ગયા લેખમાં આપણે વાત દોષના સ્થાન, પાંચ પ્રકાર અને શરીરમાં વધઘટ થવાના લક્ષણો જાણ્યા હતા. આજે પિત્ત અને કફ દોષ વિષે વિસ્તારથી જોઈએ :
પિત્તના સ્થાન:
नाभिरामाशय: स्वेदो लसिका रुधिरं रस: ।
दृक् स्पर्शनं च पित्तस्य नाभिरत्र विशेषत: ॥ (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/2)
નાભિ, આમાશય (જઠર), સ્વેદ (પરસેવો), લસિકા, રુધિર (લોહી), રસધાતુ, દ્રષ્ટિ અને ત્વચા – આ પિત્તના સ્થાન છે. પણ એમાં પિત્તનું પ્રમુખ સ્થાન નાભિ છે.
પિત્તના પાંચ પ્રકાર:
પાચક, રંજક, સાધક, આલોચક, ભ્રાજક – આ પાંચ પિત્તના પ્રકાર છે.
(1) પાચક પિત્ત:
પાચક પિત્ત પક્વાશય (મોટા આંતરડાનો અંતિમ ભાગ) અને આમાશય (જઠર)ની વચ્ચેના ભાગમાં (એટલે કે નાના આંતરડામાં) પાચક પિત્ત કાર્યરત હોય છે. એનામાં અગ્નિ મહાભૂત અત્યધિક હોય છે. એ ખાધેલા આહારને પચાવે છે અને એમાંના “સાર” (શરીર માટે જરૂરી તત્ત્વો) અને “કિટ્ટ” (શરીર માટે નકામાં ઘટકો)ને જુદા પાડે છે. ત્યાં રહીને અન્ય પ્રકારના પિત્તને પણ એ શક્તિ આપે છે. પાચનની પ્રક્રિયા કરાવનાર પાચકાગ્નિ એ આ પાચક પિત્ત.
(આ પાચક પિત્તને પાચક રસો, એન્ઝાઈમ્સના નિયામક તરીકે સમજી શકાય. ક્લિનિકલ ઉદાહરણ : ખોરાકના પાચનને લગતી કે પાચનમાર્ગને લગતી કોઈ પણ સમસ્યામાં પાચક પિત્તને સરખો કરવો પડે, એટલે કે “અગ્નિ” પર કામ કરવું પડે.)
(2) રંજક પિત્ત:
રંજક પિત્ત સૌથી આહાર પાચન દ્વારા સૌથી પહેલાં બનતી “રસધાતુ”નું “રંજન” કર્મ કરીને એને રક્ત વર્ણ એટલે કે લાલ રંગ આપે છે. રસધાતુમાંથી રક્તધાતુ બનતી હોય એમાં એને લોહીનો લાલ રંગ આપવાનું કામ રંજક પિત્ત કરે છે. રંજક પિત્તનું સ્થાન આમાશય (જઠર), યકૃત અને પ્લીહા (સ્પ્લીન) છે.
(3) સાધક પિત્ત:
સાધક પિત્તનું સ્થાન હ્રદય છે. લક્ષ્ય સિદ્ધિ તરફ વ્યકિતને પ્રવૃત્ત કરવાનું કામ સાધક પિત્ત કરે છે. આ લક્ષ્ય દુન્યવી અને આધ્યાત્મિક બંને પ્રકારના હોય. એ બુદ્ધિ, મેધા, અભિમાન (પોઝિટિવ અહંકાર) વગેરે દ્વારા ઇચ્છિત બાબતો મેળવવા માટે આપણને પ્રેરિત કરે છે.
(4) આલોચક પિત્ત:
દ્રષ્ટિમાં રહેતું પિત્ત આલોચક પિત્ત છે. આ આલોચક શબ્દ “આલોચના” એટલે કે નિંદાના અર્થમાં નહીં, પણ “લોચન” એટલે કે “આંખ”ના અર્થમાં છે. આંખ દ્વારા ચક્ષુ ઇન્દ્રિયના વિષય “રૂપ”ના ગ્રહણમાં (એટલે કે જોવાની પ્રક્રિયામાં) એ મદદરૂપ બને છે.
(ક્લિનિકલ ઉદાહરણ : આંખને લગતા રોગોની આયુર્વેદ સારવાર કરતી વખતે પિત્તનું ખાસ ધ્યાન રાખવું પડે.)
(5) ભ્રાજક પિત્ત:
ભ્રાજક પિત્ત ત્વચામાં રહે છે અને ત્વચાને વર્ણ અને કાંતિ આપે છે. એટલે કે એ સ્કિન કોમ્પ્લેક્શન માટે જવાબદાર છે.
(ક્લિનિકલ ઉદાહરણ : ત્વચાના રંગમાં થતી વિકૃતિ જેમ કે ત્વચાનો રંગ વધારે ઘેરો કે આછો થવો, એમાં ભ્રાજક પિતનું ધ્યાન રાખવું પડે. આધુનિક વિજ્ઞાન જેને મેલેનિન કહે છે એનો સંબંધ આ ભ્રાજક પિત્ત સાથે હોઇ શકે?)
પિત્તની શરીરમાં વૃદ્ધિનાં લક્ષણો:
વિવિધ કારણોથી શરીરમાં વધી ગયેલો પિત્ત દોષ નીચેના લક્ષણો દ્વારા જાણી શકાય:
- મળ, મૂત્ર, નેત્ર, ત્વચામાં પીળાપણું
- ભૂખ અને તરસ વધુ લાગવી
- શરીરમાં કોઈ પણ ભાગમાં બળતરા થવી
- ઊંઘ ઘટી જવી
પિત્તના શરીરમાં ક્ષયનાં લક્ષણો
વિવિધ કારણોથી શરીરમાં ઘટી ગયેલો પિત્ત દોષ નીચેના લક્ષણો દ્વારા જાણી શકાય:
- જઠરાગ્નિનું મંદ (નબળું) પડવું
- ઠંડક લાગવી
- પ્રભા (શરીરના તેજ)માં ઘટાડો થવો
*** *** ***
હવે કફ દોષ વિષે માહિતી મેળવીએ:
કફ દોષના શરીરમાં સ્થાન:
उरः कण्ठशिरः क्लोमपर्वाण्यामाशयो रसः ।
मेदो घ्राणं च जिह्वा च कफस्य सुतरामुरः ॥ (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/3)
ઉર (છાતી), કંઠ (ગળું), શિર (મસ્તક), શ્વાસનળી, શરીરના સાંધા, આમાશય (જઠર), રસધાતુ, મેદોધાતુ, ઘ્રાણ (નાક), જિહ્વા (જીભ) - આ કફના સ્થાન છે. આ બધામાં ઉર (છાતી) એ કફનું પ્રમુખ સ્થાન છે.
કફના પાંચ પ્રકાર
અવલમ્બક, ક્લેદક, બોધક, તર્પક અને શ્લેષક – આ પાંચ કફના પ્રકાર છે.
(1) અવલમ્બક કફ
ઉરપ્રદેશ (છાતી) એ અવલમ્બક કફનું સ્થાન છે. એ હ્રદયનું અવલમ્બન કરે છે અર્થાત્ હ્રદયને બળ અને આધાર આપે છે. એ સિવાય એ અન્ય કફના સ્થાનોનું અને અન્ય કફનું પણ અવલમ્બન કરે છે.
(2) ક્લેદક કફ
આમાશય (જઠર)માં રહીને અંદર આવતા ખોરાકને ક્લેદ એટલે કે ભીનાશ આપવાનું કામ કરે છે, જેથી એના પાચનમાં સરળતા થાય. (આધુનિક વિજ્ઞાન જેને જઠરનું મ્યુક્સ સિક્રીશન કહે છે, એ આ ક્લેદક કફ ગણી શકાય.)
(3) બોધક કફ
બોધક કફનું સ્થાન જીભ છે. એ રસ એટલે કે સ્વાદનું જ્ઞાન (બોધ) કરાવે છે.
(4) તર્પક કફ
તર્પક કફ શિર (મસ્તક) માં રહે છે અને જ્ઞાનેન્દ્રિયો મતલબ કે સેન્સરી ઓર્ગન્સને એમનું કામ કરવામાં સહાયક છે, એમનું તર્પણ અર્થાત્ પોષણ કરે છે. (મસ્તિષ્કનું પ્રવાહી જેને આધુનિક વિજ્ઞાન CSF- Cerebro Spinal Fluid – “સેરેબ્રો-સ્પાઇનલ ફ્લૂઈડ” કહે છે એને તર્પક કફ સાથે સરખાવી શકાય.)
(5) શ્લેષક કફ
શ્લેષક કફ શરીરના સાંધાઓમાં રહે છે અને સાંધાઓને લ્યુબ્રિકેટ કરે છે. (આધુનિક વિજ્ઞાનમાં શરીરમાં સાંધાઓ વચ્ચે રહેલું પ્રવાહી જેને Synovial Fluid - સાયનોવિયલ ફ્લૂઈડ કહેવાય છે, એ જ આ શ્લેષક કફ હોઈ શકે.)
કફની શરીરમાં વૃદ્ધિનાં લક્ષણો
વિવિધ કારણોથી શરીરમાં વધી ગયેલો કફ દોષ નીચેના લક્ષણો દ્વારા જાણી શકાય:
- અગ્નિ મંદ (નબળો) થવો
- લાળનો સ્ત્રાવ વધી જવો
- આળસ વધી જવી
- શરીરમાં ભારેપણું લાગવું
- શરીરના વિવિધ અંગો કે મળ વગેરે વધારે સફેદ પડી જવા
- શરીરમાં ઠંડી જેવું લાગવું
- અંગો ઢીલાં પડી જવા
- શ્વાસ, ખાંસી
- ઊંઘ વધારે આવવી
કફના શરીરમાં ક્ષયનાં લક્ષણો
વિવિધ કારણોથી શરીરમાં ઘટી ગયેલો કફ દોષ નીચેના લક્ષણો દ્વારા જાણી શકાય:
- ચક્કર આવવા
- કફના સ્થાનોમાં હળવાશ-ખાલીપણું લાગવું
- હ્રદયનું થડકવું
- સાંધા ઢીલા પડી જવા
*** *** ***
વાત, પિત્ત અને કફ વિષે આટલું જાણીને તમે સમજી શકશો કે આ ત્રણ દોષો અને એમના આ પાંચ પ્રકાર શરીરના કેટલા બધા અંગો, કેટલી બધી ક્રિયાઓ અને શરીરને લગતી કેટલી બધી બાબતોને આવરી લે છે. આ દરેક અંગો, ક્રિયાઓ કે બાબતોને લગતી તકલીફો એટલે જ વાત, પિત્ત અને કફ સાથે જોડાયેલી હોય છે. અને વાત, પિત્ત અને કફની એ જે-તે હેતુને નજર સામે રાખીને સારવાર કરવા પર એ તકલીફો ધીરે ધીરે ઓછી થાય.
તો આ લેખમાં આપણે પિત્ત અને કફ વિષે પ્રાથમિક જાણકારી મેળવી. આવતા લેખમાં વાત, પિત્ત અને કફ શરીરમાં કયા કયા કારણોથી વધ-ઘટ થાય એના વિષે જોઈશું.