ગત 4 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજમાં તિરાડ પડી હતી. ત્યારબાદ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને AMCને સોંપવામાં આવ્યો હતો.
બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત IIT રૂડકી અને SVNIT સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત એજન્સીઓ દ્વારા અગાઉ અપાયેલા પ્રાથમિક અહેવાલના આધારે જ આજની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. 26 ડિસેમ્બરે હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડવાનું, તેમજ બંને તરફ 2-2 લેન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને તેમનો સપોર્ટ મળ્યો છે. આ બ્રિજ આઇકોનિક ઊભો થાય તેના માટે પ્રયાસ છે. બ્રિજના તમામ સુપર સ્ટ્રકચરને તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહીં આવે માત્ર તેને મજબૂત કરવામાં આવશે. જોકે આ રિસ્ટોરેશનની એટલે કે બ્રિજ તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
કોર્પોરેશનની જાહેરાત મુજબ, અત્યારે જે સુભાષ બ્રિજ છે તેની બંને તરફ બે નવી લેન તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય.
ફેઝ - 1: વર્તમાન બ્રિજનું રિસ્ટોરેશન
પ્રથમ ફેઝમાં હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને 38 મીટર સ્પાન મુજબ સ્ટીલ કોમ્પોઝીટ ગર્ડર આધારિત નવું સુપર સ્ટ્રક્ચર તૈયાર કરાશે. આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે.
ફેઝ - 2: બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ
બીજા ફેઝમાં હાલના બ્રિજની બંને બાજુ એક જ લેવલે નવા 2-2 લેનના બ્રિજનું નિર્માણ કરાશે. આ માટે ફાઉન્ડેશનથી લઈને સુપર સ્ટ્રક્ચર સુધીની સમગ્ર કામગીરી નવેસરથી કરવાની યોજના તૈયાર કરાઈ છે.
બંને ફેઝની કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે. તે મુજબ સમગ્ર કામ માટે EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રખાઈ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ઉત્તર અને મધ્ય વિસ્તારો વચ્ચેનું ટ્રાફિક દબાણ ઘટશે અને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનશે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે સુભાષબ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્ત્વપૂર્ણ બ્રિજ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી પરેશાની વિના કાર્યરત રહ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી ટ્રાફિકની માગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. જેના માટે 9 મહિના માટે બ્રિજ બંધ કરવામાં આવશે. 9 મહિનામાં બ્રિજની રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરી બ્રિજને તમામ વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે.