શરીરનું પ્રેરક અને ચાલક બળ એવા વાત દોષને ઊંડાણથી જાણો

શરીરનું પ્રેરક અને ચાલક બળ એવા વાત દોષને ઊંડાણથી જાણો

01/18/2021 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

શરીરનું પ્રેરક અને ચાલક બળ એવા વાત દોષને ઊંડાણથી જાણો

“ત્રિદોષ” એટલે કે વાત, પિત્ત અને કફ અંગેના ગયા લેખમાં આપણે જોયું કે આ ત્રણેય દોષો એ શરીરના શક્તિ-ઊર્જાના આયામો છે. જે અનુક્રમે શરીરની Kinetic Energy, Thermal Energy અને Potential Energy નું નિયમન કરે છે. વાત, પિત્ત અને કફ જ્યારે પ્રાકૃત હોય એટલે કે બગડેલા ન હોય ત્યારે શરીરમાં શું કાર્યો કરે છે એ પણ આપણે આ લેખમાળાના ગયા હપ્તામાં જોયું. હવે આપણે એ ત્રણેય દોષોના વધુ ઊંડાણમાં જઈએ અને જોઈએ એમના પ્રકારો વિષે અને શરીરમાં એમની વિકૃત સ્થિતિ વિષે.

આમ તો દોષો સર્વશરીરવ્યાપી છે, એટલે કે આખા શરીરમાં રહેલા છે. પણ એમના અમુક ચોક્કસ વિશિષ્ટ સ્થાનો છે જ્યાં દોષો એમના કાર્યો એટલે કે ફંક્શન્સ દ્વારા વ્યક્ત થાય છે.

વાયુ શરીરમાં નીચેના સ્થાનોએ વિશેષ રૂપે રહે છે:

पक्वाशयकटिसक्थिश्रोत्रास्थिस्पर्शनेन्द्रियम्

स्थानं वातस्य तत्रापि पक्वाधानं विशेषत:                   (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/1)

પક્વાશય (મળાશય), કટિ (કમર), સક્થિ (બંને પગ), શ્રોત્ર (કાન), અસ્થિ (હાડકાં), સ્પર્શનેન્દ્રિય (ત્વચા)– આ શરીરમાં વાત દોષના સ્થાન છે.

વાતના પાંચ પ્રકાર:

પ્રાણ, ઉદાન, વ્યાન, સમાન અને અપાન – આ પાંચ વાતના પ્રકાર છે.


(1) પ્રાણ :

प्राणादिभेदात् पन्चात्माः वायुः प्राणोऽत्र मूर्धगः।

उरः कण्ठचरो बुद्धिह्रदयेन्द्रियचित्तधृक्॥

ष्ठीवनक्षवथूद्गारनिःश्वासान्नप्रवेशकृत्।               (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/4)

પ્રાણવાયુ શિર પ્રદેશ (મસ્તક)માં રહે છે. એ ઉર:પ્રદેશ (છાતી) અને કંઠ (ગળા)માં વિચરણ કરે છે. બુદ્ધિ, હ્રદય, ઇન્દ્રિયો અને ચિત્તને ધારણ કરી રાખે છે. ષ્ઠીવન (થૂંકવું અને લાળનો સ્ત્રાવ), છીંક, ઓડકાર, શ્વાસોચ્છ્વાસ અને અન્નના શરીરમાં પ્રવેશના કાર્યનું નિયમન કરે છે.

(એક આડવાત : આપણી ચેતના અને મનનું નિયમન આ પ્રાણ વાયુ કરે છે. એટલે જ યોગમાં “પ્રાણાયામ”- જેમાં શ્વાસોચ્છ્વાસની અલગ અલગ જાતની ટેક્નિક હોય છે. એ અલગ અલગ હેતુઓ માટે મન અને ચિત્તનું નિયમન કરવાની એક બહુ મહત્વની ક્રિયા છે. એટલે જ પ્રાણાયામથી માનસિક સ્તરે ફેરફારો થતા જોવા મળે છે.)


(2) ઉદાન :

उरः स्थानमुदानस्य नासानाभिगलांश्चरेत्।

वाक्प्रवृत्तिप्रयत्नोर्जाबलवर्णस्मृतिक्रियः॥           (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/5)

ઉદાન વાયુ ઉર:પ્રદેશમાં રહે છે અને નાસિકા (નાક), નાભિ અને ગળામાં વિચરણ કરે છે. વાક્ પ્રવૃત્તિ (એટલે કે સ્પીચ), પ્રયત્ન (અહીં પ્રયત્ન શબ્દ કોઈ કાર્ય કરવાના શારીરિક ઉત્સાહ-સ્ટેમિનાની નજીકના અર્થમાં છે), ઊર્જા, બલ (ઇમ્યુનિટી અને સ્ટ્રેન્થ), વર્ણ (શરીરનું તેજ) અને સ્મૃતિ (યાદશક્તિ) – આ દરેકનું નિયમન ઉદાન વાયુ કરે છે.

