓ હોય છે. ચંદીરાને મગજમાં એક જ સવાલ થયો : શા માટે આવા ટુકડાઓને માસ્કનું રૂપ ન આપવું ?
જરૂરિયાત સિવાયના જેટલા પૈસા વધે તે બધા જ માસ્ક બનાવવામાં ખર્ચી નાખે છે ચંદીરા
પગારદાર કર્મચારી તરીકે નોકરી કરતી ચંદીરા છેલ્લા એક વર્ષથી પોતાનો ફાજલ સમય માસ્ક સીવવામાં કાઢી રહી છે. શરૂઆતમાં તેણે માસ્ક તૈયાર કરીને તેના પાડોશીઓને અને મિત્રોને આપ્યા હતા. ધીમે ધીમે માસ્કની ડીમાંડ વધતી ગઈ એટલે ચંદીરાએ તેના પતિ કરુણાકરણની મદદ લીધી. રીક્ષાચાલક કરુણાકરણ દરરોજ તેમને મળતા મુસાફરોને માસ્ક વહેંચવા માંડ્યા. ચંદીરા કહે છે, “મારા પગારમાંથી જરૂરિયાત ઉપરાંતના જેટલા પૈસા વધે છે તે બધા જ હું માસ્ક માટે ઇલાસ્ટીક ખરીદવામાં ખર્ચી નાખું છું. મારી બેગમાં હંમેશા ઇલાસ્ટીકનો એક ગુચ્છો હોય છે.” ચંદીરા હંમેશા એ વાતની ખાતરી કરે છે કે તે જે કાપડનું માસ્ક સીવે તે પ્યોર કોટન જ હોવું જોઈએ.
મારી રીક્ષામાં બેસીને મુસાફરી કરનારા લોકો તો માસ્ક પહેરે જ તેની ખાતરી રાખું છું
ચેન્નાઈના કોડમબક્ક્મમાં રીક્ષા ચલાવતા કરુણાકરણ પત્ની ચંદીરા માટે જાણે માસ્કના ડિલિવરી મેન બની ગયા છે. તેઓ દરરોજ તેમના ઓટો સ્ટેન્ડ ઉપર અને તેમના મુસાફરોને માસ્ક વહેંચે છે. કરુણાકરણ કહે છે, “અમે અત્યાર સુધીમાં કેટલાં માસ્ક વહેંચ્યા હશે તેની ગણતરી નથી રાખી, પરંતુ તે 500 થી વધુ તો હશે જ. માસ્ક ખૂબ જ મહત્વનું છે અને હું ઓછામાં ઓછું મારી રીક્ષામાં બેસીને મુસાફરી કરતા લોકો માસ્ક પહેરે જ તેની ખાતરી રાખું છું. તેઓ જો માસ્ક ભૂલી ગયા હોય તો હું તેમને આપું છું.” કરુણાકરણના મતે સમાજ માટે થઈ શકે તેવું આ નાનામાં નાનું કામ છે.
Courtesy : India Today/Janani K