પાલઘરમાં સાધુઓની હત્યાના આરોપીને ભાજપનું સભ્ય પદ અપાવ્યું, હોબાળો થયો તો પાર્ટીએ શું કહ્યું?

પાલઘરમાં સાધુઓની હત્યાના આરોપીને ભાજપનું સભ્ય પદ અપાવ્યું, હોબાળો થયો તો પાર્ટીએ શું કહ્યું?

11/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પાલઘરમાં સાધુઓની હત્યાના આરોપીને ભાજપનું સભ્ય પદ અપાવ્યું, હોબાળો થયો તો પાર્ટીએ શું કહ્યું?

મહારાષ્ટ્રમાં 2020માં પાલઘરમાં થયેલા મોબ લિંચિંગના આરોપી નેતા કાશીનાથ ચૌધરીના ભાજપમાં જોડાવા પર રાજકીય વિવાદ શરૂ થયો છે. પાર્ટીના નેતાઓ સાથે સ્ટેજ શેર કરતા ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યો તો વિરોધ શરૂ થઈ ગયો. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. વિરોધ બાદ, 17 નવેમ્બર, સોમવારના રોજ, ભાજપે કાશીનાથ ચૌધરીને પાર્ટીમાં સામેલ કરવાની પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવાર, 16 નવેમ્બરના રોજ પાલઘર જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં કાશીનાથ ચૌધરીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યો હતો. તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો. વિરોધ પક્ષો અને અનેક હિન્દુત્વ સંગઠનોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી સુપ્રિયા શ્રીનાતે એક પોસ્ટમાં વીડિયો શેર કરતા લખ્યું કે, ‘જ્યારે 2020માં પાલઘરમાં સાધુઓની હત્યા કરવામાં આવી હતી, ત્યારે ભાજપે કાશીનાથ ચૌધરીને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું હતું. ભાજપના નેતાઓ કાશીનાથ ચૌધરી પ્રત્યે ખૂબ જ આક્રમક હતા. આજે, કાશીનાથ ચૌધરી ભાજપમાં જોડાયા છે.’


ભાજપે શું કહ્યું?

ભાજપે શું કહ્યું?

જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો. તેમણે ચૌધરીની રાજ્ય સ્તરે સભ્યપદને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘સત્તાવાર રેકોર્ડ મુજબ, કાશીનાથ ચૌધરીનું નામ ન તો FIR માં છે કે ન તો ચાર્જશીટમાં. જોકે, મામલાની ગંભીરતાને જોતા તેમના સભ્યપદ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા તેની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે.’

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, ઘાટકોપર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને ભાજપના પ્રવક્તા રામ કદમે જણાવ્યું હતું કે, ‘પાલઘર હત્યાકાંડના આરોપી કાશીનાથ ચૌધરી MVA કાર્યકર છે. તેમણે જાણી જોઈને અમને બદનામ કરવાના ષડયંત્રના ભાગ રૂપે અમારી પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કર્યો. તેઓ સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવાનો અને પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ અમારા વરિષ્ઠ નેતાઓને આ વાતની જાણ થતા જ તેમને તાત્કાલિક હાંકી કાઢવામાં આવ્યા. આવા આરોપીઓ ક્યારેય ભાજપમાં જોડાઈ શકતા નથી. તેમનું એકમાત્ર સ્થાન જેલના સળિયા પાછળ છે.’


કાશીનાથ અવિભાજિત NCPમાં હતો

કાશીનાથ અવિભાજિત NCPમાં હતો

16 એપ્રિલ 2020ના રોજ, કોવિડ-19 લોકડાઉન દરમિયાન, પાલઘરના ગઢચિંચલે ગામમાં બાળક ચોરીની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ, એક ટોળાએ 3 લોકોને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મૃતકોમાં ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરિ, સુશીલ ગિરિ મહારાજ અને તેમના ડ્રાઇવર નિલેશ તેલગડેનો સમાવેશ થાય છે. આ ત્રણેય કાંદિવલીથી સુરત આવી રહ્યા હતા. તે સમયે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકારનું શાસન હતું અને કાશીનાથ ચૌધરી અવિભાજિત NCPના સભ્ય હતા.

આ ઘટના બાદ, ભાજપે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિત અનેક અગ્રણી નેતાઓએ આ વલણ અપનાવ્યું. તે સમય દરમિયાન ભાજપે વારંવાર કાશીનાથ ચૌધરી પર મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ લગાવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top