વિજય માલ્યા-લલિત મોદીની ‘હમ દો ભગોડે’વાળા વીડિયો પર સરકારની આવી પ્રતિક્રિયા
થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. ભારત સરકારે હવે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્ર સરકારે કહ્યું કે, તે દેશના બે સૌથી મોટા ભાગેડુઓને પાછા લાવવા માટે પોતાની પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જ્યારે એક પત્રકારે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને લલિત મોદી અને વિજય માલ્યાના વાયરલ વીડિયો અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે કહ્યું કે, ‘ભારત સરકાર તે બધા ભાગેડુઓને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે જેઓ આપણા કાયદાથી ભાગ્યા છે. અમે આ બાબતે ઘણા દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, અને હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે તેમને પાછા લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.’
IPLના સ્થાપક લલિત મોદીએ વિજય માલ્યાના 70મા જન્મદિવસની ઉજવણી માટે લંડનમાં આયોજિત એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં લલિત મોદીએ પોતાને અને માલ્યાને ભારતના બે સૌથી મોટા ભાગેડુ ગણાવ્યા હતા.
આ વીડિયોમાં લલિત મોદી કહે છે કે, ‘અમે બે ભાગેડુ છીએ, ભારતના બે સૌથી મોટા ભાગેડુ.’ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરતા લલિત મોદીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભારતમાં ફરીથી ઇન્ટરનેટ ડાઉન કરી દો. મારા પ્રિય મિત્ર વિજય માલ્યાને જન્મદિવસની શુભકામનાઓ.’
લલિત મોદી 2010થી ભારતની બહાર છે અને મની લોન્ડરિંગ સહિત વિવિધ નાણાકીય ગેરરીતિઓના આરોપ બાદ તેને ભારત છોડવું પડ્યું હતું. આ ઉપરાંત કિંગફિશર એરલાઇન્સના પતન પછી કાનૂની મુશ્કેલીઓને કારણે માલ્યા પણ ભારત છોડીને ભાગી ગયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp