પિતાની હુંફ આપીને મહેશભાઈ સવાણીએ 133 દીકરીઓને વિદાય આપી
પી.પી. સવાણી પરિવારના આંગણે દર વર્ષે યોજાતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણી પિતા તરીકેની હુંફ આપી હતી. આ અનોખા લગ્ન સમારોહ સમૂહમાં યોજાય છે, પણ એમાં દરેક દીકરીને પોતાનો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે.
20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીને પિતાની હુંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી. રવિવારને બીજા દિવસે એક ખ્રિસ્તી સહિત 56 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલા પડ્યા હતા. સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દૃશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મુકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી. આ લગ્ન સમરોહ સમુહમાં યોજાય છે, પણ એમાં દરેક દીકરીને પોતિકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે.
આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમણે પોતાના પરિવારજનના અંગદાનની સહમતિ આપી હતી. સુરતમાં પ્રવૃત એવી જીવનદીપ ઓર્ગન ડૉનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે. એમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી.
સ્વાગત કરતા પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન સમારોહમાં પરણતી 133 કન્યા પૈકી 90 ટકા કન્યા એવી છે જેમના પરિવારમાં પિતા કે ભાઈ કોઈ નથી. અનેક જ્ઞાતિ, સમાજ અને પ્રદેશની દીકરીઓ એક જ માંડવે પરણીને સાસરે જઈ રહી છે. મહેશભાઈએ જણાવ્યું હતું કે, દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે, એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.
રવિવારની મોડી સાંજે લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા એ ધીમે ધીમે વિદાયના સૂરમાં પરિવર્તિત થઈ ગયા અને શાંતિને ભેદીને મંડપમાં ડૂસકાંઓની નાની-નાની લહેરો ઉઠવા લાગી. ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા. દીકરીઓ એક બાદ એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી પડી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે દીકરીઓ અને મહેશભાઈ બંનેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને, દરેક દીકરીના માથે હાથ મૂકી, આશીર્વાદ વરસાવી રહ્યા હતા.
માહ્યરામાં લગ્નવિધિ પહેલા સાસુએ વહુને તુલસી છોડ અર્પણ કરીને સ્વાગત કરીને સ્વીકારી હતી. આ સ્વીકાર માત્ર વહુ તરીકે નહીં, પરંતુ એ વહુની તમામ જવાબદારી સાથે એનો સ્વીકાર પ્રતિકાત્મક રીતે મહેશ સવાણીએ કરાવ્યો હતો. જેને “તુલસીનો ક્યારો” કહેવાય છે એવી દીકરીઓને સાસુઓએ હાથ પકડી લગ્નમંડપ સુધી દોરી. કોઈ લગ્ન પ્રસંગમાં સાસુઓને આટલું સન્માન અપાયું હોય એવો કદાચ આ પહેલો અવસર હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp