Trump Tariff Threat: ભારતે રશિયા સાથેના વેપારને લઈને અમેરિકાને આઇનો બતાવ્યો તો ટ્રમ્પની બુદ્ધિ ઠેકાણે આવી કે શું? બોલ્યા- ‘મને તેની બાબતે..’
Trump Tariff Threat: ટ્રમ્પ ભારત અને રશિયાની મિત્રતા તોડાવવા માટે ભારત પર ટેરિફ દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભારત કોઈ પણ ભોગે રશિયા સાથે મિત્રતા તોડવાના મૂડમાં લાગી રહ્યું નથી. અને ભારતે આમ કરવું પણ ન જોઇએ કારણ કે રશિયા ખરા સમયનો ભારતનો સાથી છે. ભારત સરકારે તો અહી સુધી કહી દીધું છે કે, તે રાષ્ટ્ર હિતમાં જ નિર્ણય લેશે.’ સાથે જ ભારતે કોઈ વધુ પડતી પ્રતિક્રિયા આપવાને બદલે અમેરિકાને આઇનો બતાવતા હવે ટ્રમ્પની બુદ્ધિ ઠેકાણે આવી હોય તેમ લાગી રહ્યું છે. ભારતે ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાની જાહેરાત કર્યા બાદ કહ્યું હતું કે અમેરિકા પોતે પણ રશિયા સાથે વેપાર કરે છે. રશિયા સાથે અમેરિકાના વેપારની વાત ઉઘાડી પડ્યા બાદ ટ્રમ્પ પોતે જ આ મામલે ઘેરાઈ રહ્યા છે. ટેરિફ લગાવવાને મામલે તેમના જ દેશના લોકો તેમને આઇનો બતાવી રહ્યા છે. નિક્કી હેલીએ પણ તેમને ભારત સાથે તણાવ ન વધારવાની સલાહ આપી છે.
એવામાં મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને ખબર નથી કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે. મોસ્કો સાથેના તેના સતત તેલ વેપાર અંગે પશ્ચિમી દેશોની ટીકાના જવાબમાં ભારતે આ દાવો કર્યો છે. જ્યારે ભારતે દાવો કર્યો હતો કે વોશિંગ્ટન રશિયા સાથે વેપાર ચાલુ રાખીને તેને અનુચિત રીતે નિશાન બનાવી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે કહ્યું કે, ‘મને તેની બાબતે કંઈ ખબર નથી. મારે તેની તપાસ કરવી પડશે.’
ANI અનુસાર, ચીન સહિત રશિયન ઊર્જા ખરીદતા તમામ દેશો પર 100 ટકા ટેરિફ લાદવા અંગે પૂછવામાં આવતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘મેં ક્યારેય ટકાવારી કહી નથી, પરંતુ અમે તેનો મોટો ભાગ લગાવીશું. આગામી થોડા સમયમાં શું થાય છે તે જોઈશું. કાલે રશિયા સાથે અમારી બેઠક છે.’
આ ઉપરાંત, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ બાઈડેનનું યુદ્ધ છે અને અમે તેમાંથી બહાર નીકળવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. મેં છેલ્લા 5 મહિનામાં 5 યુદ્ધો અટકાવ્યા છે અને સાચું કહું તો હું ઇચ્છું છું કે આ છઠ્ઠું યુદ્ધ હોય. બાકીના યુદ્ધો મેં થોડા દિવસોમાં અટકાવ્યા છે, લગભગ બધા ભારત અને પાકિસ્તાન સહિત અને હું આખી વાતની યાદી આપી શકું છું, પરંતુ તમે પણ એટલું જ જાણો છો જેટલું હું.’
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકન કંપનીઓ રશિયા પાસેથી પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટે પેલેડિયમ, ખાતરો અને રસાયણો ખરીદવાનું ચાલુ રાખે છે, તેમ છતા તેઓ ભારત પર તેમના વેપાર સંબંધો ઘટાડવા માટે દબાણ કરે છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં વધારાના ટેરિફ લાદવામાં આવી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp