સુરત જિલ્લાના મહિલા વન અધિકારીને માથામાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયા, હાલત નાજુક
સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી RFO સોનલબેન સોલંકીને ગોળી વાગી છે. આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, RFO સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય અકબંધ છે અને તેને લઈને શંકા સેવાઈ રહી છે. જો કે, આ ઘટના કઈ રીતે બની તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને માથામાં ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે.
બે દિવસ અગાઉ RFO સોનલ સોલંકીએ તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેમની કારમાંથી એક GPS ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું, જે અંગત જાસૂસી તરફ ઈશારો કરે છે. તેમણે ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે અને તેમને અનેક વાર ધાક-ધમકીઓ પણ આપવામાં આવી છે.
આ GPS ટ્રેકર ડિવાઈઝ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે લગાવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. એવામાં આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવત કે કૌટુંબિક વિવાદ તરફ ઇશારો કરી રહી છે. સોનલ સોલંકીનો છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ નિકુંજ સોલંકી સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમના પતિ RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp