અમેરિકામાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ દરમિયાન તેમની વિરુદ્ધ નિવેદનબાજી વધી રહી છે. અમેરિકન પત્રકાર અને જમણેરી કાર્યકર્તા મેટ ફોર્નીએ અમેરિકામાં રહેતા ભારતીયો વિશે વારંવાર કઠોર ટિપ્પણીઓ કરતો રહે છે. આ વખતે તેણે ભારતીયોને દેશનિકાલ કરવાની વાત કરી છે.
તેણે 2026માં સમુદાય અને હિન્દુ મંદિરો પર લક્ષિત હુમલાઓની ચેતવણી આપી અને સૂચન કર્યું હતું કે સમુદાયના તમામ સભ્યોને ભારત મોકલી દેવામાં આવે. ફોર્નીએ વારંવાર ભારત વિરોધી ટિપ્પણીઓ કેરતો રહે છે અને આ કારણોસર તેને નોકરીમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યો હતો. તાજેતરની પોસ્ટમાં તેણે કહ્યું કે અમેરિકાએ દરેક ભારતીયને દેશનિકાલ કરવા જોઈએ.
ફોર્નીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી હતી. વિવાદ વધ્યા બાદ ડિલીટ કરી દીધી હતી. આ પોસ્ટમાં ફોર્નીએ ચેતવણી આપી હતી કે 2026માં ભારતીયો સામે નફરત ચરમસીમાએ પહોંચશે. સમુદાયના સભ્યોને હિંસા માટે નિશાન બનાવવામાં આવશે, તેમના વ્યવસાયોમાં તોડફોડ કરવામાં આવશે, અને તેમના મંદિરો પર બોમ્બથી હુમલા કરવામાં આવશે અને સામૂહિક ગોળીબાર કરવામાં આવશે.
ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે આ હુમલાઓના ગુનેગારો અશ્વેત, લેટિનો અથવા પાકિસ્તાની હશે, શ્વેત નહીં હોય. આનાથી મીડિયા સામાન્ય રીતે MAGA અને ટ્રમ્પ પર દોષારોપણ કરવા માટે ઉત્સુક હોય તેવા નફરતના ગુનાઓને દબાવી દેવામાં આવશે, જેમ COVID-19ની શરૂઆતમાં એશિયન વિરોધી નફરતના ગુનાઓને દબાવવામાં આવ્યા હતા, જ્યારે એશિયનો પર હુમલાઓ ગોરા નહીં પણ અશ્વેત લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.
ફોર્નીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકામાં શાંતિ ઇચ્છે છે અને તમામ પ્રકારની હિંસાની નિંદા કરે છે. તેમણે કહ્યું કે, ‘આને રોકવાનો એક જ રસ્તો છે. તેમની પોતાની સલામતી માટે આપણે DEI લાગૂ કરવો જોઈએ, દરેક ભારતીયને દેશનિકાલ કરો.’
મેટ ફોર્નીએ એક અમેરિકન કટારલેખક, લેખક અને પત્રકાર છે જેનો ભારતીયો સામે નફરત ફેલાવવાનો અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશનિકાલની હાકલ કરવાનો લાંબો ઇતિહાસ છે. તેની પોસ્ટ્સને કારણે તાજેતરમાં તેમને અમેરિકન સમાચાર સંગઠન ધ બ્લેઝમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને H-1B વિઝા કાર્યક્રમ અને ભારતીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
મેટ ફોર્નીએ પોતાના જાતિવાદી નિવેદનો માટે જાણીતો છે, ન્યૂયોર્કમાં રહે છે. તેણે તેમના બ્લોગ દ્વારા ભારતીય-અમેરિકન સમુદાયને નિશાન બનાવ્યો. આમાંથી એકનું શીર્ષક હતું- ભારતીય છોકરીઓને કેમ ડેટ ન કરવી જોઈએ: 5 કારણ.’ તેના લેખો અગાઉ ધ પીચ એન્ડ મિઝરી ટૂરિઝ્મમાં પ્રકાશિત થઇ ચૂક્યા છે. 2018માં, તેણે ટેરર હાઉસ પ્રેસની સ્થાપના કરી, જે એક સ્વતંત્ર સાહિત્યિક પ્રકાશન છે જ્યાં તે 2024 સુધી મુખ્ય સંપાદક રહ્યો.
નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ટિપ્પણીઓ કરવા બદલ ‘ધ બ્લેઝ’માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ધ બ્લેઝમાંથી દૂર કર્યા બાદ, ફોર્નીએ X પર લખ્યું, મને ધ બ્લેઝમાંથી દૂર કરવામાં આવ્યો છે. મારા ટ્વીટ્સને ચિંતાજનક ગણાવવામાં આવી હતી. મને એવી ટ્વીટ્સના કોઈ ચોક્કસ ઉદાહરણો આપવામાં આવ્યા નહોતા જેને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ધ બ્લેઝે શરૂઆતમાં મારા ટ્વીટ્સને કારણે મારો સંપર્ક કર્યો હતો.
4 નવેમ્બરના રોજ, ફોર્નીએ Etsyના નવા CEO, કૃતિ પટેલ ગોયલને અયોગ્ય ગણાવ્યા અને ભારતીયોને દેશનિકાલ કરવાની માંગ કરી હતી. તેણે લખ્યું કે, વધુ એક અસમર્થ ભારતીય અમેરિકન કંપની સંભાળી લીધી. હું ખાતરી આપું છું કે તેમનું પહેલું પગલું દરેક અમેરિકનને કાઢી મૂકવાનું અને તેમની જગ્યાએ ભારતીયોને રાખવાનું હશે, પછી ભલે તે સીધી રીતે હોય કે બોડી શોપ્સ દ્વારા.’ ત્યારબાદ તેણે આ પોસ્ટમાં ફરી એકવાતનો પુનરોચ્ચાર કર્યો કે ભારતીયોને દેશનિકાલ કરો.