Trump Tariff: શું ટ્રમ્પ 250% ટેરિફ લાદશે? ઇન્ટરવ્યૂમાં કર્યો મોટો ખુલાસો; બોલ્યા- ‘ભારત સારો ટ્રેડ પાર્ટનર..’
Trump Tariff: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (5 ઓગસ્ટ, 2025) ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી. તેમણે કહ્યું કે ભારત સારો ટ્રેડ પાર્ટનર નથી. અમેરિકાએ હાલમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે, જે 7 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આગામી 24 કલાકમાં અમે ભારત પર ટેરિફ વધારીશું.
અમેરિકન ન્યૂઝ ચેનલ CNBCને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ફાર્મા ઉદ્યોગો પર 250% ટેરિફ લાદવાની ચીમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, 'અમે શરૂઆતમાં દવાઓ પર થોડો ટેરિફ લગાવીશું, પરંતુ એક કે દોઢ વર્ષ પછી અમે તેને 150 કે 250 ટકા સુધી વધારીશું. અમે આ કરીશું કારણ કે અમે ઇચ્છીએ છીએ કે દવાઓ આપણા દેશમાં જ બને.’
ટ્રમ્પે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકામાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર દબાણ વધારવામાં આવી રહ્યું છે જેથી કંપનીઓ અમેરિકામાં જ દવાઓ બનાવે. તેમણે તાજેતરમાં મુખ્ય દવા સપ્લાયર્સ પાસેથી કિંમતોમાં મોટો ઘટાડો કરવાની માગ કરી છે, અન્યથા કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.
વ્હાઇટ હાઉસે મે 2025માં કહ્યું હતું કે, અમેરિકામાં દવાઓની કિંમત અન્ય વિકસિત દેશો કરતા 3 ગણી વધારે છે. એપ્રિલમાં લગભગ તમામ વેપાર ભાગીદારો પર 10 ટકા ટેરિફ લાદ્યા પછી, ટ્રમ્પે વિવિધ દેશોના ઉત્પાદનો પર અલગ-અલગ દરે ટેરિફ લાદ્યા છે.
ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદવાનો અને તેને ફરીથી નફા માટે વેચવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રશિયાએ ભારતને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે સાર્વભૌમ દેશોને તેમના હિતોના આધારે વેપાર અને આર્થિક સહયોગમાં તેમના ભાગીદારો પસંદ કરવાનો અધિકાર છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક દિવસ અગાઉ પણ કહ્યું હતું કે તેઓ ભારત પર અમેરિકન ટેરિફમાં વધારો કરશે. તેમણે ભારત પર પણ રશિયન તેલ ખરીદવાનો અને તેને મોટા નફામાં વેચવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પના નિવેદનના થોડા કલાકો બાદ, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે અમેરિકા અને યુરોપિયન યુનિયન પર વળતો પ્રહાર કર્યો, જેનાથી ટ્રમ્પ નારાજ થયા અને તેમણે હવે 24 કલાકની અંદર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp