Pakistan: આતંકીઓએ છોકરીઓની શાળાને બોમ્બથી ઉડાવી દીધી
Terrorists targeted girls school in Pakistan: પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છોકરીઓ માટે નિર્માણાધીન સરકારી પ્રાથમિક શાળાને અજાણ્યા આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરીને ક્ષતિગ્રસ્ત કરી દીધી. પોલીસે શુક્રવારે આ બાબતે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ માટે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટના સમયે બિલ્ડિંગની ખાલી હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, બાનુ જિલ્લાના બાકા ખેલ પોલીસ વિસ્તારમાં અજાન જાવેદ પ્રાથમિક શાળાના પરિસરમાં આતંકવાદીઓએ વિસ્ફોટકો રાખ્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટને કારણે બિલ્ડિંગને ખૂબ નુકસાન થયું છે. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ સાઇટ પરથી પુરાવા એકત્રિત કરવા માટે એક FIR નોંધી લેવામાં આવી છે અને ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ આ હુમલાની નિંદા કરતા તેને આ વિસ્તારમાં શૈક્ષણિક વિકાસને પાટા પરથી ઉતારવાના પ્રયાસ ગણાવ્યો.
ઑસ્ટ્રેલિયન 'થિંક ટેન્ક' લોવી ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ, 2007-2017 વચ્ચે આદિજાતિ વિસ્તારોમાં 1,100થી વધુ છોકરીઓની શાળાઓ નષ્ટ કરી દેવામાં આવી છે. આ દરમિયાન શિક્ષિકાઓ અને વિદ્યાર્થિનીઓને પણ નિશાન બનાવવામાં આવી છે. વર્ષ 2014માં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા એક વ્યાપક લશ્કરી અભિયાન અગાઉ, તેહરીક-એ-તાલિબન પાકિસ્તાન (TTP)એ સ્વાત જિલ્લામાં પોતાના ગઢથી ઉત્તર પશ્ચિમ પ્રાંતના આદિવાસી વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ પ્રાંતના અન્ય જિલ્લાઓમાં છોકરીઓની શાળાઓ પર સેંકડો હુમલા કર્યા હતા. આ કાર્યવાહી બાદ TTPના આતંકવાદીઓ અફઘાનિસ્તાન ભાગી ગયા હતા અને તેમના નવા ઠેકાણાથી ક્રોસ-બોર્ડર હુમલાઓની યોજનાઓને અંજામ આપી રહ્યા હતા.
હાલમાં જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક સહાયક કમિશનર સહિત 5 સરકારી અધિકારીઓ માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં અન્ય 11 લોકો પણ ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ વિસ્ફોટ અફઘાનિસ્તાનની સરહદ ધરાવતા આદિવાસી જિલ્લા બાજૌરમાં ખાર તાલુકાના મેળા મેદાનની પાસે થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp