વાત, કફ, પિત્ત – ત્રણેય પ્રકૃતિ આધારિત મનોવૈજ્ઞાનિક અને સ્વભાવગત લક્ષણો

વાત, કફ, પિત્ત – ત્રણેય પ્રકૃતિ આધારિત મનોવૈજ્ઞાનિક અને સ્વભાવગત લક્ષણો

04/12/2021 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

વાત, કફ, પિત્ત – ત્રણેય પ્રકૃતિ આધારિત મનોવૈજ્ઞાનિક અને સ્વભાવગત લક્ષણો

આપણે અત્યાર સુધીમાં ત્રણ દોષ પ્રકૃતિ જોઈ અને એ પ્રકૃતિવાળા લોકોના લક્ષણો જોયા. હવે ત્રણેય મુખ્ય પ્રકૃતિના મનોવૈજ્ઞાનિક અને સ્વભાવગત આયામો જોઈએ. આ સમજણ અને જાણકારી જે-તે પ્રકૃતિના લોકોને વ્યાવહારિક જીવન અને દૈનિક ક્રિયાકલાપોમાં એક અવેરનેસ-સ્વયં જાગરુકતા સાથે જીવવામાં કામ આવશે. અને દરેક પ્રકૃતિના લોકો માટે શું લાભકારક છે એ પણ છેલ્લે જોઈશું.


(1) વાત પ્રકૃતિ :

વાત દોષ ચલત્વ (અસ્થિરતા)નો ગુણ ધરાવતો હોવાથી, વાત પ્રકૃતિ વાળા લોકો ઝડપી અને ચપળ હોય છે. એમના દ્રષ્ટિકોણ અને એમના રસના વિષયો બદલાતા રહે છે. જુદા-જુદા દ્રષ્ટિકોણથી કોઈ વસ્તુને મૂલવવા અને એનું એનાલિસિસ કરવા માટે તેઓ ખૂબ સક્ષમ હોય છે. સામાન્ય રીતે એમના માટે મન પર કાબૂ રાખવો થોડો અઘરો બનતો હોય છે. તેઓ ઘણી બધી બાબતોનું સપાટી પરનું જ્ઞાન સરળતાથી મેળવી શકે, પણ કોઈ એક બાબત કે વિષય પર ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવામાં એમને વધુ મહેનત પડે. તેમનું મન અસ્થિર હોય અને એક વિષયમાંથી બીજા તદ્દન અસંગત વિષય પર કૂદકો મારીને આવી શકે. અનિશ્ચિતતાઓ એમના મન અને વર્તનમાં દેખાયા કરે.

કોઈક ઘટના પર એ ત્વરિત રિએક્શન આપવાવાળા હોય. નકારાત્મક વિચારોથી જલ્દી ગ્રસ્ત થઈ શકે અને પોતાના માટે પોતાની નેગેટિવ છબી બનાવી લે એવી શક્યતા રહે. સ્થિરતાનો થોડો અભાવ હોય. ડર, ચિંતા, સ્ટ્રેસ તેમના પર સરળતાથી હાવી થઈ શકે. ઘણી વાર અતિશય ચિંતામાં શૂન્યમનસ્ક બની જાય. કોઈ પણ કામ પોતાને નુકસાન થાય એ હદે ખેંચાઇ-ખેંચાઇને પણ પૂરું કરે. એમની ગ્રહણશક્તિ તેજ હોય, કોઈ પણ વસ્તુ સરળતાથી સમજી શકે અને તરત યાદ રાખી લે. પણ એમની સ્મૃતિ શોર્ટ-ટર્મ હોય, એ એને જલ્દી ભૂલી પણ જાય.

તેઓ બહુ જ વાતોડિયા હોય. તેઓ લાંબા સમય સુધી ગંભીર ચર્ચાઓ પણ કરી શકે અને વ્યર્થ વાતો કે ગોસિપ પણ એટલા જ ઉત્સાહથી કરી શકે. સામાજિક મેળાવડાઓમાં તેઓ ખૂબ જ કમ્ફર્ટેબલ રહી શકે અને સરળતાથી બીજા લોકો સાથે હળી-મળી શકે, પણ જ્યારે અતિશય દુ:ખ, ચિંતા કે સ્ટ્રેસમાં હોય અને વાતનો એ સમયે સ્વાભાવિક પ્રકોપ થાય ત્યારે એકલા રહેવાનુ પસંદ કરે. તેમ છતાં, વાત પ્રકૃતિ વાળા લોકો કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં સરળતાથી ઢળી જાય છે.

વાત પ્રકૃતિવાળા લોકો ઉત્તમ કોમ્યુનિકેટર્સ હોય છે. એટલે માસ મીડિયાના ક્ષેત્રમાં તેઓ ખૂબ આગળ વધી શકે. તેઓ ખૂબ સારા શિક્ષક બની શકે અને કમ્પ્યુટર ટેકનૉલોજિમાં પણ ઉત્તમ કારકિર્દી મેળવી શકે. તેઓ સારા સંગીતકાર બની શકે. એનાલિસિસને લાગતું કામ સરળતાથી કરી શકે. વાત પ્રકૃતિ વ્યક્તિને રચનાત્મકતા આપે છે. કળા અને ક્રિએટિવિટીમાં ખૂબ સારું કામ કરી શકે.


(2) પિત્ત પ્રકૃતિ :

પિત્ત પ્રકૃતિવાળા લોકો બુદ્ધિશાળી હોય છે. તેઓ તીવ્ર અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા હોય છે. દુનિયાને એક ચોક્કસ પદ્ધતિસરની નજરે જોઈને સ્પષ્ટ મત આપી શકે છે. વૈચારિક સ્પષ્ટતાના કારણે તેઓ પોતાના મતમાં વધારે પડતા દ્રઢ અને જજમેન્ટલ પણ હોઇ શકે છે. મોટા ભાગે તેઓ આક્રમક અને ઉગ્ર સ્વભાવના હોય છે. ગુસ્સો તેમણે સરળતાથી આવી શકે. તેમની ઈચ્છાશક્તિ પ્રબળ અને દ્રઢ હોય છે. તેઓ શક્તિનો-ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકે પણ એને ઝગડા, હિંસા, કે દલીલોમાં વેડફી પણ શકે. તેઓ સામાન્ય રીતે પોતા કરતાં અલગ કે વિરુદ્ધ મતને સરળતાથી સ્વીકારી કે સહન ન કરી શકે એવા હોય છે. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરવી પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિ માટે પ્રમાણમાં વધુ સરળ હોય છે.

તેઓ સારું નેતૃત્વ કરી શકવા સક્ષમ હોય છે. પિત્ત પ્રકૃતિવાળા લોકો લૉ એન્ડ ઓર્ડર (કાયદો અને વ્યવસ્થા)ને લગતા ક્ષેત્રોમાં સરસ આગળ વધી શકે છે. જેમ કે તેઓ ઉત્તમ પોલિસ, સૈનિક કે વકીલ બની શકે છે. તીવ્ર બુદ્ધિ ધરાવતા હોવાથી સારા ગણિતજ્ઞ, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને સંશોધક બની શકે છે.


(3) કફ પ્રકૃતિ :

કફ પ્રકૃતિવાળા લોકો સંવેદનશીલ, લાગણીશીલ હોય છે. સકારાત્મક અભિગમ ધરાવતા લોકો મોટા ભાગે કફ પ્રકૃતિવાળા હોય છે. તેઓ, પ્રેમ, કરુણા અને ભક્તિપૂર્ણ હોય છે. ત્રણેય પ્રકૃતિમાં સ્વભાવગત સ્થિરતા સૌથી વધારે કફ પ્રકૃતિવાળા લોકોમાં હોય છે, જે ધ્યાન રાખવામાં ન આવે તો નિષ્ક્રિયતામાં પરિણમી શકે. કોઈ વસ્તુ શીખવામાં એમને વાર લાગે પણ એમની યાદશક્તિ લાંબા ગાળાની હોય. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું શ્રેષ્ઠ બહાર લાવવાની ક્ષમતા કફ પ્રકૃતિવાળા લોકોમાં હોય છે.

પોતાની માન્યતાઓ અને વ્યવહારોમાં તેઓ પરંપરાગત અને પ્રણાલીગત હોય. ટીમ-વર્કમાં બધાને સાથે જોડી રાખીને સરસ કામ કરી શકે. તેઓ મૈત્રીપૂર્ણ વ્યવહારવાળા હોય. બીજાને દુ:ખ પહોંચાડે એવા કાર્યોથી તેઓ મહદ્ અંશે દૂર રહે. તેમની ઈચ્છાઓ અને કામનાઓ વધુ હોય છે. તેઓ પઝેસિવ હોઈ શકે.

કફ પ્રકૃતિવાળા લોકો રસોઈ કળામાં ખૂબ આગળ વધી શકે. તેઓ સારા ગાયક બની શકે. તેઓ પોતાના જીવનમાં સંપત્તિવાન અને ઐશ્વર્યવાન બને. વ્યાપાર, બેન્કિંગ અને ઉદ્યોગોમાં સફળ થાય. તેઓ સતત સખત પરિશ્રમ કરી શકવા માટે સમર્થ હોય છે.

***   ***   ***

આપણે જોયું કે દરેક પ્રકૃતિના પોતપોતાના પ્લસ-માઇનસ છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર અમુક બાબતોનું ધ્યાન રાખે તો શારીરિક-માનસિક બંને સ્તર પર પોતાની પ્રકૃતિના નેગેટિવ લક્ષણોની અસર પોતાના જીવનમાં ઘટાડી શકે. વાત પ્રકૃતિવાળા લોકોએ જમવામાં કે દૈનિક જીવનમાં તેલનો ઉપયોગ નિયમિત કરવો અને માથું, કપાળ, પગના તળિયાં અને સમયાંતરે આખા શરીર પર માલિશ કરવી અને અમુક ચોક્કસ સમયના અંતરે પંચકર્મ અંતર્ગત આવતું બસ્તિકર્મ કરાવવું હિતાવહ છે. પિત્ત પ્રકૃતિના લોકોએ દૈનિક વપરાશમાં (શુદ્ધ અને ઘરના બનાવેલા) ઘીને સ્થાન આપવું અને અમુક ચોક્કસ સમયના અંતરે પંચકર્મનું વિરેચન કર્મ કરાવવું હિતાવહ છે. તો કફ પ્રકૃતિવાળા લોકોએ દૈનિક ધોરણે મધનો ઉપયોગ કરવો અને અમુક ચોક્કસ સમયના અંતરે પંચકર્મનું વમન કર્મ કરાવવું હિતાવહ છે. તમારી વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે આ અને બીજું શું કરવું એ જાણવા માટે નજીકના ક્વોલિફાઇડ વૈદ્યનો સંપર્ક કરવો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top