શા માટે કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા? જાણો ઈતિહાસ અને માન્યતાઓ

શા માટે કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા? જાણો ઈતિહાસ અને માન્યતાઓ

07/12/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

શા માટે કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા? જાણો ઈતિહાસ અને માન્યતાઓ

પૂરી: દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથ પૂરીમાં (Jagnannath Puri) ભગવાન જગન્નાથજીની (Bhagwan Jagannathji) રથયાત્રા (Rathyatra) કાઢવામાં આવે છે. આમ તો દેશમાં અનેક સ્થળોએ આ રથયાત્રા યોજાય છે પરંતુ પૂરીની રથયાત્રાનું અનેરું મહાત્મ્ય છે. આ વર્ષે પણ પૂરીમાં રથયાત્રાનું આયોજન છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને સીમિત સંખ્યામાં લોકો ભાગ લેશે. ગુજરાતના અમદાવાદમાં પણ અમુક નિયમો સાથે રથયાત્રા યોજાશે.

રથયાત્રાને લઈને અનેક ધાર્મિક માન્યતાઓ છે. સ્કંદ પુરાણ અનુસાર, એક દિન ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાએ પ્રભુ સામે નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને દ્વારકાના દર્શન કરાવવાની પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ભગવાને તેમની ઈચ્છા પૂરી કરવા માટે તેમને રથમાં બેસાડીને નગરનું ભ્રમણ કરાવ્યું હતું. માનવામાં આવે છે કે ત્યારબાદ દર વર્ષે અહીં રથયાત્રાનું આયોજન થાય છે.


આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ત્રણ અલગ-અલગ રથ હોય છે. પરંપરા અનુસાર, રથયાત્રામાં પહેલા ભાઈ બલરામનો રથ હોય છે, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવામાં આવે છે. આ ત્રણેય રથને નગરમાં ભ્રમણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન મામાના ઘરે જાય છે જ્યાં તેમને ૫૬ ભોગ ધરાવવામાં આવે છે. અહીં ૮ દિવસ રોકાયા બાદ ભગવાન નવમા દિને નિજ મંદિર પરત ફરે છે.


રથયાત્રા ઉત્સવ એક મહિનો ચાલે છે અને તેની શરૂઆત જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસથી થાય છે. આ દિવસે ભગવાનને વિવિધ તીર્થસ્થળોએથી લાવવામાં આવેલા પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ૧૪ દિવસ માટે એકાંતવાસમાં જતા રહે છે અને તેમના દર્શન ઉપર પણ રોક લાગી જાય છે. આ દરમિયાન તેમની વિશેષ સેવા કરવામાં આવે છે.

રથ ખેંચનારને ૧૦૦ યજ્ઞોનું પૂણ્ય મળે છે

રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણેય રથ લાકડાના બનેલા હોય છે, જેને શ્રદ્ધાળુઓ ખેંચે છે. ભગવાન જગન્નાથજીના રથમાં ૧૬ પૈંડા હોય છે, એ જ રીતે ભાઈ બલરામના રથમાં ૧૪ પૈંડા અને બહેન સુભદ્રાના રથમાં ૧૨ પૈંડા હોય છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, જે કોઈ વ્યક્તિ રથયાત્રામાં સામેલ થઈને રથ ખેંચે છે તેને સો યજ્ઞ કર્યાનું પૂણ્ય મળે છે.


અનેક ગ્રંથોમાં ઉલ્લેખ

રથયાત્રા વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ ઉલ્લેખ છે. જેથી હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ભગવાન જગન્નાથજી અષાઢ સુદ બીજથી દશમ સુધી લોકો વચ્ચે રહે છે. અને આ સમયે તેમની પ્રાર્થના અને પૂજા વિશેષ ફળદાયી બને છે.

દર વર્ષે રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દેશભરમાંથી હજારો-લાખો લોકો પૂરી પહોંચે છે. જોકે, છેલ્લા ૨ વર્ષોથી કોરોનાના કારણે સિમીત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પરંપરા જાળવવામાં આવે છે.

(ફાઈલ તસવીરો)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top