(ક્લિનિકલ ઉદાહરણ : ઉદાન વાયુના આ કર્મો કેટલા સચોટ છે એ મને કોરોનાકાળમાં કરેલા એક અવલોકને સમજાવ્યું. કોરોનામાં જેમને જેમને ફેફસાંમાં વધારે ખરાબ અસર થઈ હોય એ દરેક વ્યક્તિને યાદ કરજો – એમનામાં કોરોના દરમ્યાન અને એની રિકવરી પછીના સમયગાળામાં અહીં ઉદાન વાયુના કર્મોમાં કહી એ દરેક બાબતો થોડા ઘણા અંશે નબળી પડી હોવાનું તમને ખ્યાલ આવશે. ફેફસાં અર્થાત્ છાતીનો પ્રદેશ એટલે કે ઉર:પ્રદેશ જે ઉદાન વાયુનો પ્રદેશ છે.)


(3) વ્યાન :

व्यानो ह्रदि स्थितः कृत्स्नदेहचारीमहाजवः।

गति अपक्षेपणोत्क्षेपनिमेषोन्मेषणादिकाः॥

प्रायः सर्वाः क्रियास्तस्मिन् प्रतिबद्धाः शरीरिणाम्॥ (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/6-7)

વ્યાન વાયુ હ્રદયમાં સ્થિત છે અને આખા શરીરમાં વિચરણ કરે છે. આ વાયુ ખૂબ વેગવાન હોય છે. ગતિ (હલનચલન), ઉત્ક્ષેપ-અવક્ષેપ (શરીરનાં અંગોને ઉપર-નીચે લઈ જવાં), નિમેષ-ઉન્મેષ (આંખ ખોલ-બંધ કરવી), બગાસું વગેરે ક્રિયાઓ વ્યાન વાયુ કરાવે છે. રુધિરાભિસરણ તંત્રની દ્રષ્ટિએ જોઈએ તો પ્રસ્પંદન દ્વારા આખા શરીરમાં લોહી પહોંચાડવાનું અને આખા શરીરમાંથી હ્રદય સુધી લોહીને પાછું લાવવાનું હ્રદયનું કાર્ય કરાવનાર વાયુ પણ વ્યાન વાયુ છે.

(ક્લિનિકલ ઉદાહરણ : સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્રમાં આવતી પ્રેરક ચેતાઓ એટલે કે મોટર નર્વ્સને લગતા રોગો જેમાં મોટા ભાગના ન્યૂરોલોજિકલ ડિસિઝ આવે, એ બધાની આયુર્વેદ ચિકિત્સામાં વાત દોષનું ધ્યાન તો રાખવાનું હોય જ, પણ વ્યાન વાયુને વિશેષ ધ્યાનમાં રાખવામા આવે.)


(4) સમાન :

समानो अग्नि समीपस्थः कोष्ठे चरति सर्वतः।

अन्नं गृह्णाति पचति विवेचयति मुंचति॥                         (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/8)

સમાન વાયુ પાચક અગ્નિની નજીક રહે છે. અને કોષ્ઠ એટલે કે પેટમાં ચારે બાજુ ફરે છે. અન્નનું પાચન પ્રક્રિયામાં ગ્રહણ થવું, એનું પાચક અગ્નિ દ્વારા એનું યોગ્ય પાચન થવું અને પાચનની પ્રક્રિયા થઈ ગયા પછી એને આગળ મોકલી દેવાની ક્રિયાઓનું નિયમન સમાન વાયુ કરે છે. આધુનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો પાચન ક્રિયામાં થતા ખોરાકના ઘટકોના પાચનમાર્ગમાં થતાં અવશોષણ, પાચન, શરીરમાં વિતરણ અને પાચનમાર્ગથી આગળ નિષ્કાસનની પ્રક્રિયાને પ્રેરિત કરતા પરિબળ તરીકે સમજી શકાય.


(5) અપાન :

अपानोऽपानगः श्रोणिबस्तिमेढ्रोरुगोचरः।

शुक्रार्तवशकृन्मूत्रगर्भनिष्क्रमणक्रियः॥                       (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 12/9)

અપાન વાયુ મુખ્યત્વે અપાન (ગુદા) પ્રદેશમાં રહે છે અને શ્રોણિ (કમર અને પેલ્વિસ), બસ્તિ (મૂત્રાશય અને મૂત્રવાહિની નળીઓ), મૂત્રમાર્ગ અને સાથળમાં વિચરણ કરે છે. શુક્ર (વીર્ય), આર્તવ (સ્ત્રીબીજ), મળ, મૂત્ર અને ગર્ભને શરીરમાંથી બહાર લાવવાની ક્રિયા કરાવે છે.

