ચાલુ ભાષણમાં યમનું તેડું! સુરતની કોલેજમાં સ્પીચ આપી રહેલી યુવતી સ્ટેજ પર જ ઢળી પડી
અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. થોડા થોડા દિવસોમાં હાર્ટ એટેકના મામલા આપણી સામે આવતા રહે છે. શાળાના બાળકો પણ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવી રહ્યા છે. તો હવે સુરતથી આવી જ એક ઘટના સામે આવી છે. એક યુવતી કોલેજના સ્ટેજ પર સ્પીચ આપી રહી હતી અને ત્યારે જ તેને હાર્ટ એટેક આવી જાય છે. જેના કારણે તેનું મોત થઈ જાય છે.
સોમવારે સુરતમાં ધારુકાવાળા કોલેજમાં એક યુવતી સ્પીચ આપતી વખતે અચાનક ઢળી પડી હતી અને પછી તેનું મોત થઈ ગયું છે. યુવતીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. હાજર યુવતીઓએ અને સ્ટાફે તુરંત જ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ ફરજ બજાવી રહેલા ડૉક્ટરોએ યુવતીને મૃત ઘોષિત કરી દીધી હતી. આમ અચાનક યુવતીનું મોત થઇ જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ડૉક્ટર્સના પ્રાથમિક અનુમાન મુજબ જીલને મેજર હાર્ટ એટેક આવ્યો હતો.
આ ઘટનાના સમગ્ર CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જીલ સ્પીચ આપતી-આપતી અચાનક જ સ્ટેજ પર ઢળી પડે છે છે. જુવાનજોધ દીકરી અચાનક આ રીતે છોડીને જતી રહેતા પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર પણ શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાની નોંધ કરી આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસોની ગંભીરતા દર્શાવે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવતીની ઓળખ જીલબેન સુરેશભાઈ ઠક્કર તરીકે થઈ છે. તેઓ મૂળ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી અકાશેઠની પોળના રહીશ હતા. જીલ એક IT કંપનીમાં નોકરી કરતી હતી. તેની કંપની દ્વારા સુરતની કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજમાં એક કેમ્પેઈન/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તેઓ અમદાવાદથી ખાસ સુરત આવી હતી કોલેજના ઓડિટોરિયમમાં જ્યારે તે વિદ્યાર્થીઓને સ્પીચ અપાઈ રહી હતી, એ દરમિયાન આ ઘટના બની.
સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં અવારનવાર એક થી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે. આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવે છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp