વાત, પિત્ત અને કફના પ્રકોપક કારણો અને એનું મહત્વ જાણો

વાત, પિત્ત અને કફના પ્રકોપક કારણો અને એનું મહત્વ જાણો

02/01/2021 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

વાત, પિત્ત અને કફના પ્રકોપક કારણો અને એનું મહત્વ જાણો

આપણા શરીરના ત્રણ દોષો – વાત, પિત્ત અને કફ – વિષે ચાલી રહેલા લેખોમાં આપણે અત્યાર સુધીમાં ત્રિદોષની પ્રાથમિક સમજણ અને વાત-પિત્ત-કફ આપણા શરીરમાં પ્રાકૃત એટલે કે બગડેલા ના હોય એ સ્થિતિમાં તેમ જ એમની વૃદ્ધિ અને ક્ષય (એટલે કે વધ-ઘટ)ની સ્થિતિમાં એમના દ્વારા થતા કર્મો – ફન્ક્શન્સ વિષે જોયું. હવે જોઈએ આજે એ ત્રણેય દોષોના પ્રકોપક કારણો અને પરિબળો વિષે.

આહાર-વિહાર શબ્દથી આપણે પરિચિત છીએ. અમુક ચોક્કસ આહાર અને વિહાર તેમ જ બાહ્ય વાતાવરણના અમુક ફેરફારો એવા છે જે ચોક્કસ દોષને પ્રભાવિત કરે. એમને વિકૃત કરે. આ બાબતો જાણ્યા પછી એમની બને એટલી વધારે ધ્યાન રાખવામાં આવે તો જે-તે દોષનો પ્રકોપ થતો, એટલે કે એ દોષમાં વિકૃતિ આવતી અટકાવી શકાય છે. આ દરેક બાબતો એવી છે કે જે ન જ કરવી એવું નહીં, પણ એ ક્યારેક કરવી પડે તો એ કરતી વખતે એનાથી જે-તે દોષનો પ્રકોપ થઈ શકે એ માનસિક સભાનતા સાથે એનો ઉપાય પણ સાથે કરી શકાય. જે સરવાળે તમારા સ્વાસ્થ્યને વધુ સારું રાખશે.


(1) વાત પ્રકોપક કારણો :

(1) વાત પ્રકોપક કારણો :

- બળવાન સાથે લડવું

- જરૂર કરતાં વધારે વ્યાયામ-કસરત

- અતિશય મૈથુન

- અતિશય અધ્યયન

- ઊંચાઈથી પડી જવું

- વધારે પડતું દોડવું

- મચકોડ

- ઘા વાગવો

- વધારે પડતા કૂદકા મારવા

- તરવું

-  મોડી રાત સુધી જાગવું

- વધારે પડતો ભાર ઉઠાવવો

- અતિશય ચાલવું

- હાથી, ઘોડા જેવા પ્રાણી પર અથવા તો યાનમાં મુસાફરી

- કડવા, તૂરા, શુષ્ક (સૂકા), પચવામાં હળવા અને અંદરથી ઠંડી પ્રકૃતિના દ્રવ્યોનું વધારે પડતું સેવન

- કોદરા, સામો, મગ, મસૂર, તુવેર, વટાણા, વાલ વગેરેનું વધારે પડતું સેવન

- વધારે પડતા/ખોટી રીતે કરાતા ઉપવાસ

- વિષમાશન (ખોટા સમયે જમવું, ખૂબ વધારે જમવું, ખૂબ ઓછું જમવું)

- અધ્યશન (આગળ જમેલું બરાબર પચી જાય એ પહેલાં ફરી જમવું)

- નીચેનો વાયુ, મૂત્ર, મળ, વીર્ય, ઉલટી, છીંક, ઓડકાર અને આંસુ – આટલા વેગોને રોકી રાખવા

- વાત દોષનો સ્વાભાવિક પ્રકોપ : ઠંડકમાં, વાદળાંથી ઘેરાયેલું વાતાવરણ હોય એવા સમયમાં, ખૂબ પવન વાતો હોય એવા સમયે અને વિશેષ કરીને વર્ષા ઋતુમાં, પ્રભાત સમયે અને સાંજ પછી સ્વાભાવિક રીતે વાત દોષનો પ્રકોપ થાય છે.

- વાત દોષનો પ્રકોપ કયા કયા લક્ષણોથી જાણી શકાય? કબજિયાત, પેટમાં દુ:ખાવો, પેટમાં આંટી આવવી, પેટમાં વાયુનો ભરાવો, પેટમાં ગુડગુડ અવાજ આવવો, પેટમાં વાયુ ફરતો હોય એવું લાગવું


(2) પિત્ત પ્રકોપક કારણો :

(2) પિત્ત પ્રકોપક કારણો :

- ક્રોધ, શોક, ભય, અધિક પરિશ્રમ, ઉપવાસ

- બળી ગયેલા/તળેલા દ્રવ્યોનું સેવન

- અતિશય ભ્રમણ

- તીખા, ખાટા, નમકીન, તીક્ષ્ણ, અંદરથી ગરમ પ્રકૃતિના, પચવામાં હળવા, ખાવાથી બળતરા કરે એવા પદાર્થો, તલનું તેલ, કળથી, સરસિયું તેલ, અળસીનું તેલ, લીલાં શાકભાજી,

- માછલી, બકરી-ઘેટાંનું માંસ,

- દહીં, તક્ર, દહીંનું પાણી, કાંજી,

- સુરાના વિવિધ પ્રકાર,

- ખાટાં ફળ

- પિત્ત દોષનો સ્વાભાવિક પ્રકોપ : ગરમીની ઋતુમાં, શરદ ઋતુમાં, દિવસના મધ્યભાગમાં, અડધી રાત્રિના સમયે, અને ભોજન પચી રહ્યું હોય એ સમયમાં સ્વાભાવિક રીતે પિત્ત દોષનો પ્રકોપ થાય છે.

- પિત્ત દોષનો પ્રકોપ કયા કયા લક્ષણોથી જાણી શકાય? શરીરના કોઈ પણ ભાગમાં બળતરા, ખાટા ઓડકાર, ખૂબ તરસ લાગવી, શરીરમાં તાકાત ઘટી ગઈ હોય એવું લાગવું, ઊંઘમાં ડિસ્ટર્બન્સ થવું


(3) કફ પ્રકોપક કારણો :

(3) કફ પ્રકોપક કારણો :

-  દિવસે સૂવું

- કોઈ પ્રકારનો શારીરિક શ્રમ કે વ્યાયામ ન કરવો

- આળસ

- મીઠા, ખાટા, નમકીન પદાર્થોનું અતિશય સેવન  

- અંદરથી ઠંડી પ્રકૃતિના, સ્નિગ્ધ પદાર્થો, પચવામાં ભારે વસ્તુઓ, ચીકણા પદાર્થોનું સેવન,

- જવ, અડદ, ઘઉં, તલ, પિષ્ટ (લોટ)થી બનેલા પદાર્થો,

- દહીં, દૂધ, ખીચડી, ખીર

- શેરડીમાંથી બનતી પ્રોડક્ટ્સ (ગોળ, સાકર વગેરે)

- હરિયાળા પ્રદેશના અને જળચર પ્રાણીઓનું માંસ,

- કમળ, શિંગોડા, મીઠા (મધુર રસવાળા) અને વેલામાં થતા ફળ

- સમશન (પથ્ય અને અપથ્ય આહાર સાથે મેળવીને ખાવો)

- અધ્યશન (આગળ જમેલું બરાબર પચી જાય એ પહેલાં ફરી જમવું)

- કફ દોષનો સ્વાભાવિક પ્રકોપ : શીતઋતુમાં, વિશેષ કરીને વસંત ઋતુમાં, દિવસના શરૂઆતના ભાગમાં અને ભોજન કરતી વખતે કફ દોષનો સ્વાભાવિક રીતે પ્રકોપ થાય છે.

- કફ દોષનો પ્રકોપ કયા કયા લક્ષણોથી જાણી શકાય? અગ્નિનું મંદ થવું (નબળું પડવું), ભૂખ ઘટી જવી, ઉલટી થવાની હોય એવું લાગવું – મોળ આવવી, લાળનો સ્ત્રાવ વધી જવો, માથા અને છાતીમાં ભારે લાગવું, બહુ જ ઊંઘ આવવી

***   ***   ***

આ વાંચીને તમને થશે કે આમાં તો લગભગ બધું આવી ગયું. આ લિસ્ટ જોઈએ તો કઇં કરી જ ન શકીએ અને કઇં ખાઈ-પી પણ ન શકીએ. તો શું કરવું? તો અહીં સમજવાનું છે. આ બધા જે-તે દોષના પ્રકોપક કારણો કહ્યા છે. આ કારણોથી દૂર જ રહેવું જોઈએ એવું નથી કહ્યું. અમુક વિશેષ પરિસ્થિતિઓમાં આ બાબતોનું ધ્યાન રખવાનું છે. કઈ કઈ પરિસ્થિતિઓમાં? ચાલો જોઈએ:

(1) જે-તે દોષના પ્રકોપના જે લક્ષણો અહીં બતાવ્યા છે, એ લક્ષણો જો તમારામાં જોવા મળતા હોય, તો આહાર-વિહારમાં એ દોષનો પ્રકોપ કરનારી બાબતોથી દૂર રહેવું જોઈએ.

(2) દિવસના જે ભાગમાં અને જે ઋતુમાં આ દોષોનો સ્વાભાવિકપણે પ્રકોપ કહ્યો છે, એ સમયમાં એ દોષના પ્રકોપક કારણોથી વિશેષ દૂર રહેવું જોઈએ. જે ઋતુ જે દોષના પ્રકોપની ઋતુ છે એની આગળની ઋતુ એ દોષના શરીરમાં “સંચય” (જમા થવા)ની ઋતુ છે. વાત દોષનો સંચય ગ્રીષ્મ ઋતુમાં અને પ્રકોપ વર્ષા ઋતુમાં, પિત્ત દોષનો સંચય વર્ષા ઋતુમાં અને પ્રકોપ શરદ ઋતુમાં, કફ દોષનો સંચય શિશિર ઋતુમાં અને પ્રકોપ વસંત ઋતુમાં થાય છે. આ ઋતુઓમાં એ દોષના પ્રકોપક કારણોથી વિશેષ બચવું જોઈએ.

(3) તમારી પ્રકૃતિ અનુસાર એ દોષના પ્રકોપક કારણોથી બને એટલું દૂર રહેવું જોઈએ. જેમ કે તમારી વાત પ્રકૃતિ હોય તો વાતપ્રકોપક કારણોથી દૂર રહેવું. સામાન્ય રીતે એક દોષની પ્રકૃતિ નથી હોતી. પ્રકૃતિ મોટાભાગે બે દોષ સાથેની હોય છે. ઉદાહરણ તરીકે વાતાધિક પિત્ત પ્રકૃતિ હોય તો વાત પ્રકૃતિના લક્ષણો વધારે હોય અને પિત્ત પ્રાકૃતિનાં લક્ષણો એનાથી ઓછાં હોય. તો એમાં વાતદોષના પ્રકોપક કારણોથી વિશેષ દૂર રહેવું જોઈએ, પિત્ત દોષના પ્રકોપક કારણોમાં હળવી છૂટછાટ કઈ શકાય. (આ પ્રકૃતિ વિષે પણ આપણે આવનારા લેખોમાં જોઈશું.)

***   ***   ***

હવે, આપણે દોષોના પ્રકોપના કારણો અને એના લક્ષણો જોયા એ તમને ક્યાં અને કેવી રીતે કામમાં આવશે? તો, રોગ થવાની જે આખી પ્રક્રિયા છે (જેને આયુર્વેદમાં  સંપ્રાપ્તિ અને આધુનિક વિજ્ઞાનમાં પેથોજીનેસિસ કહેવાય) એમાં આયુર્વેદ અનુસાર એક “ષડવિધ ક્રિયાકાલ” નામની થિયરી છે. જેમાં રોગ થવાની પ્રક્રિયાના છ પગથિયાં છે. એ આખો સ્વતંત્ર લેખનો વિષય છે પણ ટૂંકમાં સમજીએ તો આ દરેક પગથિયાંમાં રોગ ક્રમશ: વધુ ને વધુ જટિલ બને. જેટલા વહેલા એના પર એક્શન લેવાઈ જાય એટલું જ સરળતાથી થઈ રહેલા રોગથી બચી શકાય. એમાં દોષોનો આ “પ્રકોપ” એ બીજું સ્ટેપ છે. એટલે આ સમયે જ જો પૂરતું ધ્યાન રાખવામાં આવે તો એને વધુ મોટા રોગમાં રૂપાંતરિત થતો અટકાવી શકાય. એટલે તમને તમારામાં દોષોના પ્રકોપના જે લક્ષણો દેખાય, એ સાથે જ પહેલું કામ એના પ્રકોપક કારણોનું સેવન બંધ કરવાનું કરવું જોઈએ. એમાં જ અડધું કામ થઈ જશે. બાકીનું અડધું કામ તમે ઓથેન્ટિક, ક્વોલિફાઇડ વૈદ્યને બતાવવા જશો એટલે એ કરી આપશે. તમારા શરીરની વર્તમાન પરિસ્થિતિને જોઈને એ એવી અમુક દવાઓ કે પ્રક્રિયાઓ સૂચવશે જે આગળ વધી રહેલા રોગને ત્યાં જ અટકાવી દે. આ અવસ્થા એવી છે જેમાં રોગનું કોઈ નામ નથી હોતું, માત્ર પ્રકોપના લક્ષણો હોય છે. અહીંથી બીજા પરિબળો મુજબ આગળ ગમે તે દિશામાં કોઈ પણ રોગ તરફ જઇ શકે. એટલે અહીં માત્ર પ્રકોપના લક્ષણો અને તમારી પ્રકૃતિ અનુસાર ચિકિત્સા કરવાથી થઈ રહેલા રોગને આગળ વધતો જ અટકાવી શકાય છે. આપણે જેને “રોગ” કહીએ છીએ, જેને કોઈ ચોક્કસ રોગ તરીકેનું નામકરણ કરી શકાય, એ અવસ્થા તો આ છ સ્ટેપમાંથી છેક પાંચમા સ્ટેપમાં આવે છે. પહેલાંના ચાર સ્ટેપમાં તો રોગની પૂર્વતૈયારીઓ જ થતી હોય છે શરીરમાં. એટલે જેટલું વહેલું એના પર કામ થાય એટલું સરળતાથી આપણે વધારે સ્વસ્થ રહી શકીએ અને આવનાર રોગને રોકી શકીએ. આ જ આયુર્વેદની વિશેષતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top