      (ક્લિનિકલ ઉદાહરણ : સ્ત્રી-પુરુષ પ્રજનનતંત્રને લગતા, મૂત્રમાર્ગને લગતા અને મળનિષ્કાસનને   લગતા બધા જ રોગોમાં અપાન વાયુ બગડેલો હોય. એમની ચિકિત્સામાં આ અપાન વાયુનું ધ્યાન       રાખવું પડે.)

આપણે વાત દોષ વિષે ગયા લેખમાં વાત કરી કે એ શરીરના વિવિધ કાર્યોના પ્રેરક અને ચાલક બળ તરીકે કાર્ય કરે છે. એ આ પાંચ પ્રકારના કાર્યોમાં વધારે સ્પષ્ટ દેખાય છે.

હવે વાયુ વિકૃત થાય એનાં લક્ષણો શરીરમાં ચોક્કસ સ્વરૂપે દેખાય. જે રોગની પ્રારંભિકથી લઈને અંતિમ અવસ્થા સુધીમાં વ્યક્ત થતા હોય. એ વિકૃતિ બે રીતે થઈ શકે- દોષની વૃદ્ધિ સ્વરૂપે તેમ જ એના ક્ષય સ્વરૂપે. હવે તમને સવાલ થશે કે દોષોને ભૌતિક રીતે જોઈ ન શકાય તો એ વધ્યા કે ઘટ્યા એ કેમ ખબર પડે? તો જેમ દોષો એના સ્વાભાવિક કાર્યો વડે સમજી શકાય, એમ એની વૃદ્ધિ અને ક્ષય પણ એના ચોક્કસ કાર્યો એટલે કે લક્ષણો જોઈને સમજી શકાય. રોગી જ્યારે વૈદ્ય પાસે આવે ત્યારે એ એના લક્ષણો જોઈને દોષની સ્થિતિ નક્કી કરે. જેનું ધ્યાન એની દવા સિલેક્ટ કરતી વખતે રાખવું પડે. તો જોઈએ વાયુની વૃદ્ધિ અને ક્ષય કયા લક્ષણોથી જાણી શકાય :

વાતની વૃદ્ધિ: વિવિધ કારણોથી વધેલો વાત દોષ નીચેના લક્ષણો દ્વારા જાણી શકાય:

_ _ _   _ _ _   _ _ _   वृद्धस्तु कुरुते अनिलः।

कार्श्यकार्ष्ण्य उष्णकामत्व कम्पानाहशकृद्ग्रहान्।

बलनिद्रेन्द्रियभ्रंशप्रलापभ्रमदीनताः॥                     (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 11/6)

- કૃશતા (જરૂર કરતાં વધારે પાતળું થવું),

- કૃષ્ણતા (શરીર-નખ-આંખ વગેરેમાં કાળાપણું),

- ગરમ આહાર-વિહારની ઈચ્છા થવી,

- શરીરમાં કંપન થવું (ક્લિનિકલ ઉદાહરણ – પાર્કિન્સન્સ ડિસિઝ એટલે કે અતિશય ધ્રુજારીનો રોગ એ ખૂબ જ વધેલા વાયુનો રોગ છે અને એની સારવારમાં એક વૈદ્ય સૌથી વધારે વાયુનું ધ્યાન રાખે છે.) - પેટમાં ગુડ-ગુડ અવાજ અને ભારે લાગવું,

- મળની ગતિમાં અવરોધ,

- બળ, ઊંઘ અને ઇંદ્રિયોના કાર્યોમાં ઘટાડો

- પ્રલાપ (વ્યર્થ બકવાસ)

- ભ્રમ (ચક્કર આવવાં)

- દીનતા (બિચારાપણાની લાગણી થવી)

વાતનો ક્ષય: વિવિધ કારણોથી ઘટી ગયેલા વાત દોષના લક્ષણો:

लिंगं क्षीणे अनिले अंगस्य सादः अल्पं भाषितेहितम्।

संज्ञामोहस्तथा _ _ _   _ _ _   _ _ _   _ _ _   _ _ _  (अष्टांगह्रदय सूत्रस्थान अध्याय - 11/15)

- શરીરના અંગો-અવયવોમાં શિથિલતા-ઢીલાપણું

- બોલવામાં અને શરીરની ક્રિયાઓમાં ઘટાડો

- સમજવામાં તકલીફ પડવી

- અગ્નિનું નબળું પડવું,

- ઊંઘ વધી જવી.

***   ***   *** 

તો આજે આપણે વાત દોષ વિષે થોડી વધારે ઊંડાણપૂર્વક વાત કરી. આવતા ભાગોમાં પિત્ત દોષ અને કફ દોષ વિષે જોઈશું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top